ઐક્ષ્વાકુ વંશ : વૈવસ્વત મનુના જ્યેષ્ઠ પુત્ર ઇક્ષ્વાકુમાંથી નીકળેલો રાજવંશ. એની રાજધાની અયોધ્યા હતી. આ વંશમાં શશાદ, કકુત્સ્થ, શ્રાવસ્ત, માંધાતા, ત્રિશંકુ, હરિશ્ચંદ્ર, સગર, ભગીરથ, અંબરીષ, ઋતુપર્ણ, દિલીપ, રઘુ, અજ અને દશરથ જેવા અનેક પ્રતાપી રાજાઓ થયા. દશરથના પુત્ર રામ ભગવાન વિષ્ણુના અવતાર ગણાયા. રામના પુત્ર કુશના વંશમાં પાંડવોના સમયમાં બૃહદબલ નામે રાજા થયો. એ દુર્યોધનના પક્ષે લડતાં અભિમન્યુ વડે મરાયો. કેટલાંક પુરાણોમાં એના પાંચમા વંશજ દિવાકરને ‘સાંપ્રત રાજા’ કહ્યો છે. એમાં ‘ભાવિ રાજાઓ’માં પ્રસેનજિત ગણાવ્યો છે, જે મગધરાજ બિંબિસારનો સમકાલીન હતો. એના પિતા મહાકોસલે પોતાની પુત્રી બિંબિસારને પરણાવી કાશીનું સમૃદ્ધ ગામ દહેજમાં આપેલું. પુરાણોમાં આપેલી વંશાવળી પ્રસેનજિત ચોથાના વંશજ સુમિત્રથી સમાપ્ત થાય છે. આ વંશ આગળ જતાં સૂર્યવંશ તરીકે ઓળખાયો.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી