એલ્બ નદી : જર્મનીની બીજા ક્રમની મોટી અને ખૂબ મહત્વની નદી તથા યુરોપખંડના મુખ્ય જળમાર્ગોમાંની એક. ચેકોસ્લોવાકિયા અને પોલૅન્ડની સરહદ પરના રિસેન્બર્જ પર્વતમાંથી નીકળીને તે દક્ષિણ અને પશ્ચિમ તરફ બોહેમિયાની બાજુએ વહે છે અને આગળ જતાં પૂર્વ જર્મનીની બાજુમાં થઈને પશ્ચિમ જર્મનીમાં દાખલ થાય છે અને હૅમ્બુર્ગ બંદર પાસે ઉત્તર સમુદ્રમાં વિલીન થાય છે. ઈ. પૂ. નવમી સદીમાં રોમન સેનાની જર્મની સુધીની આગેકૂચ આ નદીના પ્રદેશ સુધી થઈ હતી તેવા પુરાવા સાંપડ્યા છે. છેક તેરમી સદીથી વીસમી સદીના મધ્ય ભાગ સુધી તે ડ્રેસડેન તથા હૅમ્બુર્ગ વચ્ચેનો મુખ્ય વ્યાપારી જળમાર્ગ હતો. બાલ્ટિક સમુદ્ર, હાવેલ નદી પશ્ચિમ બર્લિન, રુહરનો ઔદ્યોગિક વિસ્તાર અને રહાઇન નદી સાથે નહેરો દ્વારા એલ્બ નદી સાંકળી લેવામાં આવી છે. તેની કુલ લંબાઈ 1,165 કિમી. છે તથા તેની પહોળાઈ કેટલીક જગાએ 14 કિમી. જેટલી છે. તેની કુલ લંબાઈમાંથી 800 કિમી. કરતાં પણ વધારે વિસ્તાર જળમાર્ગ માટે ઉપયોગી છે. તેના કાંઠા પર ઘણાં બંદરો વિકસ્યાં છે. તેમાંનું એક હૅમ્બુર્ગ છે, તે યુરોપનાં મોટામાં મોટાં બંદરોમાંનું એક છે (ઉદગમસ્થાનથી 101 કિમી.). તેના કાંઠા પરનાં પ્રમુખ નગરોમાં પૂર્વ જર્મનીના ડ્રેસ્ડેન, મૅગ્દેબર્ગ અને વિટેનબર્ગ તથા પશ્ચિમ જર્મનીના હૅમ્બુર્ગ અને કક્ષહેવન ઉલ્લેખનીય છે. કૃષિ તથા ઔદ્યોગિક ર્દષ્ટિએ અત્યંત સમૃદ્ધ ગણાય તેવા પશ્ચિમ જર્મનીના વિસ્તારોમાંથી આ નદી વહે છે. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ચેકોસ્લોવાકિયાનો ઉદય થતાં વરસાઇ(versailles)ની સંધિ અન્વયે આ નદીને આંતરરાષ્ટ્રીય નદી તરીકે જાહેર કરવામાં આવી. 1945માં બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ સમયે આ નદી એક તરફ અમેરિકા, ઇંગ્લૅન્ડ અને ફ્રાંસની સેના તથા બીજી તરફ સોવિયત સેના માટે સીમાંકનરેખા બની હતી. યુદ્ધ પછી જર્મનીના ભાગલા થયા અને ત્યારથી આ નદીનો આશરે 100 કિમી. જેટલો વિસ્તાર પશ્ચિમ તથા પૂર્વ જર્મની વચ્ચેની કુલ સરહદનો ભાગ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે