એસેઝ ઑવ્ ઇલિયા : લલિત નિબંધના પ્રવર્તક વિખ્યાત નિબંધકાર ચાર્લ્સ લૅમ્બ(જ. 10 ફેબ્રુઆરી 1775, લંડન; અ. 27 ડિસેમ્બર 1834, એડમન્ટન)ના નિબંધો. 17 વર્ષની નાની વયે ઈસ્ટ ઇન્ડિયા હાઉસમાં નોકરી સ્વીકારી અને 1825માં ત્યાંથી નિવૃત્ત થયા. યુવાન વયનો નિષ્ફળ પ્રેમપ્રસંગ તેમના ચિત્તતંત્ર માટે ભૂકંપરૂપ ઘટના બની રહ્યો. માનસિક તણાવના એ દિવસોમાં જ તેમની પાગલ બહેન મેરીએ માતાનું ખૂન કર્યું. એ કરુણ ઘટનાએ તેમના સમગ્ર જીવનને હચમચાવી મૂક્યું. એ પાગલ બહેનની દેખભાળ રાખવા તેમણે આજન્મ કુંવારા રહેવાનો નિર્ણય કર્યો.
લૅમ્બે કવિતા, વિવેચન અને અન્ય સાહિત્યપ્રકારો ખેડ્યા, પણ તેમનું મહત્વપૂર્ણ પ્રદાન લલિત નિબંધના ક્ષેત્રે રહ્યું છે. ‘એસેઝ ઑવ્ ઇલિયા’ તેમના સમુદાર તથા કરુણ-મધુર વ્યક્તિત્વની વિવિધ રેખાઓ ઉપસાવી આપતો નમૂનેદાર નિબંધસંગ્રહ છે. 1820થી 1823 દરમિયાન ‘લંડન મૅગેઝીન’માં છપાતા રહેલા આ નિબંધોનો પ્રથમ સંગ્રહ પ્રગટ થયો 1823માં અને બીજો સંગ્રહ ‘ધ લાસ્ટ એસેઝ ઑવ્ ઇલિયા’ 1833માં પ્રગટ થયો. લૅમ્બે સાઉથ સી હાઉસમાં કામ કરતા એક ભૂતપૂર્વ ઇટાલિયન કારકુન ઇલિયાનું નામ અપનાવ્યું છે. તેમાં અંગત કરતાં સાહિત્યિક કારણો સવિશેષ છે. ઇલિયા જેવા આ પાત્રના પટંતરે તેમણે પોતાના જ વ્યક્તિત્વનાં જુદાં જુદાં દલ એમાં ખોલ્યાં છે. ‘ડ્રીમ ચિલ્ડ્રન’, ‘પોપ્યુલર ફૅલસિઝ’, ‘ન્યૂ ઇયર્સ ઇવ’, ‘માય્ રિલેશન્સ’ કે ‘માય્ ફર્સ્ટ પ્લે’ જેવી તેમની કોઈ પણ રચના લો, એ અંગત સંવેદનાઓથી ભરી ભરી જણાય છે. ‘ડ્રીમ ચિલ્ડ્રન’ જેવી તેમની સર્વોત્કૃષ્ટ રચનામાં તેમનું એકાકી અને કરુણ છતાં હૂંફાળું વ્યક્તિત્વ કળામય અભિવ્યક્તિ પામ્યું છે; છતાં આ નિબંધો આત્મકથાનક પ્રકારના નથી. શિયાળાની રાત્રે સગડી પાસે બેસીને નિરાંતે કરાતી ગુફતેગો જેવો ગુણધર્મ એમાં છે. તેમની બુદ્ધિપ્રભાની સાથે તેમના હૃદયની કોમળતા પણ આ નિબંધોમાં ભળી છે. વચ્ચે વચ્ચે કટાક્ષ-વિનોદ પણ તે કરી લે છે. તેનું ગદ્ય પ્રાસાદિક છે.
લલિત નિબંધનાં ઉત્તમ ર્દષ્ટાંત સૌપ્રથમ લૅમ્બના આ નિબંધસંગ્રહમાંથી મળી રહે છે. નિબંધને જન્મ આપ્યો ફ્રાન્સના લેખક મૉન્તેને, પણ કલાસ્વરૂપ તરીકે એ સાહિત્યપ્રકારને વિશ્વસાહિત્યના દરબારમાં સ્થાન મળે તેવી તંતોતંત વિશુદ્ધ રચનાઓ આપી ચાર્લ્સ લૅમ્બે જ. વિવેચકો એથી જ લૅમ્બને ‘ધ પ્રિન્સ ઑવ્ ઇંગ્લિશ એસેઇસ્ટ્સ’ તરીકે ઓળખાવે છે.
પ્રવીણ દરજી