એસ્ટરીકરણ (esterification) : આલ્કોહૉલ અને ઍસિડ વચ્ચેની ઍસ્ટર બનાવવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા સામાન્ય રૂપમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય :
આ પ્રક્રિયા (બર્થોલેટે સૌપ્રથમ 1862માં દર્શાવ્યું તે મુજબ) પ્રતિવર્તી છે અને તેનો સંતુલન અચલાંક KE નીચે પ્રમાણે રજૂ કરી શકાય :
[ ] જે તે પદાર્થની સંતુલન સમયની સાંદ્રતા દર્શાવે છે. જુદા જુદા એસ્ટરના નિર્માણ માટેના સંતુલન અચળાંકનાં મૂલ્યો જુદાં જુદાં હોય છે. એસ્ટરીકરણમાં આલ્કોહૉલની સક્રિયતાનો ક્રમ પ્રાથમિક > દ્વિતીયક > તૃતીયક હોય છે. તાપમાન વધતાં પ્રક્રિયાની ઝડપ વધે છે. વળી ઉદ્દીપકની મદદથી પણ આ પ્રક્રિયાની ઝડપ વધારી શકાય છે. હાઇડ્રૉક્લોરિક (HCl) અને સલ્ફ્યુરિક (H2SO4), પરક્લોરિક (HClO4), ફૉસ્ફૉરિક (H3PO4) ઍસિડ જેવા પ્રબળ ઍસિડ, બેન્ઝિન સલ્ફૉનિક ઍસિડ, બોરોન ટ્રાઇફ્લોરાઇડ, આયન વિનિમય રેઝિન (ion exchange resin) વગેરે ઉદ્દીપક તરીકે ઉપયોગી છે. ઉચ્ચ તાપમાને સલ્ફ્યુરિક ઍસિડ કાર્બનિક પદાર્થો માટે હાનિકારક નીવડે તેવી શક્યતા છે. ફૉસ્ફૉરિક ઍસિડ ઓછો કાર્યક્ષમ છે પણ તે હાનિકારક નથી. એસ્ટરીકરણની ક્રિયાવિધિમાં ઍસિડનો પ્રોટૉન આલ્કોહૉલના કાર્બનિક સમૂહ વડે પ્રતિસ્થાપિત થાય છે. એસ્ટરીકરણ પ્રક્રિયાને વધુ સંપૂર્ણ કરવા ઍસિડ અને આલ્કોહૉલમાંથી જે સોંઘો હોય તેને વધુ પ્રમાણમાં વાપરવામાં આવે છે અને પાણીને પ્રક્રિયામિશ્રણમાંથી દૂર કરવામાં આવે છે; દા. ત., ઇથાઇલ એસેટેટની બનાવટમાં પાણીને ત્રિઅંગી સ્થિરક્વાથી (ternary azeotropic) મિશ્રણ તરીકે દૂર કરાય છે. આ મિશ્રણમાં 82.16 % ઇથાઇલ એસેટેટ, 8.4 % ઇથેનોલ અને 9 % પાણી હોય છે. આવાં સ્થિરક્વાથી મિશ્રણ બનાવવા માટે બેન્ઝિન પણ પ્રક્રિયામિશ્રણમાં ઉમેરાય છે. સામાન્ય રીતે ઉદ્યોગોમાં આ પ્રક્રિયા સતત રીતે બબલ કૅપ ટ્રેવાળા ઊંચા સ્તંભોમાં કરવામાં આવે છે, જેથી ગરમ કરવાની અને નિસ્યંદનની પ્રક્રિયા સરળતાથી થાય.
ઍસિડ ક્લોરાઇડ, ઍસિડ એન્હાઇડ્રાઇડ કે ઍસિડ એમાઇડ સાથેની આલ્કોહૉલની પ્રક્રિયાથી પણ એસ્ટર મેળવી શકાય છે. મિથાઇલ અને ઇથાઇલ સલ્ફેટની ઍસિડના સોડિયમ ક્ષાર સાથેની પ્રક્રિયાથી ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં મિથાઇલ/ઇથાઇલ એસ્ટર મેળવવામાં આવે છે. કોઈ ઍસિડના મિથાઇલ/ઇથાઇલ એસ્ટર સાથે વધુ કાર્બનયુક્ત આલ્કોહૉલની પ્રક્રિયાથી તે આલ્કોહૉલના એસ્ટર મળે છે.
હર્ષદરાય રસિકલાલ શાહ
અનુ. પ્રવીણસાગર સત્યપંથી