એ. પી. જે. અબ્દુલ કલામ (જ. 15 ઑક્ટોબર 1931, રામેશ્વરમ્, તમિલનાડુ; અ. 27 જુલાઈ 2015, શિલોંગ) : ગણતંત્ર ભારતના અગિયારમા રાષ્ટ્રપતિ. ભારતરત્ન, દિગ્ગજ વિજ્ઞાની અને પ્રખર મિસાઇલ ટેક્નૉલૉજિસ્ટ.

ડૉ. કલામે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના વતન રામેશ્વરમ્માંથી જ લીધું; ઉચ્ચ શિક્ષણ ચેન્નઈની એવિયેશન ઇજનેરી કૉલેજમાં. તેઓ કોઈ યુનિવર્સિટીના વિધિસરના ‘ડૉક્ટરેટ’ નથી કે તેમણે વિદેશમાં રહીને શિક્ષણ લીધું નથી. તે છતાં ડઝનેક યુનિવર્સિટીઓની માનાર્હ ‘ડૉક્ટરેટ’ની પદવી તેઓ ધરાવે છે.

એ. પી. જે. અબ્દુલ કલામ

એક સમય એવો હતો જ્યારે ભારતના સંરક્ષણ-વિભાગને લડાયક અને માલવાહક વિમાનો ઉપરાંત તોપો અને તેમના છૂટા ભાગો પણ પરદેશથી આયાત કરવા પડતાં હતાં. પરદેશી સત્તાઓ કાળગ્રસ્ત યુદ્ધસામગ્રી ભારતને પધરાવતી હતી. આવી સામગ્રીની કાર્યક્ષમતા પરત્વે વિશ્વસનીયતા અને વિદેશી હૂંડિયામણની સમસ્યાઓ વિકટ હતી. આવા કઠોર અને પ્રતિકૂળ સંજોગો વચ્ચે ડૉ. કલામને ‘ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’(IGMDP)ની જવાબદારી અને આયોજન સોંપવામાં આવ્યાં અને તે પણ ટાંચા બજેટ સાથે.

ભવિષ્યને જોઈ-જાણી શકનાર ડૉ. કલામ એક વાત નિ:શંકપણે સમજી ગયા કે એકવીસમી સદીમાં યુદ્ધ પરંપરાગત નહિ પણ ઉચ્ચ ટેક્નૉલૉજી ઉપર આધારિત હાઇટેક યુદ્ધ હશે; મિસાઇલ્સ અને ઇલેક્ટ્રૉનિક સરંજામ આવા યુદ્ધનું હાર્દ હશે. તેથી ભારત માટે મિસાઇલો(પ્રક્ષેપાસ્ત્રો)નું ઉત્પાદન કરવું અનિવાર્ય છે. આવાં મિસાઇલો ટૂંકી, મધ્યમ અને લાંબી અવધિ(range)નાં હોવાં જરૂરી છે. ડૉ. કલામ અને તેમના સાથી વિજ્ઞાનીઓએ તમામ પ્રકારનાં પ્રક્ષેપાસ્ત્રો તૈયાર કરીને ભારતને સર્વોપરિ બનાવવા તનતોડ મહેનત કરી. આથી તેમને સંરક્ષણ-વિભાગના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ ઉપરાંત તેઓએ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન(D. R. D. O.)ના સચિવ તરીકે કામગીરી બજાવી. ડૉ. કલામની રાહબરી નીચે ભારતે પ્રક્ષેપાસ્ત્ર-ક્ષેત્રે હનુમાન કૂદકો મારી અપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારબાદ તેમને TIFAC-(Technology Information, Forecast and Assessment Council)ના અધ્યક્ષ બનાવ્યા. TIFAC અંતર્ગત તેમણે સંખ્યાબંધ ટેક્નૉલૉજિકલ પ્રૉજેક્ટ્સને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ભારતને એકવીસમી સદીમાં લઈ જવાની તેઓ નેમ ધરાવે છે.

તેમણે ભૂમિ ઉપરથી ભૂમિ ઉપર છોડી શકાય તેવું ભારતીય નૌસેના માટે 100 કિલોમિટરથી વધુ અવધિવાળું ‘ધનુષ’ (અથવા ‘પૃથ્વી’) પ્રક્ષેપાસ્ત્ર તૈયાર કર્યું. શત્રુનાં લડાયક જહાજોને ખતમ કરી શકે તેવાં 350 કિલોમિટરથી વધુ અવધિવાળાં પ્રક્ષેપાસ્ત્ર ‘સાગરિકા’ની અને વાયુસેના માટે ‘ટેમ્પેસ્ટ’ની પણ રચના કરી.

ડૉ. કલામનું દૂરસંચાલિત વિમાન ‘નિશાંત’ યુદ્ધની તાસીર બદલી નાખશે. તે પાયલટ વિના કામગીરી બજાવે તેમ છે.

ડી.આર.ડી.ઓ.ને પાંચ વર્ષ સેવાઓ આપ્યા પહેલાં તેઓ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ISRO)માં જોડાયા. ભારતના પ્રથમ ઉપગ્રહ માટે ઉપગ્રહ પ્રમોચન વાહન (Setellite Launching Vehicle – SLV) ‘રોહિણી’ પરિયોજનાના નિર્દેશક તરીકે સફળ કામગીરી બજાવી. આ પરિયોજનાથી તેમને ખ્યાલ આવ્યો કે એસ. એલ. વી. ટેક્નૉલૉજીનો ઉપયોગ પ્રક્ષેપાસ્ત્ર સ્વરૂપે લશ્કરમાં પણ કરી શકાય. આવાં પ્રક્ષેપાસ્ત્રોનું ઉત્પાદન ડૉ. કલામે દક્ષિણ ભારતમાં કર્યું. જોગાનુજોગ ભારતમાં પ્રથમ પ્રક્ષેપાસ્ત્રનું નિર્માણ અઢારમી સદીમાં દક્ષિણ ભારતમાં ટીપુ સુલતાને કર્યું હતું અને તેનો ઉપયોગ બ્રિટિશરો સામે શ્રીરંગપટ્ટનમ્ ખાતે 1792 અને 1799ની સાલમાં મૈસૂર વિગ્રહ દરમિયાન કર્યો હતો.

1960-70ના દસકા દરમિયાન ભારતમાં રૉકેટ-ઉડ્ડયનનો કાર્યક્રમ ચાલતો હતો ત્યારે જરૂરી યંત્રસામગ્રી ફ્રાન્સ અને અમેરિકાથી આયાત કરવી પડતી હતી. ડૉ. કલામે રૉકેટ અને પ્રક્ષેપાસ્ત્રો માટે જરૂરી સામગ્રી ભારતમાં તૈયાર કરી. સ્વદેશી સામગ્રી માટે તેમણે પોતાના સાથીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરાં પાડ્યાં છે. તેઓ તેમના ગુરુ પરમાણુ ઊર્જા પંચના અધ્યક્ષ ડૉ. વિક્રમ સારાભાઈએ (1919-1971) અને અવકાશ પંચના અધ્યક્ષ ડૉ. સતીશ ધવને (1920-2002) ચીંધેલા સ્વદેશી ટેક્નૉલૉજીના કાર્યક્રમને સંપૂર્ણપણે અનુસર્યા છે. આ રીતે એ સંદર્ભમાં ડૉ. કલામ ડૉ. રામન અને ગાંધીજીની માફક સ્વદેશ-નિર્ભરતાના હિમાયતી છે.

સ્વદેશી ભાવના અને ર્દઢ ઇચ્છાશક્તિ સાથે ભારતીય ટૅકનિકના પુરસ્કર્તા ડૉ. કલામ નવી પેઢી માટે અદભુત આદર્શ છે. ડૉ. કલામે ‘પૃથ્વી’, ‘નાગ’, ‘ત્રિશૂલ’, ‘આકાશ’, ‘અર્જુન’ અને ‘કાવેરી’ પ્રક્ષેપાસ્ત્રો તૈયાર કર્યાં છે. આ ઉપરાંત તેમણે અગ્નિ-1 (700 કિલોમિટર અવધિ) અને અગ્નિ-2(2,500 કિલોમિટર અવધિ)નું ઉત્પાદન કરીને તેમને લશ્કરમાં સામેલ કર્યાં છે. 3,500 કિલોમિટરની અવધિવાળા અગ્નિ–3 માટેનું આયોજન થયું છે. પ્રથમ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રાહ્મોસ (BrahmaputraMosco) ભારતરશિયાનું સંયુક્ત ઉત્પાદન છે.

ડૉ. કલામે સંરક્ષણ-સામગ્રી ઉપરાંત હલકાં કાર્બન-કૅલિપર્સ બનાવી પોલિયોગ્રસ્ત બાળકોની મોટી સેવા કરી છે. આર્થિક ભીંસ ભોગવનાર ડૉ. કલામ પોતાની શક્તિ અને સિદ્ધિને આધારે અમેરિકાની ‘નાસા’ કે યુ. એસ.ની બીજી કોઈ સંસ્થામાં જોડાઈને આર્થિક ભૂખ ભાંગી શક્યા હોત. તેમણે માત્ર સ્વદેશ-સેવા ખાતર તેમ કર્યું નથી.

ડૉ. કલામને તમિલનાડુ યુનિવર્સિટીના કુલપતિપદ માટે નિમંત્ર્યા હતા; પણ રૉકેટ અને સંરક્ષણ વિભાગે તેમને ત્યાં જ રોકી રાખ્યા.

રામેશ્વરમ્માં તેઓનો મુકામ હિંદુઓ વચ્ચે લાંબો સમય રહ્યો. તેઓના પાડોશી રામાસ્વામી સાથે તેમને ઘરોબો હતો. આથી તેમના ઉપર હિંદુ સંસ્કારોનો મોટો પ્રભાવ છે, પરિણામે તેઓ શુદ્ધ શાકાહારી છે. નિયમિત રીતે ગીતાનું અધ્યયન કરે છે. તે સાથે તેઓ વિચારો અને વર્તનમાં સંપૂર્ણ ભારતીય છે. ડૉ. કલામ દરરોજ 17-18 કલાક કામ કરે છે. આટલું બધું કામ કર્યા પછી થાક ઉતારવા અને પુન:સ્ફૂર્તિ મેળવવા માટે તેઓ વીણા વગાડી સંગીતની દુનિયામાં ઊતરી જાય છે.

વિજ્ઞાન અને ટેક્નૉલૉજીના તપસ્વી, સંગીતપ્રેમી અને ગીતાધર્મી ડૉ. કલામ ઋજુ હૃદયના કવિ પણ છે. તેઓ સંવેદનશીલ અને સ્વતઃ સર્જક છે. નીચેની કાવ્યપંક્તિઓ તેમના દિલ અને દિમાગ વચ્ચેનો સંઘર્ષ અભિવ્યક્ત કરે છે :

Is this happiness ?

Did I explore space to enhance science

or did I provide weapons of destruction ?

(શું આ પ્રક્ષેપાસ્ત્રોની શોધ અને સર્જન સુખ છે ? અવકાશ-સંશોધન વિજ્ઞાનના વિકાસ માટે તે થયું છે કે પછી વિનાશનાં હથિયારો માટે ?)

ડૉ. કલામની મનોવેદના આ કાવ્યપંક્તિઓના માધ્યમ દ્વારા પ્રગટ થાય છે. આ નાજુક પરિસ્થિતિ તેમના હૃદયને હચમચાવે છે.

આ સાથે તેઓ ર્દઢપણે માને છે કે શાંતિની સ્થાપના તો શક્તિશાળી જ કરી શકે છે. તેઓ સ્પષ્ટપણે સમજે છે કે ભારતમાં શાંતિનું સામ્રાજ્ય તેના સામર્થ્યમાંથી જ સ્થપાવું જોઈએ. તેમની આ વિભાવના અતિસૂચક છે.

આશરે બે ડઝન પ્રયોગશાળાઓ, દશેક શૈક્ષણિક સંસ્થાઓ, સાત સંશોધન-કેન્દ્રો અને 42 કંપનીઓની મદદથી પ્રક્ષેપાસ્ત્રો તૈયાર કરી રાષ્ટ્રને રક્ષાકવચ પૂરું પાડનાર અપરિણીત ડૉ. કલામ એપ્રિલ, 2002ના અંત સુધી સ્વયંપાકી રહ્યા.

રાષ્ટ્રને સમર્પિત ઋષિતુલ્ય વિજ્ઞાની બિનસાંપ્રદાયિક રાષ્ટ્રનું સાચું અને બેનમૂન ઉદાહરણ છે.

તેમણે તેમનાં પુસ્તકો ‘India 2020’, ‘Wings of Fire’ અને ‘Ignited Minds’ દ્વારા ભારતના નાગરિકોને પોતાની દીર્ઘર્દષ્ટિ અને કુશાગ્રબુદ્ધિની ઓળખ આપી છે.

ભારત સરકારના વિજ્ઞાન અને ટેક્નૉલૉજી વિભાગના મુખ્ય સલાહકાર તરીકે નિવૃત્ત થયા બાદ તેઓ અન્ના યુનિવર્સિટીમાં ‘Technology and Societal Transformations’ વિષયના પ્રાધ્યાપક તરીકે જોડાયા. નિરક્ષરતા અને ગરીબાઈ રાષ્ટ્રની મુખ્ય સમસ્યાઓ છે અને તે માટે સામાજિક પરિવર્તન આવશ્યક છે એમ તેઓ માને છે. તેઓ વિદ્યાર્થીઓ અને યુવાનો મારફતે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના કામે લાગી ગયા છે. ભારતને વિકાસના પંથે ઝડપથી લઈ જવા માટે તેઓ સમગ્ર રાષ્ટ્રના 1,00,000 વિદ્યાર્થીઓને મળી પોતાનો વિકાસ-સંદેશ આપવા માગે છે. આની અર્ધી સંખ્યાના વિદ્યાર્થીઓને તેઓશ્રી મળી ચૂક્યા છે. આ રીતે યુવાનો અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના પ્રગટાવવા અથાગ પ્રયાસો કરી રહ્યા છે. નવી યુવા-પેઢીમાં ચેતના પ્રગટાવી 2020 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની નેમ ધરાવે છે. તેમના પુસ્તક ‘ભારત 2020’માંથી સમજાય છે કે ડૉ. કલામ કૃષિ, પ્રબંધન, ઉત્પાદન અને સ્વાસ્થ્યક્ષેત્રે પણ નિષ્ણાત છે. વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા તે ઇન્તેજાર છે. ભારત એક વિચારશક્તિ છે અને વિચારોને કાર્યાન્વિત કરવાનો તેમનો અનુરોધ છે.

1997માં ‘ભારતરત્ન’નો સર્વોચ્ચ ખિતાબ એનાયત થયા બાદ તેઓ સર્વતોમુખી સર્વમાન્ય નાગરિક તરીકે ઊભર્યા. પરિણામે લગભગ 90 % મતોથી તે ભારતના અગિયારમા રાષ્ટ્રપતિ તરીકે નિર્વાચિત થયા. તેમણે 25 જુલાઈ, 2002ના રોજ રાષ્ટ્રપતિપદનો હોદ્દો ધારણ કર્યો. તેઓ ધર્મનિરપેક્ષતા અને રાષ્ટ્રની સુરક્ષાના ચુસ્ત હિમાયતી છે. ગરીબાઈ અને નિરક્ષરતાના નિવારણ દ્વારા રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસ માટે તેઓ પ્રતિબદ્ધ (committed) હતો.

2002થી 2007 દરમિયાન દેશના રાષ્ટ્રપતિ રહેલા કલામસાહેબ રાષ્ટ્ર અને પ્રજાનું હિત હોય એવી બાબતોમાં પ્રોટોકૉલને વચ્ચે લાવતા ન હતા. રાષ્ટ્રપતિ તરીકે તેઓ અત્યંત લોકપ્રિય બન્યા હતા. દેશભરમાં તેમને પીપલ્સ પ્રેસિડેન્સ તરીકેની ઓળખ મળી હતી. ભારતરત્ન મેળવ્યા પછી રાષ્ટ્રપતિ બનેલા ડૉ. કલામ ત્રીજા નાગરિક હતા. અગાઉ સર્વપલ્લી રાધાકૃષ્ણન્ અને ઝાકિર હુસેનને ભારતરત્ન મળ્યા બાદ દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. રાષ્ટ્રપતિ તરીકે તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ બીજી વખત તેમને રાષ્ટ્રપતિ બનાવવાની માગણી અને લાગણી હતી, પરંતુ તેમણે બીજી વાર રાષ્ટ્રપતિપદ માટે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. તેમના અનુગામી પ્રતિભા પાટિલની સમયમર્યાદા 2021માં પૂરી થઈ ત્યારે પણ દેશભરમાં ડૉ. કલામની તરફેણમાં રાષ્ટ્રપતિપદ માટે ઝુંબેશ ચાલી હતી, પરંતુ એ વખતે પણ તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો. નિવૃત્તિ પછી તેમણે દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં તેમના વિશાળ જ્ઞાનનો લાભ આપ્યો હતો. 27મી જુલાઈ, 2015ના રોજ એવું જ એક પ્રવચન આપવા તેઓ આઈઆઈએમ શિલોંગમાં ગયા હતા, જ્યાં વક્તવ્ય આપતી વખતે તેમને હૃદયરોગનો હુમલો હતો અને તેની સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.

પ્રહલાદ છ. પટેલ