એ. પી. (1956) : એસોસિયેટેડ પ્રેસ નામની સમાચાર-સંસ્થાનું ટૂંકું નામ. સ્થાપના અમેરિકામાં ન્યૂયૉર્કમાં થઈ. ઓગણીસમી સદીના આરંભથી અમેરિકી પ્રજાને યુરોપનાં પોતાનાં મૂળ વતન એવા દેશોની નવાજૂની વિશે આતુરતા રહેતી. સાચું કહીએ તો તેમના માટે એ જ સમાચાર હતા. વાચકોની માગ સંતોષવા ન્યૂયૉર્કનાં વર્તમાનપત્રોએ ત્રીજા દાયકામાં સમાચાર એકત્ર કરવા સવારનાં પત્રોનું મંડળ સ્થાપ્યું. છૂટીછવાઈ સ્થાનિક સમાચાર-સંસ્થાઓ સ્થપાઈ. ન્યૂયૉર્કનાં મહત્વનાં વૃત્તપત્રોએ 1856માં જનરલ ન્યૂઝ ઍસોસિયેશન સ્થાપ્યું. સિત્તેરના દાયકામાં આમાંથી ન્યૂયૉર્કનાં છાપાંઓની સહકારી સમાચાર-સંસ્થા ન્યૂયૉર્ક એસોસિયેટેડ પ્રેસ નામે સ્થપાઈ. તેનું ઉપર્યુક્ત ટૂંકું રૂપ ઝડપથી જાણીતું થયું. આ સંસ્થા દેશનાં બીજાં વર્તમાનપત્રોને સમાચારની નકલો વેચતી. 1882માં યુનાઇટેડ પ્રેસ એટલે યુ. પી. નામની સંસ્થાનો પડકાર ઊભો થયો, પણ દસ વર્ષ પછી બંને સંસ્થાઓ જોડાઈ ગઈ. પણ એ જ વર્ષે, 1892માં, ઇલિનૉયમાં નવી એસોસિયેટેડ પ્રેસ નામની સંસ્થા સ્થપાઈ. દરમિયાન યુરોપમાં રૉઇટર (લંડન), એ. એમ. (પૅરિસ) અને સી. ટી. અથવા વુલ્ફ (બર્લિન) – એ ત્રણ મોટી સમાચાર-સંસ્થાઓ સ્થપાઈ ચૂકી હતી. તેમણે સમગ્ર વિશ્વના સમાચારો મેળવવાનું તથા તેમનું વિતરણ કરવાનું આરંભ્યું. એ. પી.એ આ સંસ્થાઓ સાથે વિનિમય-સંધિઓ કરીને તેનો સ્રોત વિસ્તાર્યો. જોકે 1900માં એ. પી.એ ઇજારાનો માર્ગ અપનાવ્યો. સ્પર્ધકોને હાંકી કાઢવા સભ્યપદ ઉપર નિયંત્રણો મૂક્યાં. સંસ્થાના નામમાંથી ઇલિનૉય પડતું મુકાયું અને ન્યૂયૉર્કમાં એસોસિયેટેડ પ્રેસના નામે તે નવેસરથી કામ કરતી થઈ. 1915માં અમેરિકી સરકારે એ. પી.ના ગ્રાહકપત્રોને બીજી સમાચાર-સંસ્થાઓની સેવાનો લાભ લેતાં રોકવાની એ. પી.ની ચેષ્ટા સામે ચેતવણી આપી અને મનાઈહુકમ આપ્યો. 1945માં સર્વોચ્ચ ન્યાયાલયે સભ્યોના સ્પર્ધકોને દૂર રાખવાનો નિયમ અવૈધ ઠરાવ્યો. 1930ના દાયકામાં એ. પી.ની હરોળમાં ઊભી રહે તેવી બીજી બે જ સંસ્થાઓ અમેરિકામાં રહી : યુ. પી. (યુનાઇટેડ પ્રેસ ઍસોસિયેશન) અને આઇ. એન. એસ. (ઇન્ટરનૅશનલ ન્યૂઝ સર્વિસ). યુરોપની સંસ્થાઓથી મુક્તિ મેળવવાનું બીજું મહત્વનું કારણ એ હતું કે યુરોપી સંસ્થાઓના સમાચાર રાજકીય વિષયોમાં પૂર્વગ્રહયુક્ત રહેવાથી અસ્વીકાર્ય હતા.

એ. પી.ની સ્પર્ધક બે સમાચાર-સંસ્થાઓ યુ. પી. અને આઇ. એન. એસ. જોડાઈ ગઈ. નવી સંસ્થા યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનૅશનલ અથવા ટૂંકામાં યુ. પી. આઇ. કહેવાઈ. મહાયુદ્ધ પછી ઘણા દેશોમાં સરકારો સમાચાર-સંસ્થાઓ સ્થાપતી થઈ. સરકારી ર્દષ્ટિબિંદુનો મહિમા વર્ણવવાનો તેમનો હેતુ સ્પષ્ટ હતો. આ સંજોગોમાં પક્ષાપક્ષી રહિત સત્ય વિગતો જાણવા માટે લોકો એ. પી. જેવી સંસ્થા ઉપર વધારે વિશ્વાસ મૂકતા થયા. જોકે એ. પી. પણ આ મર્યાદા પાળી શકી નથી. તેના સમાચારો અવારનવાર અમેરિકી ઉદ્દેશોના પ્રસાર અર્થે હોય છે એવા આક્ષેપો થાય છે. સોવિયેત સંઘે સ્થાપેલી તાસ સમાચાર-સંસ્થા સોવિયેત પ્રભાવ હેઠળના સામ્યવાદી દેશો સહિત વિશ્વના નવા સ્વતંત્ર થયેલા ભારત જેવા દેશોમાં સમાચારના નામે સામ્યવાદી મત-માન્યતાઓનો પ્રચાર કરવા પર જ ધ્યાન કેન્દ્રિત કરતી. આની સામે એ. પી. તથા બીજી મૂડીવાદી દેશોની વૃત્ત-સંસ્થાઓની પ્રતિક્રિયા સ્વાભાવિક હતી.

અત્યારે એ. પી. વિશ્વની સૌથી મોટી વૃત્ત-સંસ્થાઓમાંની એક છે. ટેલિપ્રિન્ટરની શોધ પછી તેણે ગ્રાહકોને તેમનાં યંત્રો પર સીધા સમાચાર ઊતરે તેવી સગવડ આપી. યુરોપ, જાપાન આદિ દેશોને ભાષાનો વિકલ્પ આપ્યો. પહેલાં પ્રેષણ માટે ટેલિફોન-તાર વપરાતા. એ. પી.એ બિનતારી પદ્ધતિ અપનાવી. વળી છિદ્રપટ્ટીનો ઉપયોગ કરી ગ્રાહકને વધુ એક સગવડ પણ આપી. આવી પટ્ટી કંપોઝ યંત્રમાં ભરાવવાથી સમાચાર બારોબાર કંપોઝ થઈ જતા. આને કારણે ગ્રાહક પત્રોનો સમાચારનું નવેસરથી સંપાદન કરવાનો સમય બચી જતો. વળી, સંપાદિત સમાચારમાં અર્થઘટનથી થવાપાત્ર વિરોધાભાસ કે ભૂલોનું નિવારણ થતું. સમાચાર ઉપરાંત, વૃત્તવિવેચન, પશ્ચાદભૂ, છબિ, ચિત્ર, આંકડા, આલેખ, નકશા, કટાક્ષચિત્ર, ફીચર આદિ ઉપયોગી વૃત્તસામગ્રી પૂરી પાડવાની સેવા પણ તેણે ઉમેરી.

એ. પી.ના હજારો વૃત્તાંત-નિવેદકો વિશ્વના સેંકડો દેશોમાં સ્થાયી કાર્યાલયો ધરાવે છે. ઘણા સતત ઘૂમતા રહે છે. ઉપમુખ્ય કાર્યાલયોમાં સમાચાર એકત્ર કરી તેમનું સંપાદન કરી તત્ક્ષણ ગ્રાહકોને પહોંચતા કરાય છે. એ. પી.ના ગ્રાહકો સેંકડો દેશોમાં છે. ભારતની પ્રમુખ સમાચાર-સંસ્થા પી. ટી. આઇ. લંડનની રૉઇટર સાથે સંધિબદ્ધ છે. તેથી ભારતમાં એ. પી. સ્વતંત્ર સંસ્થા રૂપે કાર્ય કરે છે.

મહેશ ઠાકર

બંસીધર શુક્લ