ઑગિટાઇટ (augitite) : બેસાલ્ટનો એક પ્રકાર. મુખ્યત્વે ઑગાઇટ મહાસ્ફટિકોથી બનેલો બેસાલ્ટ. ક્યારેક તેમાં બાયૉટાઇટ અથવા હૉર્નબ્લેન્ડ પણ હોઈ શકે છે, જે મોટેભાગે સોડા-સમૃદ્ધ કાચ-સમૃદ્ધ દ્રવ્યમાં જડાયેલાં હોય છે.

ખડકના સ્ફટિકમય ભાગના સંદર્ભથી જોતાં, ઑગિટાઇટ એ પૉર્ફિરિટિક કણરચનાવાળો, લગભગ એક-ખનિજીય ખડક ગણાય; જેમાં ટિટેનઑગાઇટ ખનિજના સ્ફટિકછેદ, લોહધાતુ-ખનિજની વિપુલતાવાળા બિનસ્ફટિકીય દ્રવ્યમાં જડાયેલા જોવા મળે છે. આ ખડકમાંના ટિટેનઑગાઇટના સ્ફટિકછેદ માઇક્રોસ્કોપ હેઠળ એકાંતરપટ્ટીરચના(zoning)વાળા, સાદી તેમજ મિશ્રિત યુગ્મતાવાળા, ડમરુ આકારવાળા, અપકિરણનાં પ્રકાશીય લક્ષણોવાળા હોય છે. ઑગિટાઇટના બિનસ્ફટિકીય દ્રવ્યનું બંધારણ જાણી શકાયું નથી; તેથી બિનસ્ફટિકીય દ્રવ્યને ધ્યાનમાં ન લેવામાં આવે તો આ ખડક પાયરૉક્સીનાઇટ (અલ્ટ્રાબેઝિક એક-ખનિજીય અંત:કૃત ખડક) સાથે ખનિજીય સામ્ય દર્શાવે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે