એલબુર્ઝ (Elburz) : ઉત્તર ઇરાનમાં આવેલી સમાંતર હારમાળાઓથી બનેલી પર્વતરચના. તે ‘એલબ્રુઝ’ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 36o 00’ ઉ. અ. અને 52o 00’ પૂ. રે.ની આજુબાજુ ચાપ આકારના સ્વરૂપમાં ઉત્તર ઈરાનથી પૂર્વ ઈરાન તરફ આશરે 1,030 કિમી વિસ્તારમાં પથરાયેલી છે. તેના પશ્ચિમ છેડાની પહોળાઈ 24 કિમી છે, જ્યારે તહેરાન પાસે તેની પહોળાઈ 120 કિમી. જેટલી છે. પશ્ચિમ તરફની આર્મેનિયન ગાંઠ તથા પૂર્વ તરફની પામીરની ગાંઠ અને હિંદુકુશ પર્વતો વચ્ચે આ પર્વતમાળા કડીરૂપ બની રહેલી છે. વળી તે શુષ્ક ઈરાની ઉચ્ચપ્રદેશની ઉત્તર કિનારી તથા સ્થાનભેદે 3થી 24 કિમી. પહોળા કાસ્પિયન-કિનારાના મેદાન વચ્ચે આવેલી છે. આલ્પ્સ અને હિમાલય પર્વતોની જેમ તે પણ તૃતીય જીવયુગના મધ્યકાળ દરમિયાન તત્કાલીન ટેથીસ મહાસાગર પર જામેલા કાંપજથ્થા પર થયેલા પ્રચંડ દાબ અને ગેડીકરણની અસરથી ઉદભવેલી છે.
આ હારમાળા ભવ્ય અને ઉન્નત દેખાય છે. અહીંનાં ઘણાં શિખરો 2,750 મીટરથી વધુ ઊંચાઈવાળાં છે, માઉન્ટ દેમવેન્ડ (મૃત જ્વાળામુખી) અહીંનું સર્વોચ્ચ શિખર છે. તેની ઊંચાઈ 5,604 મીટર જેટલી છે. આ શિખર ઈરાનના પાટનગર તહેરાનથી ઈશાનમાં આવેલું છે. કાસ્પિયન સમુદ્ર તરફના તેના ઉત્તર ઢોળાવો ભેજવાળા અને જંગલઆચ્છાદિત છે, જ્યારે ઉચ્ચપ્રદેશ તરફના દક્ષિણ ઢોળાવો સૂકા અને વેરાન છે. ઉત્તર તરફ વરસાદનું પ્રમાણ સારું રહે છે. આ પર્વતમાળામાંથી ઘણી નાની નાની નદીઓ નીકળે છે. આ પર્વતોના શિરોભાગ શિયાળામાં હિમાચ્છાદિત રહે છે, જ્યારે દેમવેન્ડ શિખર તો વર્ષભર હિમાચ્છાદિત રહે છે. પર્વતોમાંથી નીકળતી નદીઓ તથા ભૂગર્ભજળની ઉપલબ્ધિને કારણે તહેરાન અને નજીકનાં ગામડાં નભે છે.
આ પર્વતપ્રદેશમાં કોલસો તથા સોના-સીસા અને લોહનાં ખનિજો રહેલાં છે, પણ અહીં ખાણકાર્યનો વિકાસ થયેલો નથી. ક્વિઝિલ ઉઝુન નામની એકમાત્ર નદી અહીં જોવા મળે છે. તે મંજિલ ખાતે શાહ રૂડ નદીને મળે છે. ત્યાંથી સફિદ રૂડ નદી એલબુર્ઝને વીંધીને છેવટે કાસ્પિયન સમુદ્રને મળે છે. સડકમાર્ગો અને રેલમાર્ગ પણ હારમાળાને કાપીને નદીને સમાંતર ચાલ્યા જાય છે.
શિવપ્રસાદ રાજગોર