ઑટોક્લેવ (autoclave) : પ્રયોગશાળામાં અથવા હૉસ્પિટલો જેવી સંસ્થાઓમાં ઉપકરણો, માધ્યમો કે દવાઓને જંતુરહિત (sterilize) કરવા માટે ઉપયોગમાં લેવાતું પાત્ર. દર 6.25 ચોસેમી.એ, 7 કિલોગ્રામના દબાણે, 121.60 સે. તાપમાનવાળી વરાળથી તે 15-20 મિનિટમાં વસ્તુઓને જંતુરહિત બનાવે છે. ઊંચા દબાણ અને તાપમાનને સહન કરી શકે તે માટે, ઑટોક્લેવ બનાવવામાં સ્ટેનલેસ સ્ટીલ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે.
1679માં ડેનિસ પેપિને સૌપ્રથમ ઑટોક્લેવની શોધ કરી. તેનો ઉપયોગ આજે રસોઈઘરમાં પ્રેશર કૂકર તરીકે થાય છે. રાસાયણિક ઉદ્યોગમાં રંગ બનાવવા અથવા રાસાયણિક ફેરફારો માટે જુદા જુદા પ્રકારનાં ઑટોક્લેવ વપરાય છે. પ્રયોગશાળાઓમાં જીવાણુઓ ઉછેરવાના માધ્યમને તૈયાર કરવા માટે પણ ઑટોક્લેવનો ઉપયોગ થાય છે.
ઊર્મિ અજય લાખિયા