એલ્બર્ટ શિખર : યુ.એસ.ના સોવોય પર્વતનું 4,399 મી. ઊંચું શિખર. કૉલોરાડો રાજ્યના મધ્ય ભાગમાં આવેલી ખડકાળ ગિરિમાળાના રીવર નૅશનલ ફૉરેસ્ટ વિભાગમાં આવેલું છે. સોવોય પર્વત લીડવીલેની નૈર્ઋત્યે આવેલા સરોવરવાળા પ્રદેશનો ભાગ છે. આ પર્વતનો પૂર્વ તરફનો ભાગ રંગભૂમિ જેવો ગોળાકાર છે. તે તિરાડો કે પોલાણો ધરાવે છે. આરાકાન્સાસ નદીની ખીણ સુધી વિસ્તરેલી હિમનદીઓએ આવાં પોલાણો બનાવ્યાં હતાં.

આ આખો પ્રદેશ ક્રિટેશિયસ યુગના છેવટના ભાગમાં પૃથ્વીના પોપડા ઊંચકાવાને લીધે બન્યો હોય એમ જણાય છે. સોવોય ગિરિમાળા સ્થાનભેદે 112 કિમી.થી 700 કિમી. પહોળી છે. આ પર્વતમાળાના ખડકોમાંથી જળચર પ્રાણીઓના અશ્મીભૂત અવશેષો મળે છે.

નીતિન કોઠારી