ઐતરેય બ્રાહ્મણ : વૈદિક સાહિત્યનો એક ગ્રંથ. સમગ્ર વૈદિક સાહિત્યને (1) સંહિતા, (2) બ્રાહ્મણ, (3) આરણ્યક અને (4) ઉપનિષદ – એવા ચાર વિભાગોમાં વહેંચવામાં આવે છે. ચાર વેદનાં કુલ અઢાર બ્રાહ્મણો આજે મુદ્રિત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તેમાં ઋગ્વેદનાં (1) ઐતરેય બ્રાહ્મણ, (2) કૌષિતકી બ્રાહ્મણ અને (3) શાંખાયન બ્રાહ્મણ મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. ઋગ્વેદની શાકલ સંહિતાનું બ્રાહ્મણ એ ઐતરેય બ્રાહ્મણ છે જ્યારે બાકીનાં બે (કૌષિતકી અને શાંખાયન બ્રાહ્મણ) ઋગ્વેદની વાષ્કલ શાખાનાં છે.
ઇતરા નામની કોઈક શૂદ્ર સ્ત્રીના પુત્ર ઐતરેય ઋષિએ આ બ્રાહ્મણનું દર્શન અથવા સંકલન કર્યું હોવાથી એનું નામ ઐતરેય બ્રાહ્મણ પડ્યું છે. આ ઘટના એક વાતનો નિર્દેશ કરી જાય છે કે સમાજના અવહેલિત વર્ગમાં પણ ઋષિઓ પેદા થતા અને મંત્રોનું દર્શન પણ તેમને થતું. તેઓ બ્રાહ્મણ જેવા સાહિત્યનું સંકલન પણ કરતા હતા. અસ્પૃશ્યતાના ખ્યાલો વૈદિક કાળ પછી સ્મૃતિઓના સમયમાં ર્દઢ થયા છે. અવેસ્તામાં આવતા ‘એથ્રેય’ એટલે ઋત્વિજ શબ્દ સાથે કેટલાક વિદ્વાનો ‘ઐતરેય’ શબ્દનું સામ્ય જોવા પ્રયત્ન કરે છે.
ઐતરેય બ્રાહ્મણમાં કુલ 40 અધ્યાયો છે. દરેક પાંચ અધ્યાયની એક પંચિકા કહેવાય છે અને આવી આઠ પંચિકામાં આ બ્રાહ્મણ વહેંચવામાં આવ્યું છે. તેમાં કુલ 285 કંડિકાઓ છે. આ ઋગ્વેદનું બ્રાહ્મણ છે, તેથી તેમાં ઋગ્વેદ સાથે સંબદ્ધ ઋત્વિજનાં કાર્યોને વર્ણવવામાં આવ્યાં છે. તેમાં અગ્નિષ્ટોમ, પ્રાત:સવન, માધ્યંદિન-સવન અને સાયંસવનમાં પ્રયુક્ત થતાં શસ્ત્રો-મંત્રસમૂહોનું વર્ણન 1થી 4 પંચિકામાં છે. પાંચમી પંચિકામાં બાર દિવસ સુધી ચાલનાર યજ્ઞો-દ્વાદશાહ અને છઠ્ઠી પંચિકામાં સાત દિવસ સુધી ચાલનાર સોમયાગનું વર્ણન છે. સાતમી પંચિકામાં રાજસૂય યજ્ઞનું અને આઠમીમાં ઐન્દ્ર મહાભિષેક તથા પુરોહિતના અધિકારનું વર્ણન છે. આ સહુમાં સાતમી પંચિકામાં આવતું શુન:શેપનું આખ્યાન સુપ્રસિદ્ધ છે.
ઐતરેય બ્રાહ્મણનો પ્રચાર તુંગભદ્રા, કૃષ્ણા તેમજ ગોદાવરી નદીના પ્રદેશમાં અને સહ્યાદ્રિથી આંધ્રના પ્રદેશમાં હતો. આજે પણ ઋગ્વેદની આશ્વલાયન શાખાના ઐતરેય બ્રાહ્મણનું અધ્યયન કરનાર બ્રાહ્મણો એ પ્રદેશમાં મળી આવે છે.
ઐતરેય બ્રાહ્મણના (1) ભટ્ટ ગોવિંદસ્વામી (અગિયારમી કે બારમી સદી), (2) ભટ્ટ ભાસ્કર, (3) ષડ્ગુરુશિષ્ય, (4) સાયણાચાર્ય અને (5) જયસ્વામી નામના ભાષ્યકારો થઈ ગયા. તેમાંથી ષડ્ગુરુશિષ્યની ‘સુખપ્રદા’ નામની ટીકા 1942માં ત્રિવેન્દ્રમથી અને સાયણનું ભાષ્ય પૂનાથી 1896માં પ્રસિદ્ધ થયેલું છે, બાકીનાં અમુદ્રિત છે.
ગૌતમ પટેલ