એસ્કર : હિમશિલાના અંત:પ્રવાહ સાથે ઘસડાઈ આવેલ જાડી રેતી, કંકર વગેરેના નિક્ષેપથી બનેલા ખડકોવાળી, સાંકડી, વાંકીચૂકી ટેકરી. તે 3 કે 5 મીટરથી માંડીને 10 કે 12 મીટરથી ઊંચી હોય છે. આ શબ્દ આયરિશ ભાષાનો છે અને આયર્લૅન્ડમાં આવેલી આ પ્રકારની ટેકરીઓ ઉપરથી અન્ય આવી ટેકરીઓ એસ્કર તરીકે ઓળખાય છે. આવી ટેકરી સરોવરકાંઠે ત્રિકોણાકાર સ્વરૂપે જોવા મળે છે. તે અર્ધ- ખડક સ્વરૂપે પણ હોય છે.
આવી ટેકરીઓ કૅનેડા, સ્કૅન્ડિનેવિયન દેશો (નૉર્વે, સ્વીડન) ફિનલૅન્ડ, પૂર્વ પ્રશિયા, ઉત્તર ઇંગ્લૅન્ડ અને ઉત્તર સ્કૉટલૅન્ડ વગેરે દેશોમાં જોવા મળે છે.
જ્યોતેન પ્ર. વ્યાસ