ઍસોસિયેશન ઑવ્ સાઉથ ઈસ્ટ એશિયન નૅશન્સ (ASEAN)

January, 2004

ઍસોસિયેશન ઑવ્ સાઉથ ઈસ્ટ એશિયન નૅશન્સ (ASEAN) : દક્ષિણ પૂર્વ એશિયાના પાંચ દેશોએ પરસ્પર સહકાર દ્વારા આર્થિક, સામાજિક તથા સાંસ્કૃતિક વિકાસ સાધવા 1967માં ઊભું કરેલું આંતરરાષ્ટ્રીય સંગઠન. તે પૂર્વે 1961માં ત્રણ દેશો – મલેશિયા, ફિલિપાઇન્સ અને થાઇલૅન્ડ દ્વારા ઍસોસિયેશન ઑવ્ સાઉથ ઈસ્ટ એશિયા (ASA) નામનું જે સંગઠન ઊભું કર્યું હતું તેની અવેજીમાં આ પાંચ દેશોનું સંગઠન ઊભું થતાં તેમાં ઇન્ડોનેશિયા તથા સિંગાપુર જોડાયા. ત્યારબાદ બ્રુનાઈ, વિયેતનામ, લાઓસ, મ્યાનમાર પણ કમ્બોડિયા જોડાયા હતા, જ્યારે પાપુઆ ગિયાનાને ઑબ્ઝર્વરનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આમ હવે તેના સભ્યોની સંખ્યા 10 + 1ની થાય છે. સંગઠનનું નીતિવિષયક સંચાલન કરવા માટે પાંચ સભ્ય દેશોના વિદેશ પ્રધાનોની બનેલી સંચાલન સમિતિ હોય છે, તે ‘મિનિસ્ટેરિયલ કૉન્ફરન્સ’ કહેવાય છે. સમિતિની સભા દર વર્ષે વારાફરતી દરેક સભ્ય દેશમાં યોજાય છે. સમિતિની સભાઓના વચલા ગાળામાં તેનું સંચાલન સ્થાયી સમિતિ દ્વારા થાય છે; એમાં એક દેશના વિદેશપ્રધાન અને ચાર દેશોના એલચીઓનો સમાવેશ થાય છે. સંસ્થાનું મુખ્ય મથક ઇન્ડોનેશિયાના પાટનગર જકાર્તા ખાતે છે; જ્યાં તેના મહામંત્રી (Secretary General) ઉપરાંત કેટલીક કાયમી તેમજ કેટલીક કામચલાઉ સમિતિઓ કામ કરે છે.

ઝડપી (accelerated) આર્થિક વિકાસ અને સામાજિક તથા સાંસ્કૃતિક પ્રગતિ દ્વારા દક્ષિણ પૂર્વ એશિયા વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાનો આદર્શ ધરાવતા આ સંગઠને આર્થિક વિકાસ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર તથા ટેક્નિકલ અને સંશોધનક્ષેત્રે કેટલાક પ્રકલ્પો (projects) હાથ ધર્યા હતા. 1976માં બાલી ખાતે સંગઠનના પાંચ સભ્ય દેશોના વડાઓની પરિષદ યોજાઈ હતી, એમાં ‘ટ્રીટી ઑવ્ ઍૅમિટી ઍન્ડ કો-ઑપરેશન’ તથા ‘ડિક્લેરેશન ઑવ્ કૉન્કોર્ડ’ એ બે દસ્તાવેજો પર સહીસિક્કા થવા ઉપરાંત કેટલાક ઔદ્યોગિક પ્રકલ્પો હાથ ધરવા અંગે સમજૂતી સધાઈ હતી. તેમ છતાં સભ્ય દેશોના અર્થતંત્રના એકીકરણની બાબત અંગે તથા સંરક્ષણક્ષેત્રે કોઈ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઈ શકી નથી. 1992માં સિંગાપુર ખાતે મળેલી ચોથી શિખર પરિષદમાં એશિયન ફ્રી ટ્રેડ એરિયા (AFTA) સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને પંદર વર્ષમાં સહિયારું બજાર ઊભું કરવાનું ધ્યેય રાખવામાં આવ્યું હતું. આ દિશામાં પહેલા પગલા તરીકે ‘કૉમન ઇફેક્ટિવ પ્રેફરન્શિયલ ટૅરિફ’ (CEPT) કાર્યક્રમ હેઠળ સભ્ય દેશો વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. ડિસેમ્બર, 1995માં સભ્ય દેશોએ ‘સાઉથ ઈસ્ટ એશિયન ન્યૂક્લિયર ફ્રી ઝોન’ સ્થાપવાનો કરાર કર્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે