એસ્કિમો : ટુન્ડ્ર પ્રદેશના વતની. ‘ટુન્ડ્ર’નો અર્થ ‘બરફનું રણ’ થાય છે. આ પ્રદેશ 700થી 800 અક્ષાંશવૃત્તો વચ્ચે શીત કટિબંધમાં આવેલો છે. ઉત્તર કૅનેડા અને ગ્રીનલૅન્ડમાં વસતા લોકો એસ્કિમો તરીકે ઓળખાય છે; જ્યારે યુરોપમાં લેપ અને ફિન તથા સાઇબીરિયામાં સેમોયેડ અને યાકુત તરીકે ઓળખાય છે.

એસ્કિમો અને ઇગ્લૂ

ટુન્ડ્ર હિમાચ્છાદિત પ્રદેશ છે. અહીં ખેતી શક્ય નથી. એસ્કિમો માંસાહારી છે. વહેલ, સીલ, વાલરસ, રેન્ડિયર કે કેરિબુનું માંસ તેમનો ખોરાક છે. તેઓ માંસ માટે પ્રાણીઓનો શિકાર કરે છે કે માછલાં પકડે છે. માછલાં પકડવા સીલના ચામડામાંથી બનાવેલી ‘ક્યાક’ હોડીનો તેઓ ઉપયોગ કરે છે.

એસ્કિમોનો મુખ્ય આધાર રેન્ડિયર છે. રેન્ડિયર તેમને દૂધ, માંસ, ચામડાં, ચરબી, હાડકાં વગેરે અનેક જીવનોપયોગી ચીજો પૂરી પાડે છે. રેન્ડિયર તેમની ‘કામધેનુ’ ગણાય છે. રેન્ડિયર એસ્કિમોની પૈડાં વિનાની ‘સ્લેજ’ ગાડી પણ ખેંચે છે.

એસ્કિમો સ્ત્રી-પુરુષોનો પોશાક લગભગ એકસરખો હોય છે. કડકડતી ઠંડીથી રક્ષણ કરવા તેઓ રૂવાંવાળાં ચામડાંનાં વસ્ત્રો પહેરે છે. આંખ-મોં સિવાય લગભગ આખું શરીર વસ્ત્રોથી ઢંકાયેલું રાખે છે. તેઓ ઘૂંટણ સુધીના હોલબૂટ પહેરે છે.

બરફનાં ચોસલાંમાંથી બનાવેલું સાંકડા પ્રવેશદ્વારવાળું ‘ઇગ્લૂ’ એસ્કિમોનું શિયાળાનું નિવાસસ્થાન છે. હૂંફ માટે ઇગ્લૂમાં સીલની ચરબીનો દીવો તે લોકો સતત બળતો રાખે છે. તેઓ ઉનાળામાં ‘ટ્યૂપિક’ તંબૂનો ઉપયોગ કરે છે.

એસ્કિમો પરિવાર

અહીં વસ્તી ખૂબ જ આછી છે. દર હજાર ચોરસ કિલોમિટરે સરેરાશ એક-બે માણસો વસે છે. એકાદ નાનકડા શહેરની વસ્તી થોડાક હજાર જેટલી હોય છે. એસ્કિમોનું જીવન હાડમારીઓથી ભરેલું છે. ખોરાકની શોધમાં તેઓ રખડતું જીવન ગાળે છે, તેથી અહીં સ્થાયી મોટી વસાહતો જોવા મળતી નથી. રેન્ડિયરનું સંવર્ધન તથા પ્રાણીઓ કે માછલાંનો શિકાર એ પુરુષોની મુખ્ય પ્રવૃત્તિઓ છે. સ્ત્રીઓ પોશાક તૈયાર કરવામાં કે ઘરકામમાં રોકાયેલી હોય છે.

મોટાભાગના એસ્કિમો આજ સુધી આ પ્રકારનું જીવન ગાળતા હતા, પરંતુ વીસમી સદીમાં સુધરેલા જગતના સંપર્કમાં આવ્યા બાદ તેમના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે. કૅનેડા અને યુ.એસ.ની સરકારોએ તેમના વિકાસમાં ઊંડો રસ લીધો છે. આમ પાશ્ચાત્ય દેશોની અસર તળે તેઓ વાસણો, હથિયારો, પુસ્તકો વગેરેથી પરિચિત થયા છે. તેમણે લાકડાનાં કે પથ્થરનાં ઘરોમાં સ્થાયી જીવનની શરૂઆત કરી છે. એસ્કિમોનાં બાળકો શાળાએ જવા લાગ્યાં છે. માંસ અને માછલાંને બદલે તૈયાર ફૂડ પૅકેટોનો વપરાશ વધતો જાય છે. હેલિકૉપ્ટરો અને સ્ટીમરો તેમની જીવનજરૂરિયાતની ચીજોનો પુરવઠો પૂરો પાડે છે. ખનિજ-ખોદકામ અને રુવાંટીના વ્યવસાયમાં તેઓ પ્રવૃત્ત બન્યા છે.

આધુનિક વિજ્ઞાન અને ટેક્નૉલૉજી પર આધારિત સાધનોથી તેઓ પરિચિત થયા છે. તેઓ ગૅસોલિનથી ચાલતા વૉશિંગ મશીનનો ઉપયોગ કરે છે. તેમનાં મકાનો હવે વીજળીથી ઝળહળવા લાગ્યાં છે. તાર, ટેલિફોન, રેડિયો, હેલિકૉપ્ટર, સ્ટીમર વગેરે સંદેશા અને વાહનવ્યવહારનાં સાધનોથી પરિચિત થયા છે. બેફિન ટાપુના ઉત્તર કિનારે ‘પૉન્ડ ઇનલેટ’માં હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે. અમેરિકાની સલામતી માટે ધ્રુવીય પ્રદેશમાં ઊભાં કરવામાં આવેલાં રડાર-મથકોથી પણ તેઓ પરિચિત થયા છે. ખનિજ-તેલ શુદ્ધ કરવાની રિફાઇનરીઓ સ્થપાવા લાગી છે. ટેલિવિઝન પર ચલચિત્રો પણ નિહાળવા લાગ્યા છે.

લખુભાઈ પટેલ