ઑચોઆ, સીવીરો (જ. 24 સપ્ટેમ્બર 1905, લુઆર્કા, સ્પેન; અ. 1 નવેમ્બર 1993, મેડ્રિડ, સ્પેન) : સ્પૅનિશ આણ્વિક જૈવશાસ્ત્રી (molecular biologist). બાયૉકેમિસ્ટ આર્થર કોનબર્ગ સાથે ફિઝિયૉલૉજી-મેડિસિનના 1959ના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1929માં મૅડ્રિડ યુનિવર્સિટીમાંથી એમ.ડી. થયા પછી ગ્લાસ્ગો, બર્લિન અને લંડન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ હેડનબર્ગની યુનિવર્સિટીમાં સ્નાયુની બાયૉકેમિસ્ટ્રી અને ફિઝિયૉલૉજીનો અભ્યાસ કર્યો. 1935માં તેમણે મૅડ્રિડ

સીવીરો ઑચોઆ

યુનિવર્સિટીમાં ફિઝિયૉલોજીના વડા તરીકે સેવા આપી. 1938થી 1941 દરમિયાન તેમણે વિટામિન B1(થાયામીન)ની પ્રક્રિયા શોધી કાઢી. 1942માં રિસર્ચ ઍસોસિયેટ ઇન મેડિસિન અને 1946માં પ્રોફેસર ઑવ્ ફાર્મોકૉલૉજી બન્યા. 1954માં તે ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં બાયૉકેમિસ્ટ્રી વિભાગના અધ્યક્ષ બન્યા. 1974માં તે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૉલિક્યૂલર બાયૉલૉજીમાં જોડાયા. તેમણે જીવાણુમાં RNA(ribonucleic acid)નું સંશ્લેષણ કરવામાં ઉપયોગી એવા ‘પૉલિન્યૂક્લિઑટાઇડ ફૉસ્ફૉરિલેઝ’ નામનો ઉત્સેચક (enzyme) શોધ્યો. તેને લીધે કોષનાં કાર્યો અને તેમની લાક્ષણિકતાઓ સમજવાનું પાયાનું કાર્ય શક્ય બન્યું.

હરિત દેરાસરી