ઑક્સિજન-ચક્ર : સર્વે સજીવ કારકો માટે ઑક્સિજન અત્યંત આવશ્યક છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં – જારક શ્વસન કરનાર કારકો(aerobic respiration)માં શ્વસનની ક્રિયામાં ઑક્સિજન વપરાય છે અને અંતે વાતાવરણમાં અને પાણીમાં કાર્બનડાયૉક્સાઇડ (CO2) રૂપે બહાર આવે છે. પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન હરિત વનસ્પતિઓમાં કાર્બોહાઇડ્રેટ પદાર્થોના સંશ્લેષણમાં કાર્બનડાયૉક્સાઇડ અગત્યના પૂરક પદાર્થ તરીકે ઉપયોગી છે. જીવંત કારકોમાં શ્વસનની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલા આ કાર્બોહાઇડ્રેટ પદાર્થો વપરાય છે. તેથી કાર્બનડાયૉક્સાઇડ ઉત્પન્ન થાય છે, જેને ફરીથી પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં હરિત વનસ્પતિઓ મેળવે છે. તેને પરિણામે ઑક્સિજન વાતાવરણમાં ફેંકે છે. આમ ઑક્સિજન સમગ્ર પર્યાવરણને સમતુલિત રાખે છે.
પ્રકાશસંશ્લેષણ દરમિયાન મેળવેલ કાર્બનડાયૉક્સાઇડના દરેક અણુદીઠ ઑક્સિજનનો અણુ ઉત્પન્ન થાય છે. લગભગ 2,000 વર્ષોમાં સમગ્ર વાતાવરણમાં રહેલ ઑક્સિજનનો જથ્થો વનસ્પતિ દ્વારા ઉત્પન્ન કરવામાં 2,000 વર્ષ થાય. વાતાવરણમાં ઑક્સિજનનું ચોક્કસ પ્રમાણ વનસ્પતિની અજોડ કાર્યક્ષમતાની સાબિતીરૂપ છે. અંતિમ પૅલિયોઝોઇક સમય દરમિયાન વાતાવરણમાં રહેલ ઘટકોની માત્રામાં સસ્પંદનોને કારણે ઑક્સિજનના જથ્થામાં મહત્વપૂર્ણ ઘટાડો અને કાર્બનડાયૉક્સાઇડના પ્રમાણમાં વધારો થયો હશે. તેને આજે મળી આવતા અશ્મીભૂત (fossil) બળતણ-ભંડારોની ઉત્પત્તિના કારણરૂપ ગણી શકાય. છેલ્લાં સો વર્ષોમાં CO2ના પ્રમાણમાં વધારો (249 ppmથી 319 ppm) થયો, તેને પરિણામે પૃથ્વીના તાપમાનમાં પણ 0.560 સે. જેટલો વધારો નોંધાયેલો છે. પ્રદૂષણને કારણે હાલમાં CO2ની માત્રામાં થતા નોંધપાત્ર વધારાના કારણના પરિણામે પૃથ્વીના તાપમાનમાં થતા વધારાને લીધે સમગ્ર જીવંત કારકો અને ઑક્સિજન ચક્રને નુકસાન થશે તે પર્યાવરણના અભ્યાસીઓ માટે ચિંતાનો વિષય છે.
ઓમપ્રકાશ સક્સેના
અનિલ પંડ્યા