ઑક્સેલિડેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી – બિંબપુષ્પી (Disciflorae), ગોત્ર – જિરાનિયેલ્સ, કુળ – ઑક્સેલિડેસી. આ કુળ 7 પ્રજાતિઓ અને લગભગ 1,000 જાતિઓનું બનેલું છે અને તે મોટેભાગે ઉષ્ણપ્રદેશોમાં વિતરણ પામેલું છે. સમશીતોષ્ણ પ્રદેશોમાં ઉત્તર કે દક્ષિણ તરફ આગળ વધતાં આ કુળની જાતિઓની સંખ્યા ઘટે છે. Oxalis(લગભગ 850 જાતિઓ)ની 25 જેટલી જાતિઓ શોભન છે.

આ કુળની મોટાભાગની જાતિઓ શાકીય, કેટલીક વાર ઉપક્ષુપીય (suffrutescent) કે ક્ષુપ અથવા ક્વચિત્ જ વૃક્ષ-[દા.ત., કમરખ (Averrhoea)]સ્વરૂપ ધરાવે છે. ઘણી વાર રસાળ ગાંઠામૂળી કે કંદસમ ગ્રંથિલ પ્રકારનું પ્રકાંડ જોવા મળે છે. પર્ણો પીંછાકાર (pinnately) કે પંજાકાર (palmately), સંયુક્ત અથવા પર્ણિકાઓની સંખ્યામાં ઘટાડો થતાં સાદાં; સદંડી, અનુપપર્ણીય (exstipulate) અને કલિકા અવસ્થામાં અને રાત્રે પર્ણિકાઓ બિડાયેલી હોય છે. પુષ્પો એકાકી છત્રક પરિમિત (umbellate cymose) કે અપરિમિત (racemose) સ્વરૂપે ગોઠવાયેલાં અને નિયમિત, દ્વિલિંગી અને અધોજાયી (hypogynous) હોય છે. કેટલીક વાર સંવૃત (cleistogamous) પુષ્પો ઉદભવે છે. સંવૃત પુષ્પો દલપુંજવિહીન હોય છે. વજ્ર 5(વજ્ર)પત્રોનું બનેલું અને કોરછાદી (imbricate) હોય છે. દલપુંજ 5 દલપત્રોનો બનેલો, મુક્ત અથવા કેટલીક વાર તલસ્થ ભાગેથી જોડાયેલો અને વ્યાવૃત (contorted) હોય છે. પુંકેસરચક્ર 10 પુંકેસરોનું બનેલું, દ્વિચક્રીય અને બહારનું ચક્ર દલપત્ર-સંમુખ હોય છે. પુંકેસરચક્રની આ સ્થિતિને પ્રતિદ્વિવર્તપુંકેસરી (obdiplostemonous) કહે છે. કેટલીક વાર 5 પુંકેસરો વંધ્ય બને છે. તેઓ તલસ્થ ભાગેથી જોડાયેલાં હોય છે. પરાગાશય દ્વિખંડી અને અંતર્મુખી (introse) હોય છે. તેનું સ્ફોટન લંબવર્તી તલે થાય છે. સ્ત્રીકેસરચક્ર પંચયુક્તસ્ત્રીકેસરી હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ હોય છે અને પંચકોટરીય અક્ષવર્તી (axile) જરાયુવિન્યાસ ધરાવે છે. પ્રત્યેક કોટરમાં એક કે તેથી વધારે અધોમુખી (anatropous) અંડકો હોય છે. પરાગવાહિનીઓ 5, મુક્ત અને દીર્ઘસ્થાયી (persistent) હોય છે. પ્રત્યેક પરાગવાહિની અગ્રસ્થ સમુંડ (capitate) પરાગાસન ધરાવે છે. ફળ વિવરીય (loculicidal) પ્રાવર કે ક્વચિત જ અનષ્ઠિલ હોય છે. બીજ કેટલીક વાર બીજોપાંગ(aril)યુક્ત હોય છે. ભ્રૂણ સીધો અને મૃદુરસાળ ભ્રૂણપોષ વડે ઘેરાયેલો હોય છે.

આકૃતિ 1 : ઑક્સેલિડેસી. અબૂટી (Oxalis) : (અ) પુષ્પ સહિતનો છોડ, (આ) ભૂમિગત કંદયુક્ત પ્રકાંડ, (ઇ) પુષ્પ અને પુષ્પકલિકા, (ઈ) બીજાશયનો આડો છેદ, (ઉ) પુષ્પનો ઊભો છેદ, (ઊ) દલપુંજ કાઢી લીધેલું પુષ્પ.

હેલિયર, બેસી, વેટ્ટસ્ટેઇન, હચિન્સન અને રૅન્ડલ જેવા મોટાભાગના વર્ગીકરણવિજ્ઞાનીઓ આ કુળને જિરાનિયેલ્સ ગોત્રમાં જિરાનિયેસીની નજીક મૂકે છે. બૅન્થામ અને હૂકરે ઑક્સેલિડેસીના સભ્યોને જિરાનિયેસી કુળમાં સમાવ્યા છે.

Oxalis acetosella Linn. (અમરુલ) અને O. corniculata Linn.(અબૂટી)નાં પર્ણોનો કચુંબર, શાકભાજી, સૅન્ડવિચ, ચટણી કે અથાણાં બનાવવામાં ઉપયોગ થાય છે. O. martiana Zucc.ના ગ્રંથિલ ખાદ્ય હોય છે. આ જાતિઓ ઔષધ તરીકે પણ ઉપયોગી છે. Averrhoa carambola Linn.(કમરખ)નાં ફળ મીઠાં અને ખાદ્ય છે અને જેલી, જામ, અથાણાં કે કચુંબર બનાવવામાં ઉપયોગી છે. Biophytum sensitivum (L.) DC (રિસામણું, ઝરેરો) નીંદામણ તરીકે ગુજરાતમાં ઊગી નીકળે છે.

સરોજા કોલાપ્પન

બળદેવભાઈ પટેલ