એલિયટ, જ્યૉર્જ (જ. 22 નવેમ્બર 1819, વૉરવિકશાયર, ઇંગ્લૅન્ડ; અ. 22 ડિસેમ્બર 1880, લંડન) : વિક્ટોરિયન યુગનાં અંગ્રેજી નવલકથાકાર. મૂળ નામ મૅરી એન, પાછળથી મેરિયન ઇવાન્સ. શાળાના અભ્યાસ દરમિયાન ઇવૅન્જેલિક સંપ્રદાય અપનાવ્યો; પાછળથી ચાર્લ્સ બ્રેએ તેમને એમાંથી વિચારમુક્તિ અપાવી. પરિણામે ધર્મપરાયણ પિતાથી અલગ થવું પડ્યું. માતાનું મૃત્યુ થતાં, પ્રેમ તથા કર્તવ્યની ધર્મપ્રેરિત ભાવનાથી દોરવાઈને પિતા પાસે આવીને રહ્યાં. અભ્યાસમાં ખૂબ રસ અને ખંત દાખવી જર્મન, ઇટાલિયન, ફ્રેન્ચ તથા લૅટિન ભાષાઓ શીખી લીધી. વિશાળ વાચન તથા ભાષા-પ્રભુત્વને કારણે તે ભાષાંતર કરવા તરફ વળ્યાં અને તેમાં સારી ફાવટ આવી. 1846માં ‘ધ લાઇફ ઑવ્ જિસસ’ એ ભાષાંતર પોતાનું નામ આપ્યા વગર પ્રગટ કર્યું. 1851માં ‘ધ વેસ્ટ મિન્સ્ટર રિવ્યૂ’ નામના સામયિકમાં લેખિકા તરીકે જોડાવાનું નક્કી કરી લંડન આવી વસ્યાં. 1854 સુધી ઉપસંપાદક તરીકે સેવા આપી. એ દરમિયાન બીજા નામાંકિત અગ્રણીઓની સાથોસાથ હર્બર્ટ સ્પેન્સરના પરિચયમાં આવ્યાં અને તેમની તરફ તીવ્ર આકર્ષણ અનુભવ્યું, પણ સ્પેન્સરે માત્ર મૈત્રીનો સંબંધ નિભાવ્યો. સ્પેન્સરે પરિચય કરાવેલા જ્યૉર્જ હેન્રી લૂઈ નામના પત્રકાર સાથે વિધિસર લગ્ન કર્યા વગર જીવનભર તેમનાં સંગિની બની રહ્યાં.
1854માં ફ્યુરબૅકના પુસ્તકના ભાષાંતર રૂપે ‘ઇસેન્સ ઑવ્ ક્રિશ્ચયાનિટી’ પ્રગટ થયું. પછી તે લૂઈ સાથે જર્મની ગયાં. તેમના કેટલાક શ્રેષ્ઠ નિબંધો જર્મનીમાં લખાયાં અને સ્પિનોઝાના ‘એથિક્સ’નું (હજુ અપ્રગટ રહેલું) ભાષાંતર પણ આ ગાળામાં તૈયાર થયું. સામયિકમાં લખાયેલી અને ખૂબ લોકપ્રિય નીવડેલી વાર્તાઓ બે સંગ્રહરૂપે ‘સીન્સ ઑવ્ ક્લેરિકલ લાઇફ’ના નામે 1854માં પ્રગટ થઈ અને તેમાં જ્યૉર્જ એલિયટના તખલ્લુસનો ઉપયોગ કરાયો. એમાં નિરૂપિત વાસ્તવ, હાસ્ય તથા કારુણ્યને સુંદર પ્રતિભાવ સાંપડ્યો અને એ તખલ્લુસધારી લેખકના વ્યક્તિત્વ વિશે રસપ્રદ ચર્ચા ચાલી.
પછીના વર્ષે તેમની સૌપ્રથમ લાંબી નવલકથા ‘ઍડમ બીડ’ (1859) 3 ખંડોમાં પ્રગટ થઈ. તેને ખૂબ ઉત્સાહજનક આવકાર સાંપડ્યો અને અગ્રણી નવલકથાકાર તરીકે તેમની પ્રતિષ્ઠા બંધાઈ. એમાં શૈશવનાં સંસ્મરણો, અનુભવો, પાત્રો તથા ડર્બીશાયરમાં સાંભળેલી પ્રાદેશિક લોકભાષાનો સરસ ઉપયોગ કરાયો છે. પરંતુ એમાં ઊંડા માનવ સમભાવની સાથોસાથ ઉગ્ર નૈતિક ન્યાયબુદ્ધિ વણી લેવામાં આવી હતી તે અંગ્રેજી નવલકથા પૂરતી સર્વપ્રથમ નવીનતા હતી. એક વર્ષમાં તો તેની 8 આવૃત્તિ થઈ અને પ્રકાશકોએ 800 પાઉન્ડની રૉયલ્ટી બમણી કરી આપવા ઉપરાંત કૃતિહક (copyright) પણ લેખિકાને પરત કર્યો.
1860માં ‘ધ મિલ ઑન ધ ફ્લોસ’ 3 ગ્રંથોમાં પ્રગટ થઈ. તે ટોમ અને મેગી નામના ભાઈબહેનના ઉત્કટ સ્નેહની અમર કહાણી છે. એમાં પણ લેખિકાએ પોતાનાં બાળપણનાં વર્ષોનાં સંસ્મરણો ર્દશ્યો આલેખવાની શૈલી અપનાવી છે. શૈશવના આલેખનનો ઉત્તરાર્ધ અનન્ય આકર્ષણ અને રસ ધરાવે છે. સમગ્ર નવલકથાનાં ર્દશ્યોમાં મનોવૈજ્ઞાનિક વેધકતા તથા સૂક્ષ્મતાના નવા સ્તર નિરૂપાયા છે.
આ અરસામાં ઐતિહાસિક નવલકથાઓની સારી માંગ હતી. 1860માં ફ્લોરેન્સના પ્રવાસ દરમિયાન લૂઈએ સેવોનારોલાને વિષય બનાવી કથા લખવા સૂચન કર્યું. જ્યૉર્જ એલિયટે તેનો હોંશભેર સ્વીકાર કરી ‘રોમોલા’(1862-1863)ની કથામાંડણી શરૂ કરી. પણ તે પૂર્વે ‘સાઇલસ મારનર’ (1861) પ્રગટ કરી. એક વણકરના જીવનની તીવ્ર ધનલાલસાથી આરંભાતી અને દત્તક લીધેલી પુત્રી પ્રત્યેની અપાર મમતાના નિરૂપણમાં પરાકોટિ સર કરતી આ કથામાં લાઘવ અને આકૃતિક સૌષ્ઠવ સિદ્ધ થયાં હોવાથી તે તેમની સૌથી નામાંકિત કૃતિ બની રહી છે.
હવે લેખિકાને તેમની કૃતિઓમાંથી સારી આવક થવા લાગી હતી. ‘રોમોલા’ માટે 10,000 પાઉન્ડનો આકર્ષક પ્રસ્તાવ થવાથી, પોતાના કાયમી પ્રકાશક બ્લૅકવુડને બદલે ‘ધ કોર્નહિલ મૅગઝીન’માં આ નવલ હપતાવાર છપાવવાનું તેમણે સ્વીકાર્યું. અલબત્ત તંત્રીના આગ્રહ મુજબ એ નવલકથાના 16 હપતા કરવાનો સ્વીકાર કરવાને બદલે તેમણે 3,000 પાઉન્ડ ઓછા લેવાનું સ્વીકારી પોતાની સાહિત્યનિષ્ઠા પણ દાખવી. બ્રિટિશ મ્યુઝિયમમાં બેસીને તથા ફ્લોરેન્સ જઈને આ નવલકથાનાં સામગ્રી, સંનિવેશ તથા સંવાદ-છટા વિશે તેમણે ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો, પરંતુ આ અગાઉની અંગ્રેજી પરિવેશવાળી વાર્તાઓ-કથાઓની સ્વયંસ્ફુરિત રસવત્તાની આમાં ઊણપ દેખાઈ.
આ પછીની બે નવલકથામાં ઇંગ્લૅન્ડની ધરતી અને પાત્રસૃષ્ટિ તથા રિફૉર્મ બિલ અંગેના આંદોલનનો વિષય આલેખાયેલો છે. ‘ફેલિક્સ હૉલ્ટ, ધ રૅડિકલ’(1866)ના 3 ગ્રંથોમાં તેમણે 1832માં જોયેલાં ચૂંટણી રમખાણોની પ્રેરણા ઝીલી છે. અલબત્ત તેમનો મૂળભૂત આશય રાજકીય વિષયનિરૂપણનો નહિ પણ મિસિસ ટ્રાન્સમના કરુણતાસભર પાત્રચિત્રણનો છે અને એમાં તેમની શૈલીની એક યાદગાર સિદ્ધિ છે.
1871-1872માં 8 ભાગમાં પ્રગટ થયેલી ‘ધ મિડલમાર્ચ : એ સ્ટડી ઑવ્ પ્રૅવિન્શનલ લાઇફ’ તેમની શ્રેષ્ઠ રચના મનાય છે. તેમની પ્રૌઢ શૈલીની માવજત પામવાથી આ નવલકથા સામાન્ય સ્તરની મનોરંજક કથા મટીને ઉચ્ચ બૌદ્ધિક સ્તરની કલાકૃતિ બને છે. શિષ્ટથી માંડી તળપદા વર્ગનાં તમામ વ્યવસાયનાં પાત્રો આ કથાપટમાં આવરી લેવાયાં છે અને કથાતંતુના અનેકવિધ તાણાવાણા પરસ્પર ગૂંથી લઈને વિષય તથા પાત્રલક્ષી વિરોધ અને સામ્ય વ્યક્ત કરાયાં છે.
8 ભાગમાં પ્રગટ થયેલી તેમની છેલ્લી નવલકથા ‘ડેનિયલ ડેરૉન્ડા’ (1876)માં તે સાંપ્રત સમયની ઘટનાસૃષ્ટિ આલેખે છે. ગ્વેન ડૉલિનના પાત્રના માર્મિક પૃથક્કરણને લગતું આલેખન આ નવલકથાનો સર્વોત્તમ કથાભાગ ગણાય છે અને એમાં જ્યૉર્જ એલિયટે સિદ્ધિનું ઊંચું શિખર સર કર્યું છે એવો અનેક વિવેચકોનો મત છે.
25 વર્ષના લગ્નેતર સહવાસ પછી 1878માં લૂઈનું મૃત્યુ થયું. સ્પેન્સર દ્વારા પરિચય કરાવાયેલા જૉન વૉલ્ટર કૉસ સાથે તેમણે નિકટની મૈત્રી બાંધી હતી. તેમનો સ્થાયી સંગ-સહકાર મળી રહે એ હેતુથી 61 વર્ષે તેમણે 40 વર્ષના કૉસ સાથે 1880માં લગ્ન કર્યું અને 7 માસ પછી તેમનું અવસાન થયું.
તેમણે નવલકથાઓ ઉપરાંત કવિતા, બ્લૅન્કવર્સમાં રચાયેલું નાટક, ટૂંકી વાર્તાઓ, ભાષાંતર, નિબંધ, પત્ર-સાહિત્ય તથા પત્રકારત્વ જેવાં વિવિધ ક્ષેત્રોમાં કલમ ચલાવી છે, પરંતુ આધુનિક અંગ્રેજી નવલકથાની મનોવૈજ્ઞાનિક વિશ્લેષણની વિશિષ્ટતાનો આરંભ તેમનાથી થયો ગણાય છે.
સુરેશ શુક્લ