એહમદ, ફાતિમા (જ. 1940, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. હૈદરાબાદની કૉલેજ ઑવ્ ફાઇન આર્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. ભારતભરમાં પોતાનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો તેમણે કર્યાં છે. વળી ભારત તેમજ વિદેશોમાં યોજાતાં ઘણાં સમૂહપ્રદર્શનોમાં પણ ભાગ લીધો છે. 1967માં તેમણે પૅરિસયાત્રા અને 1969માં જર્મનીયાત્રા કરી હતી. 1974થી 1976 સુધી તેમણે લંડનમાં રહી કલાસર્જન કરેલું. કૅન્વાસ પર રંગોની મૃદુ છટાછાયા(tints & tones) દ્વારા માનવચહેરા પર સૂક્ષ્મ અને નાજુક સંવેદનોનું આલેખન કરવા માટે તેઓ જાણીતાં છે. હાલમાં તેઓ મુંબઈ રહીને કલાસર્જન કરે છે.

અમિતાભ મડિયા