ઑટોમૅટિક ડેટા પ્લૅટફૉર્મ : પૃથ્વી પર સ્થપાયેલાં સ્વયંસંચાલિત હવામાનમથકો. તે ટ્રાન્સમીટરની મદદથી, વાતાવરણનાં પરિબળોના આંકડા સમયાંતરે પ્રસારિત કરતા રહે છે. આ બધા આંકડા ઉપગ્રહ દ્વારા ઝીલવામાં આવે છે અને અમુક સમય બાદ તેમનું પુન: પ્રસારણ થાય છે. આવા આંકડા એકત્રિત કરીને પૃથ્વી પરનાં મધ્યસ્થ હવામાનમથકોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્યત: જ્યાં ચીલાચાલુ માનવસંચાલિત હવામાનમથકો ઊભાં કરવાનું મુશ્કેલ હોય (ઉદા. રણ, પર્વત અને જંગલ વિસ્તાર), ત્યાં આ પ્રકારનાં સ્વયંસંચાલિત મથકો સ્થાપવામાં આવે છે. તે સૌરકોષ કે વિદ્યુતકોષની મદદથી લાંબા સમય સુધી, કોઈની પણ દેખરેખ વગર સ્વયંસંચાલિત કાર્ય કરી શકે છે. ભૂમિ ઉપરાંત, સમુદ્રમાં તરતાં ‘બોયાં’ ઉપર અથવા વાતાવરણમાં હવામાં ઊંચે અધ્ધર રહેલાં બલૂન સાથે પણ આવાં મથકો રાખવામાં આવે છે. તેનાથી હવામાન ઉપરાંત નદીના પ્રવાહ અંગે એનાં જળશાસ્ત્રીય પરિબળો વિશે પણ માહિતી મેળવી શકાય છે. વળી પૂર અંગેની સમયસર ચેતવણી આપવામાં પણ તે મદદરૂપ બને છે. ભૂ-સમક્રમિક ભ્રમણકક્ષા (geosynchron-ous orbit) તથા ધ્રુવીય ભ્રમણકક્ષા(Polar orbit)માં ઘૂમતા હવામાન ઉપગ્રહો (metereological satellites) પૃથ્વી પરનાં સંખ્યાબંધ સ્વયંસંચાલિત મથકોના આંકડા મેળવીને પુન: પ્રસારિત કરતાં હોય છે. ભૂ-સમક્રમિક ઉપગ્રહ ચોવીસે કલાક અમુક સ્થાન ઉપર જ સ્થિર રહેતો હોવાથી તે ફક્ત એ વિસ્તારનાં મથકો પૂરતા જ આંકડા મેળવી શકે છે, જ્યારે ધ્રુવીય ભ્રમણકક્ષાનો ઉપગ્રહ સમગ્ર પૃથ્વી પરનાં જુદાં જુદાં સ્થાનોમાં સ્થાપેલાં મથકોના આંકડા મેળવી શકે છે. સ્વયંસંચાલિત મથકો દ્વારા થતું આંકડાનું પ્રસારણ, જે તે ઉપગ્રહની ભ્રમણકક્ષા ઉપર આધારિત હોય છે. ભૂ-સમક્રમિક ભ્રમણકક્ષા માટે નિયમિત સમયગાળે ચોવીસ કલાક દરમિયાન અનેક વખત પ્રસારણ થતું રહે છે, જેમાં ફક્ત ‘સ્થાયી’ (fixed) મથકોનો જ ઉપયોગ થાય છે. અમુક વિશિષ્ટ સંજોગોમાં (દા.ત., સમુદ્રમાં જોરદાર પવન હોય કે નદીમાં પૂર આવ્યું હોય ત્યારે) સ્થાયી મથકો દ્વારા ભૂ-સમક્રમિક ભ્રમણકક્ષાના ઉપગ્રહો માટે આપત્કાલીન સંદેશાનું પણ પ્રસારણ થાય છે. ધ્રુવીય ભ્રમણકક્ષામાં ઉપગ્રહ જે તે પ્રદેશ ઉપરથી પસાર થાય ત્યારે તેના વડે આપવામાં આવતા આદેશ અનુસાર તે પ્રદેશનાં મથકો દ્વારા આંકડાનું પ્રસારણ થાય છે. ધ્રુવીય ભ્રમણકક્ષામાંના અમેરિકાના NOAA (National Oceanic & Atmospheric Administration) શ્રેણીના ઉપગ્રહોમાં રાખવામાં આવેલાં ઉપકરણો, સમુદ્રમાં તરતાં ‘બોયાં’ અને વાતાવરણમાં અધ્ધર રહેલાં બલૂનનાં ભૌગોલિક સ્થાન – અક્ષાંશ, રેખાંશ અને ઊંચાઈ – પણ નક્કી કરી શકે છે.
ભારતના બહુ-ઉદ્દેશીય ઇન્સેટ શ્રેણીના ઉપગ્રહ ઇન્સેટ-1-બી, ભારતમાં જુદાં જુદાં સ્થાનો પર સ્થાપેલાં આશરે 100 જેટલાં સ્વયંસંચાલિત સ્થાયી મથકોના આંકડા મેળવીને પુન: પ્રસારિત કરે છે. આમ તે હવામાનના પરિવર્તન અંગે તેમજ નદીઓમાં આવનાર પૂર વિશે સમયસર માહિતી આપી શકે છે. દક્ષિણ ધ્રુવના ભારતીય મથક ‘દક્ષિણ-ગંગોત્રી’ ખાતે સ્થાપવામાં આવેલ સ્વયંસંચાલિત હવામાનમથકના આંકડા પણ ઇન્સેટ-1-બી મેળવે છે.
પરંતપ પાઠક