એહર્લિક, પૉલ (જ. 14 માર્ચ 1845, સ્ટ્રેહલન, સિલેશિયા, પ્રુશિયા; અ. 20 ઑગસ્ટ 1915, બેડહેમ્બર્ગ વૉર ડર હોહે, જર્મની) : ‘ફિઝિયૉલૉજી અને મેડિસિન’ના નોબેલ પારિતોષિક(1908)ના એલી મેચનીકોફ સાથે સહવિજેતા. સંશોધનનો વિષય હતો ઉપદંશ(syphilis)ની સૌપ્રથમ અસરકારક ચિકિત્સા. આ જર્મન તબીબી વિજ્ઞાનીએ લોહી અને તેના રોગો, પ્રતિરક્ષાવિદ્યા (immunology) અને રસાયણચિકિત્સા(chemotherapy)ના વિષયોમાં મૂળભૂત સંશોધન કર્યાં હતાં. તેઓ યહૂદી કુટુંબમાં જન્મ્યા હતા. યુનિવર્સિટી ઑવ્ લિપઝિગમાં મેડિકલ વિદ્યાર્થી તરીકે પણ તેમણે
સ્વતંત્ર સંશોધનપત્રો લખેલાં; દા. ત., ‘બાહ્યતત્વોનું શરીરમાં વિતરણ’. તે પછી ‘ચેરિટે હૉસ્પિટલ’ (બર્લિન) ગયા. ત્યાં તેમણે રૉબર્ટ કોકે શોધેલા ક્ષયના જીવાણુના અભિરંજન (staining) માટે તકનીક શોધી કાઢી. તેથી સૂક્ષ્મદર્શક વડે ક્ષયના જીવાણુ દેખાડી, ક્ષયના રોગનું નિદાન સહજ બનાવ્યું. જીવંત પેશીને અભિરંજિત કરવાની નવી પદ્ધતિ શોધી અને તેમણે મિથિલીન બ્લૂનો ચેતાતંત્ર(nervous system)ની ચિકિત્સામાં ઔષધીય ઉપયોગ કર્યો. તેમણે કુલ 37 સંશોધનપત્રો બહાર પાડ્યાં હતાં. તેમાં ‘ઑક્સિજનની દેહતંત્રને અગત્ય’ એ સંશોધનપત્ર મહત્વનું ગણાયું હતું. એહર્લિકને પોતાને ક્ષય થયો અને ઇજિપ્ત જઈ તે મટાડ્યો. તે પછી કોકની ચેપી રોગોની સંસ્થામાં તેઓ પ્રતિરક્ષા(immunity)ની સમસ્યાના સંશોધનમાં પડ્યા. તેમણે તે સમયે પ્રતિદ્રવ્યો (antibodies) અને અલ્પ-સંવેદનશીલીકરણ(hyposensitization)ના ક્ષેત્રે પ્રારંભિક પ્રયોગો કર્યા. તે પછી એહર્લિક ‘રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એક્સપેરિમેન્ટલ થેરાપી’(ફ્રૅન્કફર્ટ)ના નિયામક થયા. ઉપદંશની ચિકિત્સાના સફળ પ્રારંભ માટે એહર્લિકનું અપૂર્વ સન્માન થયું હતું. તેમને ‘Excellenze’નું બિરુદ મળ્યું. ઑક્સફર્ડ, શિકાગો અને એથેન્સ યુનિવર્સિટીએ માનાર્હ ડૉક્ટરેટની ઉપાધિ આપીને તેમને સન્માન્યા હતા. 1914માં પહેલો પક્ષાઘાત થયા પછી 1915માં બીજો પક્ષાઘાત થતાં તે મરણ પામ્યા.
હરિત દેરાસરી