ઑગો (Orbiting Geophysical Observatory – OGO)
January, 2004
ઑગો (Orbiting Geophysical Observatory – OGO) : ભ્રમણ કરતી ભૂભૌતિકીય વેધશાળા. પૃથ્વીના વાયુમંડળ-(aerosphere)થી ભૂચુંબકાવરણ (magnetosphere) સુધી અંતરીક્ષની માહિતી આપતી અને વૈજ્ઞાનિક ઉપકરણોથી સજ્જ કરાયેલી ઉપગ્રહમાંની વેધશાળા. તેના વડે પૃથ્વીનો આકાર, રેડિયોતરંગો વડે પૃથ્વી પરનાં જુદાં જુદાં સ્થળો વચ્ચેનું અંતર, ધરીની આસપાસ પૃથ્વીના પરિભ્રમણના સમયમાં થતા ફેરફાર, દૂર સુધી પહોંચી શકે તેવાં પ્રક્ષેપાસ્ત્રોનો માર્ગ વગેરે વિશેની જાણકારી પ્રાપ્ત થાય છે. વળી કૃત્રિમ ઉપગ્રહની ભ્રમણકક્ષા અગાઉથી નક્કી કરવા માટે ઉપયોગી એવા પૃથ્વીના દ્રવ્યમાન અને ગુરુત્વાકર્ષણબળનું વિતરણ, ભૂચુંબકત્વમાં થતા નાના-મોટા તેમજ મંદ-ત્વરિત ગતિના ફેરફાર તથા અવકાશમાંથી ઊતરી આવતાં વીજકણને લઈને ઉત્પન્ન થતાં ભૂચુંબકીય તોફાનો વિશે પણ જાણી શકાય છે. સંદેશાવ્યવહારની વિશ્વસનીયતા, ઊંચાઈ તથા અક્ષાંશ-રેખાંશ સાથે હવાનું દબાણ, તાપમાન, પવન, ભૂચુંબકત્વ, વીજાણુઓની સંખ્યાઘનતા, આયનકારક વિકિરણો (ionising radiations), સૌર-ભૂભૌતિક સંબંધો વગેરેના અભ્યાસ માટે પણ OGO શ્રેણીનો ઉપગ્રહ ખૂબ અગત્યની માહિતી પૂરી પાડે છે. આ શ્રેણીના ત્રણ ઉપગ્રહની વિગત નીચે પ્રમાણે છે :
OGO – I : પ્રયાણ 4 સપ્ટેમ્બર, 1964; 291થી 1,54,053 કિમી. ઊંચાઈએ દીર્ઘવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ; આવર્તકાળ : 64 કલાક; કક્ષાનો નમનકોણ 31.10; વૈજ્ઞાનિક ઉપકરણોનું વજન 490 કિગ્રા.; ભમરડા જેવી ચક્રણગતિથી કક્ષાનું સ્થિરીકરણ (spin-stabilisation) : આ ઉપગ્રહમાંનાં ફક્ત અડધાં જેટલાં જ ઉપકરણો ક્રિયાશીલ રહી, પૃથ્વી પર માહિતી મોકલાવતાં હતાં.
OGO – II : પ્રયાણ 14 ઑક્ટોબર, 1965; 432થી 1,562 કિમી.ની ઊંચાઈએ દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ; આવર્તકાળ : 104.3 મિનિટ; નમનકોણ 87.40; વૈજ્ઞાનિક ઉપકરણોનું વજન 507 કિગ્રા. આ ઉપગ્રહનાં લગભગ બધાં જ ઉપકરણ સફળ કામગીરી બજાવી, પૃથ્વી પરનાં નિયંત્રણમથકો ઉપર માહિતી મોકલાવતાં હતાં.
OGO – III : પ્રયાણ 6 જૂન, 1966; 283થી 1,25,775 કિમી. ઊંચાઈએ દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ; આવર્તકાળ : 48 કલાક અને 28 મિનિટ; નમનકોણ 30.90; વૈજ્ઞાનિક ઉપકરણોનું વજન 516 કિગ્રા. ઉપગ્રહનાં બધાં જ ઉપકરણો, ભૂભૌતિક વિજ્ઞાનને લગતી માહિતી પૃથ્વી પરનાં નિયંત્રણમથકો ઉપર મોકલાવતાં હતાં.
આ ઉપગ્રહો દ્વારા પ્રાપ્ત થયેલ માહિતીના આંકડા સૌર-ભૂભૌતિકીય વૃત્તપત્રોમાં પ્રગટ થયેલા છે. તેના વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થયેલ પરિણામ, ઘણા સંશોધનલેખોમાં પણ રજૂ થયેલાં છે.
કાંતિલાલ મોતીલાલ કોટડિયા