ઑક્સોનિયમ આયન : કેન્દ્રસ્થ ઑક્સિજન પરમાણુ ધરાવતો ધનાયન. હાઇડ્રૉક્સોનિયમ આયન (અથવા H3O+) સરળમાં સરળ ઑક્સોનિયમ આયન છે અને ઍસિડના જલીય દ્રાવણમાં તે હાજર હોય છે. આ આયનયુક્ત ધન ક્ષારો મેળવી શકાય છે. કેટલાંક પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહૉલનું નિર્જલીકરણ (dehydration) સમજાવવા માટે વ્હિટમોરે આલ્કોહૉલમાંથી પ્રોટોની-કરણ(protonation)માં ઑક્સોનિયમ આયનના નિર્માણની કલ્પના કરી હતી.
ટ્રાયમિથાઇલ ઑક્સોનિયમ (Me3O+) અને ટ્રાયફિનાઇલ ઑક્સોનિયમ (Ph3O+) આયનો અને તેમના ક્ષારો જાણીતા છે. ઇથર સંયોજનો પ્રોટોનદાતાઓ અને લૂઈસ ઍસિડ (દા.ત., BF3) સાથે ઑક્સોનિયમ ક્ષારો આપે છે.
ટ્રાયઆલ્કાઇલ ઑક્સોનિયમ ક્ષારો કાર્બનિક અને અકાર્બનિક કેન્દ્રાનુરાગીઓ (nucleophils) માટે પ્રબળ આલ્કાઇ-લેટિંગ પ્રક્રિયક છે.
જ. પો. ત્રિવેદી