ઍસ્ટર : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કૉમ્પોઝિટી) કુળની એક પ્રજાતિ. તે સુંદર, મોટેભાગે બહુવર્ષાયુ (perennial), શોભન, શાકીય કે ક્ષુપ અથવા માંસલ લવણોદભિદ (halophyte) જાતિઓ ધરાવે છે. ભારતમાં તેની લગભગ 23 જેટલી જાતિઓ થાય છે. પુષ્પો સ્તબક (capitulum) કે મુંડક (head) પ્રકારના પુષ્પવિન્યાસમાં ગોઠવાયેલાં હોય છે. તેનાં બિંબપુષ્પો (disc-florets) દ્વિલિંગી હોય છે અને કિરણપુષ્પકો (ray-florets) માદા હોય છે. પુષ્પના કદ અને રચના પ્રમાણે તેની ઘણી જાતો હોય છે. તે પૈકી કૅલિફૉર્નિયન જાયન્ટ, ક્રૉમેટ, પોમ્પોન, ક્રિસેન્થિમમ ફ્લાવર્ક (સેવંતીના પુષ્પ જેવી) જાતો જાણીતી છે.

ક્યારામાં છોડ ઉપર પુષ્પો હોય, ફૂલદાનીમાં ગોઠવ્યાં હોય, ગુચ્છ-સ્વરૂપે બાંધ્યાં હોય ત્યારે તે સ્થાન પુષ્પોની સુંદરતાથી શોભી ઊઠે છે. દરેક જાતિની આગવી વિશિષ્ટતા હોય છે. શિયાળામાં અથવા ચોમાસાના પાછલા ભાગમાં વવાતી જાતિઓમાં Aster diplostephioides Benth., A. ericoides Linn. (દેવયાની, માઇકેલમસ ડેઇઝી), A. hortensis L. (ચાઇનીઝ ઍસ્ટર), અને A. thomsonii C. B. Clarke(થૉમ્સનનું ઍસ્ટર)નો સમાવેશ થાય છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં તેનાં પુષ્પો મોટાં, ઘણાં સુંદર અને વિવિધરંગી હોવાથી સમૂહમાં અત્યંત આકર્ષક લાગે છે. આ પ્રજાતિના નામ ઉપરથી કુળનું નામકરણ ‘ઍસ્ટરેસી’ કરવામાં આવ્યું છે.

A. diplostephioidesનાં મૂળ કપડાં ધોવામાં વપરાય છે. હિમાલયમાં તે કાશ્મીરમાં 2,500 મી.થી 4,200 મી.ની ઊંચાઈ સુધી થાય છે અને તેના મુંડકો ઘણા મોટા અને આકાશી-ભૂરા રંગના હોય છે. A. ericoidesના બીજમાં પ્રોટીન (28 %) અને તેલ (30 %) પૂરતા પ્રમાણમાં હોય છે. A. molliuschus Wall. ex C. B. Clarkeના બીજમાંથી બાષ્પશીલ તેલ મળે છે; જે Micrococcus pyogenes var. aureusની સક્રિયતાને અવરોધે છે અને Trichophyton mentatagrophytes નામની ફૂગ સામે રક્ષણ આપે છે. A. thomsoniiના પર્ણોના બાષ્પનિસ્યંદનથી બાષ્પશીલ તેલ મળે છે; જેમાં આલ્ફા-પાઇનિન, બીટા-માયર્સિન, કૅર્યોફાઇલિન, હ્યુમ્યુલિન, કૅમેઝુલિન, બોર્નીલ એસિટેટ, સિટ્રોનેલીલ એસિટેટ અને બ્યુટેરેટ, કાર્વોન, સિટ્રોનેલોલ અને મિથાઇલયુજેનોલ હોય છે. A. trinerviusનાં મૂળ કફ, ફેફસાંના રોગો, રક્તસ્રાવ અને મલેરિયામાં વપરાય છે. આ જાતિ પ્રતિરોધી (antiseptic) ગુણધર્મો ધરાવે છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ