ઑક્સિજન-વાહકો : જૈવિક પ્રક્રિયાઓમાં ઑક્સિજનનું વહન કરનાર સંકીર્ણ કાર્બનિક અણુઓ. ઑક્સિજન અણુ (O2) લિગેન્ડ તરીકે સંકીર્ણમાં જોડાય તેને ઑક્સિજનીકરણ કહે છે અને આ લિગેન્ડ ડાઈઑક્સિજન તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયા ઉપચયનથી ભિન્ન છે કારણ તેમાં ઑક્સિજન અણુ તેની અનન્યતા (identity) ગુમાવતો નથી. ફેફસાંમાં રક્તના હીમોગ્લોબિનમાંનું આયર્ન ઑક્સિજન સાથે પ્રતિવર્તી (reversible) રીતે પ્રક્રિયા કરીને સંકીર્ણ સંયોજનો બનાવે છે. આ સંકીર્ણ ઑક્સિજનવાહક તરીકે વર્તીને પોતાનો ઑક્સિજન સ્નાયુમાંના માયોગ્લોબિનને આપે છે. માયોગ્લોબિનમાં ઑક્સિજનનું વિભાગીય દબાણ ઓછું હોય છે તથા (કાર્બનિક અણુ સાથે ઑક્સિજનની પ્રક્રિયા થતાં ઉત્પન્ન થતો) કાર્બનડાયૉક્સાઇડ pH ઓછી કરે છે, તેથી સંકીર્ણમાંથી સરળતાથી છૂટો પડીને ઑક્સિજન માયોગ્લોબિનની સાથે જોડાય છે. આમ હીમોગ્લોબિન અને માયોગ્લોબિન સંકીર્ણો ઑક્સિજનવાહકો તરીકે વર્તીને પ્રતિવર્તી ઑક્સિજનીકરણ શક્ય બનાવે છે, જે પ્રાણીઓની શ્વાસોચ્છવાસની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે.

પ્રવીણસાગર સત્યપંથી