એલ્બી, એડ્વર્ડ (ફ્રેન્કલિન)

January, 2004

એલ્બી, એડ્વર્ડ (ફ્રેન્કલિન) : (જ. 12 માર્ચ 1928, વર્જિનિયા (?), અમેરિકા; અ. 16 સપ્ટેમ્બર 2016, ન્યૂયોર્ક, યુ. એસ.) : અમેરિકન નાટ્યકાર અને નાટ્યનિર્માતા. ‘‘હુ’ઝ અફ્રેડ ઑવ્ વર્જિનિયા વૂલ્ફ’’ નામના નાટકથી તેમને પુષ્કળ ખ્યાતિ મળી હતી. આ નાટકને બ્રૉડવેની 1962ની સિઝન દરમિયાન લગભગ તમામ મહત્વના એવૉર્ડ મળ્યા હતા.

એડ્વર્ડ એલ્બી (ફ્રેન્કલિન)

તેઓ દત્તક પુત્ર હોવાથી તેમનું જન્મસ્થાન નિશ્ચિત નથી. નજીકના વેસ્ટચેસ્ટર કાઉન્ટીમાં તેમનો ઉછેર થયો હતો. તેમણે ટ્રિનિટી કૉલેજ તથા કૉલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. પ્રારંભમાં તેમણે કાવ્યો અને નવલકથાઓ લખવાનો પ્રયત્ન કર્યો, પણ 1950ના ઉત્તરાર્ધમાં નાટકો તરફ વળ્યા. તેમના પ્રારંભિક એકાંકીઓમાં ‘ધ ઝૂ સ્ટોરી’ (પ્રથમ ભજવાયું 1959), ‘ધ ડેથ ઑવ્ બેસી સ્મિથ’ (1960) અને ‘ધ સૅન્ડબૉક્સ’(1960)નો સમાવેશ થાય છે. તેમનું પ્રથમ ત્રિઅંકી નાટક તે ‘‘હુ’ઝ અફ્રેડ ઑવ્ વર્જિનિયા વુલ્ફ’’. આ નાટકને સંખ્યાબંધ એવૉર્ડ મળ્યા અને તેના પરથી 1966માં ફિલ્મનું નિર્માણ થયું. ત્યારપછીનાં નાટકો તે ‘ટાઇની ઍલિસ’ (1964), ‘અ ડેલિકેટ બૅલન્સ’ (1966), ‘બૉક્સ ઍન્ડ ક્વૉટેશન્સ, ફ્રૉમ ચૅરમૅન માઓ-ત્સે-તુંગ’ (1968), ‘સીસ્કેપ’ (1975), ‘કાઉન્ટિંગ ધ વેઝ’ (1976), ‘લિસનિંગ’ અને ‘ધ લેડી ફ્રૉમ ડુ બ્યૂક’ (1978-79). ‘અ ડેલિકેટ બૅલન્સ’ તથા ‘સીસ્કેપ’ને પુલિત્ઝર પુરસ્કાર મળ્યો હતો. ‘વૉકિંગ’ (1982) તથા ‘મેરેજ પ્લે’ (1988)  એ તેમનાં ઉત્તરકાલીન નાટકો છે.

મહેશ ચોકસી