એવિગ્નોન : ફ્રાન્સના અગ્નિખૂણામાં ર્હોન નદીને કિનારે આવેલું કૃષિકેન્દ્ર અને ઐતિહાસિક નગર. રોમન યુગમાં તે સમૃદ્ધ નગર હતું. પાંચમી સદીમાં ઉત્તર યુરોપીય આક્રમણને લીધે પતન થયું. ફ્રાન્સના રાજા ફિલિપના પ્રભાવ હેઠળ ચૂંટાયેલા પોપ ક્લૅમન્ટ પાંચમાએ 1309થી 1377 સુધી આ નગરમાં નિવાસ કર્યો. આ ગાળો ઇતિહાસમાં ‘એવિગ્નોન પોપશાહી’ કે ‘બૅબિલોનિયન કૅપ્ટિવિટી ઑવ્ ધ ચર્ચ’ તરીકે ઓળખાય છે. આ ગાળામાં પોપનો વિખ્યાત મહેલ બાંધવામાં આવ્યો. 1378થી 1414 સુધીના ‘મહાન ભંગાણ’(great schism)ના ગાળામાં બે પોપમાંનો એક પોપ એવિગ્નોનમાં રહેતો. 1791માં ફ્રાન્સની રાષ્ટ્રીય સભાએ પોપના અંકુશમાંથી તેને મુક્ત કરી ફ્રાન્સ જોડે ભેળવી દીધું. વસ્તી : 88,312 (1999).
જ. જ. જોશી