ઑક્સીભૂત નિક્ષેપો : આર્થિક મૂલ્ય વગરના તેમજ ખનનયોગ્ય ન હોય તેવા ભૂપૃષ્ઠ પર ખુલ્લા થયેલા કેટલાક ધાત્વિક સલ્ફાઇડ ખનિજ ઘટકો ઉપર ઑક્સિજન અને પાણી દ્વારા થતી રાસાયણિક ખવાણક્રિયા – ઑક્સીભવન (ઉપચયન-oxidation) – મારફત મળતા સલ્ફેટ દ્રાવણોના મિશ્રણમાંથી અવક્ષેપિત થતાં ખનિજો. ખનિજોના ઉપચયનથી તૈયાર થતાં વિવિધ દ્રાવણો વચ્ચે પારસ્પરિક પ્રક્રિયા થતાં નવાં દ્રાવણો અને ખનિજો ઉત્પન્ન થાય છે. ભૂપૃષ્ઠના ખડક-પડોની તડો, ફાટો કે આંતરકણ જગાઓ મારફત આ દ્રાવણો સ્રવીને ભૂગર્ભ-જળ-સપાટી સુધી પહોંચે છે. આ ખવાણક્રિયા ઑક્સિજનની ઉપલબ્ધિ ઉપર આધાર રાખે છે અને મુક્ત ઑક્સિજન ભૂગર્ભ જળસપાટી સુધી જ મર્યાદિત છે. આથી ભૂપૃષ્ઠ જળસપાટી સુધીનો ખડકવિભાગ ઉપચયિત (oxidised) વિભાગ તરીકે ઓળખાય છે. આ વિભાગમાં તૈયાર થતાં જતાં દ્રાવણો જ્યારે સંતૃપ્ત થાય છે ત્યારે અવક્ષેપ થતાં નવાં ખનિજઘટકો તૈયાર થાય છે, જે ઑક્સીભૂત ખનિજો કહેવાય છે. આ ઘટકોની જમાવટ ભૂગર્ભ-જળ-સપાટીની ઉપર થતી જાય છે અને વધારાનું સલ્ફેટ દ્રાવણ ભૂગર્ભ-જળ-સપાટીથી નીચે તરફ સ્રવે છે, જ્યાં ઑક્સિજનની ઉપલબ્ધિ ન હોઈ તે નવા સલ્ફાઇડ નિક્ષેપોના નિર્માણમાં મદદરૂપ થાય છે. આને પરિણામી સલ્ફાઇડ નિક્ષેપો કહે છે.

ઉપચયિત વિભાગમાં વેરવિખેર રહેલાં ધાત્વિક સલ્ફાઇડ ખનિજોનું ઉપચયન દ્વારા વિઘટન થતાં રાસાયણિક પરિવર્તન થાય છે. ખનિજોનાં મૂળભૂત સ્વરૂપો, સંરચનાઓ ને કણરચનાઓ નષ્ટ પામતાં જાય છે, ઘનિષ્ઠ ધાતુખનિજો મૃદુ બને છે અને પરિવર્તિત દ્રાવણો સ્રવણ દ્વારા નીચે તરફ ગતિ કરે છે. આમ ઉપલાં ખડકપડ આર્થિક ખનિજીય ર્દષ્ટિએ નિરર્થક બની રહે છે. ભૂપૃષ્ઠનાં ઉપલાં પડોમાં પાયરાઇટ હોય તો નીચે દર્શાવ્યા પ્રમાણે પ્રક્રિયાઓ થાય છે અને પરિણામી લિમોનાઇટ Fe(OH)3 નામનું લોહનું ઑક્સાઇડ ખનિજ તૈયાર થાય છે.

FeS2 + 7[O] + H2O = FeSO4 + H2SO4

2FeSO4 + H2SO4 + [O] = Fe2(SO4)3 + H2O

6FeSO4 + 3[O] + 3H2O = 2Fe2(SO4)3 + 2Fe(OH)3

Fe2(SO4)3 + 6H2O = 2Fe(OH)3 + 3H2SO4

જો લિમોનાઇટમાંથી જળશોષ થાય તો તેમાંથી હેમેટાઇટ − Fe2O3 નામનું લોહનું બીજું ઑક્સાઇડ ખનિજ બને છે.

આ પ્રક્રિયા-શૃંખલામાં ફેરિક સલ્ફેટ ઉપચયન કરતું ખૂબ જ મહત્વનું પરિબળ છે, જેની મારફત અન્ય ધાત્વિક ખનિજ સલ્ફાઇડ પરિવર્તિત થઈ નવાં દ્રાવણોમાં ફેરવાય છે. ઉપચયિત વિભાગમાં થતા રહેતા રાસાયણિક દ્રાવણચક્રમાં જટિલ ખનિજો તૂટતાં જાય છે અને સાદા બંધારણવાળાં ખનિજો બને છે.

પાયરાઇટ : FeS2 + Fe2(SO4)3 = 3FeSO4 + 2S

ચાલ્કોપાયરાઇટ : CuFeS2 + 2Fe2(SO4)3 = CuSO4 + 5FeSO4 + 2S

ચાલ્કોસાઇટ : Cu2S + Fe2(SO4)3 = CuSO4 + 2FeSO4 + CuS

ગિરીશભાઈ પંડ્યા