એસ્ટર (ester) : આલ્કોહૉલ અને ઍસિડ (અથવા ઍસિડ એનહાઇડ્રાઇડ કે ઍસિડ ક્લૉરાઇડ) વચ્ચેની પ્રક્રિયાથી બનતું સંયોજન. આ પ્રક્રિયા એસ્ટરીકરણ (esterification) તરીકે ઓળખાય છે. એસ્ટરનું સામાન્ય સૂત્ર RCOOR1 છે; એમાં R અને R1 કાર્બનિક સમૂહો છે. આલ્કોહૉલ અને ઍસિડ વચ્ચેની પ્રક્રિયા પ્રતિવર્તી (reversible) છે અને અલ્પ પ્રમાણમાં ઍસિડ(HCl, H2SO4, બેન્ઝિન સલ્ફોનિક ઍસિડ C6H5SO3H)ની હાજરીમાં તે ઝડપી બને છે.

આ પ્રક્રિયામાં આલ્કોહૉલનો OH અને ઍસિડનો H પાણી તરીકે દૂર થાય છે તેમ પ્રદર્શક પ્રવિધિ(tracer technique)થી સાબિત થયું છે. ઉત્પન્ન થતું પાણી દૂર કરવાથી અથવા વધુ આલ્કોહૉલ વાપરવાથી વધુ પ્રમાણમાં એસ્ટર મેળવી શકાય છે. ઍસિડના સોડિયમ ક્ષારની મિથાઇલ/ઇથાઇલ સલ્ફેટ સાથેની પ્રક્રિયાથી મિથાઇલ/ઇથાઇલ એસ્ટર મળે છે. કાબૉર્ક્સિલિક ઍસિડ સાથે ડાયાઝોમિથેન મિથાઇલ એસ્ટર બનાવે છે. ફીનૉલ સંયોજનો ઍસિડ એન્હાઇડ્રાઇડ કે ઍસિડ ક્લોરાઇડ સાથે એસ્ટર આપે છે.

C6H5OH + CH3COCl → C6H5OCOCH3 + HCl

ફીનૉલ   એસેટાઇલ ક્લૉરાઇડ             ફીનાઇલ એસેટેટ

એસ્ટરનું જલવિઘટન (ઍસિડ/આલ્કલી) કરતાં ઍસિડ (અથવા તેનો ક્ષાર) અને આલ્કોહૉલ મળે છે.

CH3COOC2H5 + NaOH → CH3COONa + C2H5OH

                                       સોડિયમ એસેટેટ

એસ્ટર એમોનિયા સાથે એમાઇડ આપે છે, જ્યારે તેનું અપચયન કરતાં ઍસિડને અનુરૂપ આલ્કોહૉલ મળે છે.

સારણી

નામ        સૂત્ર સુગંધ .બિંદુ 0સે.  .બિંદુ 0સે. ઘનતા
ઇથાઇલ એસેટેટ CH3COOC2H5 ફળ જેવી 77 -83 0.898 (d25)
ઇથાઇલ બ્યુટીરેટ CH3(CH2)2COOC2H5 પાઇનેપલ 120-121 -93 0.879 (d204)
ઇથાઇલ કેપ્રીલેટ CH3(CH2)5COOC2H5 પાઇનેપલ 207-209 0.878 (D27)
બેન્ઝાઇલ એસેટેટ CH3COOCH2C6H5 નાસપતી અથવા 213-51 -51 1.050 (d254)
સફરજન જેવી
બેન્ઝાઇલ સિનામેટ C6H5CH = CHCOOCH2C6H5 બાલ્સમ 228-230/22મિમી.  39
પ્રોપાઇલ એસેટેટ CH3COO = (CH2)2CH3 નાસપતી અથવા 101-6 -92 0.836 (D2020)
સફરજન જેવી

CH3COOC2H5 + NH3 → CH3CONH2 + C2H5OH

                           એસેટેમાઇડ

RCOOC2H5 + H2 → RCH2OH + C2H5OH

આ પ્રક્રિયા વનસ્પતિ તેલોમાંથી ફૅટી આલ્કોહૉલ (દા. ત., કોપરેલમાંથી લોરાઇલ આલ્કોહૉલ, C12H25OH) બનાવવામાં ઉપયોગી છે.

એસ્ટરમાંના નીચા ઉત્કલનબિંદુવાળા આલ્કોહૉલિક ભાગનું ઉચ્ચ આલ્કોહૉલ વડે પ્રતિસ્થાપન કરી શકાય છે; દા. ત., મિથાઇલ ટેરેપ્થેલેટના મિથાઇલ આલ્કોહૉલિક ભાગને ઇથિલીન ગ્લાયકોલ વડે પ્રતિસ્થાપિત કરીને ટેરિલીન બનાવવામાં આવે છે.

અકાર્બનિક ઍસિડ પણ હાઇડ્રૉક્સિલ સમૂહ ધરાવતાં સંયોજનો સાથે અકાર્બનિક એસ્ટર બનાવે છે.

                ROH + O2NOH → RONO2

નાઇટ્રોગ્લિસરોલ અને સેલ્યુલોઝ નાઇટ્રેટ, અનુક્રમે ગ્લિસરોલ અને સેલ્યુલોઝના નાઇટ્રિક ઍસિડ સાથેના એસ્ટર છે.

નીચા અણુભારવાળા એસ્ટર રંગવિહીન સુગંધીદાર પ્રવાહીઓ છે. આ શ્રેણીના શરૂઆતના સભ્યો પાણીમાં દ્રાવ્ય હોય છે. અણુભાર વધતાં દ્રાવ્યતા, ગ.બિં./ઉ.બિં.માં વધારો થાય છે. ઊંચા અણુભારવાળાં સંયોજનો વાસ વગરનાં અને સ્પર્શમાં મીણ જેવાં હોય છે. વનસ્પતિજ તેલો અને ચરબી એ ઉચ્ચ ઍસિડના ગ્લિસરોલ સાથેના એસ્ટર છે. આવા પદાર્થોના આલ્કલી વડે કરાતા જલવિભાજનને સાબુકરણ (saponification) કહે છે.

એસ્ટરો સુગંધી દ્રવ્યો (essence, perfumes), સુઘટ્યકારકો (plasticisers), રેઝિન (દા. ત., આલ્કાઇડ રેઝિન), રેસાઓ (સેલ્યુલોઝ એસેટેટ), પ્લાસ્ટિક અને દ્રાવકો તરીકે મોટા પ્રમાણમાં વપરાય છે. જાણીતા વિસ્ફોટકો નાઇટ્રોગ્લિસરીન, સેલ્યુલોઝ નાઇટ્રેટ તેમજ ટેરિલીન, લ્યૂસાઇટ (પૉલિમિથાઇલ મિથાક્રિલેટ) વગેરે પણ એસ્ટર સંયોજનો છે, જે ઉદ્યોગમાં સારી અગત્ય ધરાવે છે (સારણી જુઓ).

પ્રવીણસાગર સત્યપંથી