ઑગસ્ટાઇન, સેન્ટ [જ. 13 નવેમ્બર 354, સોખારસ, અલ્જિરિયા (ન્યૂમીડિયા પ્રાચીન); અ. 28 ઑગસ્ટ 430, હીપો, અલ્જિરિયા] : ખ્રિસ્તી ધર્મપરંપરા અને ઈશ્વરમીમાંસામાં મોટો ફાળો આપનાર મધ્યયુગના અગ્રણી તત્વજ્ઞ. પ્રાચીન ગ્રીક સંસ્કૃતિના મધ્યયુગ તરફના સંક્રાન્તિકાળના તેઓ એક પ્રભાવશાળી પ્રતિનિધિ હતા. ગ્રીસના પ્રશિષ્ટ સાંસ્કૃતિક વારસાથી તેઓ સુપરિચિત હતા. પરંતુ તેનાથી વંચિત રહેલા મધ્યયુગમાં ખ્રિસ્તી ધર્મનું પ્રાબલ્ય હતું અને ગ્રીસના પ્રાચીન વારસા સાથે તેનો તાલમેલ સાધવાનો હતો. ઑગસ્ટાઇને આ બંને વચ્ચે સેતુ બાંધવાનો પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. ઈશ્વરવિદ્યા સાથે તત્વજ્ઞાન તથા શ્રદ્ધાની સાથે તર્કને જોડવાનો પ્રયત્ન તેમના જીવનમાં તથા લેખનમાં જોવા મળે છે.

સેન્ટ ઑગસ્ટાઇન

પિતા સર્વદેવવાદી (Pagan) હતા, માતા ખ્રિસ્તી ધર્મ પાળતાં હતાં. સાહિત્ય અને વાક્કલાનું શિક્ષણ લીધા પછી તેઓ સિસેરોનાં લખાણોના પરિચયમાં આવ્યા. તેના દ્વારા ગ્રીક ચિંતનનો પરિચય થયો. સિસેરોના આત્મપૂર્ણતાના આદર્શ તરફ તેઓ આકર્ષાયા અને નૈતિક અને ધાર્મિક ચિંતન તરફ વળ્યા. 19 વર્ષની વયે તેમણે લૅટિન બાઇબલનો અભ્યાસ કર્યો.

384માં વાક્કલાના અધ્યાપક તરીકે તેઓ મિલાન ગયા, જ્યાં ખ્રિસ્તી બૌદ્ધિકોના પરિચયમાં આવતાં તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો (387). ઈ.સ. 391માં તેઓ પાદરી બન્યા અને 395માં હીપો શહેરના બિશપ બન્યા. અહીં તેમની બુદ્ધિપ્રતિભા અને ધર્મનિષ્ઠાએ બિશપ તરીકેનો તેમનો વ્યાપક પ્રભાવ ઊભો કર્યો.

ઑગસ્ટાઇનના મત મુજબ ખ્રિસ્તી ધર્મ અને તત્વજ્ઞાનનું એક સ્વરૂપ છે. ધર્મમાં શ્રદ્ધા મહત્વની છે અને શ્રદ્ધા દ્વારા જ સમજણ આવે છે. સાચી સમજણ ઈશ્વરના પ્રત્યક્ષ દર્શનથી થાય છે એમ તેમનું કહેવું છે. સત્યની શોધ અને ખ્રિસ્તી ધર્મ તેમને એકરૂપ થયેલાં લાગ્યાં.

ઑગસ્ટાઇન બે પ્રકારના જ્ઞાનનો સ્વીકાર કરે છે : એક ઇન્દ્રિયજન્ય અને બીજું બુદ્ધિજન્ય. તેમને મતે બે પ્રકારનાં વિશ્વ છે : બાહ્ય અને આંતરિક, ઇન્દ્રિયગમ્ય અને બુદ્ધિગમ્ય, વાસનાજન્ય અને આધ્યાત્મિક. ડહાપણનો માર્ગ એ ઈશ્વરનો માર્ગ છે. મનની આંતર અને ઊર્ધ્વગતિ દ્વારા તે પ્રાપ્ત થાય છે. ઈશ્વરનું પ્રગટીકરણ માનવની શ્રદ્ધાના શુદ્ધીકરણ દ્વારા જ શક્ય છે. આનું નામ માનવનો પુનર્જન્મ છે. એ રીતે ઑગસ્ટાઇને ઈશ્વરનું અવતરણ સમજાવ્યું છે.

ઑગસ્ટાઇનના મત મુજબ માનવની દિવ્ય પ્રતિમા પાપ દ્વારા દૂષિત બની છે. આ પાપ ઐતિહાસિક રીતે આદમે કર્યું છે અને માનવને તે વારસામાં મળ્યું છે. આદમના પતનની સાથે બે નગરોની રચના થઈ. એક પૃથ્વી પરનું નગર જે સદૈવ દેવો સાથે વિદ્રોહમાં હોય છે અને બીજું ઈશ્વરનું નગર જે ઈશ્વરને વફાદાર હોય છે.

આદમનો અભિશાપ પામેલી માનવજાત અબૌદ્ધિક આત્મપ્રેમ ધરાવે છે, પરંતુ આત્મજ્ઞાન અને આત્મનિયંત્રણનો તેનામાં અભાવ છે. માનવને બૌદ્ધિક અને ન્યાયી રાજ્યના નાગરિક બનાવવા ઇચ્છતી ગ્રીક અને રોમન પરંપરા ભૂલભરેલી છે. આવું રાજ્ય ભૌતિક સુવિધા માટે છે, આધ્યાત્મિકતા માટે નથી. સાચું રાજ્ય એ સાચું દેવળ છે પણ આ દેવળ ઇતિહાસમાં નથી. તે સમયથી પર છે એમ ઑગસ્ટાઇનનું પ્રતિપાદન છે.

પાદરી તેમજ બિશપની કામગીરીમાં ડૉનેટિસ્ટ અને પેલેજિયન એવા બે ફાંટાઓ સાથે તેમને વિવાદમાં ઊતરવાનું થયું, પરંતુ તેમાં ઑગસ્ટાઇનનો અભિગમ એકતાની તરફેણમાં રહ્યો. ઑગસ્ટાઇનનું ખ્રિસ્તી ધર્મને આ સૌથી મોટું પ્રદાન હતું. તેથી જ ખ્રિસ્તી ધર્મના અગ્રણી ચિંતક, તેની એકતાના શિલ્પી અને ધર્મવેત્તા તરીકે તેમની ગણના થયેલી છે. પશ્ચિમની વિચારધારા અને સંસ્કૃતિમાં સંત ઑગસ્ટાઇનનો મોટો પ્રભાવ છે.

તેમનાં બે પુસ્તકોમાં ‘કન્ફેશન્સ’ તેમના પોતાના જીવન ઉપર આધારિત છે. બીજું ‘ધ સિટી ઑવ્ ગૉડ’ ખ્રિસ્તી ધર્મ અનુસાર ઇતિહાસનું દર્શન કરાવે છે અને તેમના તત્વજ્ઞાનનો ખ્યાલ આપે છે.

પ્રશાન્ત દવે

જયન્ત પંડ્યા