એસ. અજિતકુમાર (જ. 1 મે 1971, સિકંદરાબાદ) : તમિળ સિનેમાના લોકપ્રિય અભિનેતા.
અજિતકુમાર સુબ્રમણ્યમે 63થી વધુ ફિલ્મોમાં અભિયન કરી લોકચાહના પ્રાપ્ત કરી છે. તેમના પિતા પી. સુબ્રમણ્યમ તમિળ પક્કડ ઐયર પરિવારના છે અને માતા મોહિની કૉલકાતાના સિંધી પરિવારનાં છે. તેઓ આસન મેમોરિયલ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં હતા ત્યારે દસમા ધોરણમાંથી શાળા છોડી. તેઓ એનફિલ્ડ કંપનીમાં જોડાયા. કાર રેસિંગમાં રસ હોવાથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યું, પરંતુ પિતાની સલાહથી એ નોકરી છોડીને ગારમેન્ટ કંપનીમાં જોડાયા. પછી તેમણે ધંધો શરૂ કર્યો. ધંધો બરાબર ન ચાલતાં ફરી ગારમેન્ટ કંપનીમાં નોકરી કરી. અકસ્માત થયા પછી એમણે જાહેરાતો માટે મૉડલિંગ કર્યું.

એસ. અજિતકુમાર
તેમણે 1990માં તમિળ ફિલ્મ ‘એન વીદુ એન કનાવર’થી કારકિર્દી શરૂ કરી. ‘પ્રેમા પુસ્તગમ’(Prema Pustagam)થી તેમણે તેલુગુ ફિલ્મમાં પ્રવેશ કર્યો. એ પછી ‘અમરાવતી’(Amararvathi)થી તેમને ભારે સફળતા મળી. એ પછી ‘રાજા વિન પરવૈયિલે’માં ભૂમિકા ભજવી. 1995માં ‘આસાઈ’ (Aasai), 1996માં ‘કાધલ કોટ્ટાઈ’ (Kadhal Kottai), 1998માં ‘કાધલ મન્નન’ (Kadhal Mannan) અને અવલ વરુવાલા(Aval Varuvala)થી તેઓ સફળ અભિનેતા પુરવાર થયા. આ ઉપરાંત ‘વાલી’(Vaali)માં નાયક અને ખલનાયકની બેવડી ભૂમિકા ભજવી હતી. ‘વિલન’(Villain)માં બેવડી ભૂમિકા અને ‘વારાલારુ’(varalaru)માં ત્રણ ભૂમિકા ભજવી હતી. તેઓ ફિલ્મ ‘સિટીઝન’(Citizen)માં દસ ગેટઅપ્સમાં દેખાયા હતા. આ ઉપરાંત તેમણે ઘણી સફળ ફિલ્મો આપી.
તેમણે સર્કિટ 9000 નામની ફિલ્મ વિતરણ કંપની શરૂ કરી હતી, જે પાછળથી બંધ કરી. તેમણે તેમનાં માતાપિતાનાં નામ પરથી ‘મોહિની-મણિ ફાઉન્ડેશન’ની સ્થાપના કરી. તેમને કાર રેસિંગનો શોખ છે. તેમણે 2010માં MRF રેસિંગ શ્રેણીમાં તેમજ 2003માં ફૉર્મ્યુલા એશિયા BMW ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. તેમણે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી દ્વારા મેડિકલ એક્સપ્રેસ-2018 UAV ચૅલેન્જ માટે ટેસ્ટ પાઇલટ અને UAV સિસ્ટમ સલાહકાર તરીકે સેવા આપી છે.
તેમણે ફિલ્મી દુનિયાની ચમકદમકથી દૂર રહીને સમાજ માટે ઉત્કૃષ્ટ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. તેમણે એમની લોકપ્રિયતાનો ઉપયોગ જાહેરાતો કે રાજકીય ક્ષેત્રે ક્યારેય કર્યો નથી. વૈવિધ્યપૂર્ણ ભૂમિકાઓ કરીને ફિલ્મઉદ્યોગમાં પ્રતિભાશાળી અભિનેતા તરીકે પ્રસ્થાપિત થયા છે.
તેમને અનેક ઍવૉર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને 4 વિજય ઍવૉર્ડ્સ, 3 સિનેમા એક્સપ્રેસ ઍવૉર્ડ્સ, 3 ફિલ્મફેર ઍવૉર્ડ્સ – સાઉથ, 3 તમિળનાડુ સ્ટેટ ફિલ્મ ઍવૉર્ડ્સ, કલૈમામણિ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારત સરકારે 2005માં પદ્મભૂષણથી નવાજ્યા છે.
અનિલ રાવલ