એશિયન ડ્રામા (1968) : દક્ષિણ એશિયાની ઘોર ગરીબી પર વ્યાપક પ્રકાશ પાડતો ગ્રંથ. લેખક ગુન્નાર મિર્ડાલ.
દક્ષિણ એશિયાના દેશોની ગરીબીની સમસ્યા પર હાથ ધરવામાં આવેલા સંશોધનના પરિપાક રૂપે તૈયાર કરવામાં આવેલો ગ્રંથ. તેના લેખક જગવિખ્યાત અર્થશાસ્ત્રી ગુન્નાર મિર્ડાલ છે. આ ગ્રંથ માટેનું સંશોધનકાર્ય તેમણે તેમના સાથીઓની સાથે 1957-67ના દસકા દરમિયાન કર્યું હતું. દક્ષિણ એશિયાના જે દેશોનો અભ્યાસ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે તે આ પ્રમાણે છે : ભારત, પાકિસ્તાન, શ્રીલંકા (સિલોન), મ્યાનમાર (બર્મા), ઇન્ડોનેશિયા, મલયેશિયા, ફિલિપાઇન્સ, થાઇલૅન્ડ, લાઓસ, દક્ષિણ વિયેટનામ. આમ છતાં, પ્રસ્તુત ગ્રંથ મુખ્યત્વે ભારત પર કેન્દ્રિત થયેલો છે. કુલ 2,250થી અધિક પૃષ્ઠોમાં આર્થિક તેમજ સામાજિક-સાંસ્કૃતિક પ્રવાહોની ચર્ચા કરવામાં આવી છે. એશિયાના દેશોના આર્થિક પ્રશ્ર્નોને સમજવામાં વિકસિત દેશોમાં વિકસેલા અર્થશાસ્ત્રના ખ્યાલો ઉપયોગી નથી એ મુદ્દા પર ભાર મૂકીને લેખકે એ વર્ષોમાં અર્થશાસ્ત્ર માટે બિનપરંપરાગત ગણી શકાય એવા અનેક મુદ્દાઓની ચર્ચા કરી છે. ભ્રષ્ટાચાર, શિક્ષણ, સ્વાસ્થ્ય, રાજ્ય વગેરે તેનાં ઉદાહરણો છે. બેકારીના ખ્યાલનો ઉપયોગ કરવાને બદલે તેમણે શ્રમના ઓછા ઉપયોગનો ખ્યાલ રજૂ કર્યો છે. તેમાં રજૂ કરવામાં આવેલા ‘મૃદુ રાજ્ય’(soft state)નો ખ્યાલ ખૂબ પ્રચલિત થયો છે. દક્ષિણ એશિયામાં પ્રવર્તતી પરિસ્થિતિની નક્કર હકીકતોને આધારે સત્યની શોધ અને તેનું ભારપૂર્વક પણ દુરાગ્રહ વિના પ્રતિપાદન કરવાનો સન્નિષ્ઠ પ્રયાસ આ ગ્રંથમાં જોવા મળે છે. અલ્પવિકાસ, વિકાસ અને વિકાસાર્થે આયોજન આ ત્રણેય પાસાંના સંદર્ભમાં દક્ષિણ એશિયાની વાસ્તવિક પરિસ્થિતિ, તેની પ્રજાની આર્થિક વિકાસ માટેની આકાંક્ષા તથા તે વિસ્તારના દેશોની સરકારો સમક્ષ ઉપસ્થિત થતા નીતિવિષયક વિકલ્પોની આ ગ્રંથમાં વિસ્તારથી છણાવટ કરવામાં આવી છે. તેમાં કેટલાંક નીતિવિષયક સૂચનો પણ છે.
આ ગ્રંથમાં વિશ્વના જે વિસ્તારની સમસ્યાઓનું બયાન કરવામાં આવ્યું છે તેમાં બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં રાષ્ટ્રીય ર્દઢીકરણ (consolidation) તથા ઝડપી આર્થિક વિકાસ માટેના તે તે દેશોના પ્રયાસો અને મથામણનું સૂચન લેખકે ગ્રંથને આપેલા ‘એશિયન ડ્રામા’ શીર્ષક પરથી થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે