એલબ્રુસ પર્વત : યુરોપમાં આવેલો ઊંચામાં ઊંચો પર્વત. તે કૉકેસસ પર્વતમાળાના વાયવ્ય ભાગમાં 5,642 મીટરની ઊંચાઈએ આવેલો છે. તે જ્યૉર્જિયન પ્રજાસત્તાક(જ્યૉર્જિયા)માં ત્બિલિસીથી વાયવ્યમાં 241 કિમી. દૂર આવેલો છે. ભૌગોલિક સ્થાન : 43o 21’ ઉ. અ. અને 42o 26’ પૂ. રે. આ પર્વતમાંથી 20થી વધુ હિમનદીઓ નીકળે છે, જે આશરે 142 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આ પર્વત વિભાગમાંથી કુબન, મલ્કા અને બકસન નદીઓ નીકળે છે. વળી અહીંથી નીકળતા ગરમ પાણીના ઝરાઓમાં ખનિજદ્રવ્યો ભળેલાં મળે છે. અહીં મૃત જ્વાળામુખી પર્વતનાં બે શંકુ આકારનાં જ્વાળામુખો પણ છે. આ વિસ્તારને પર્વતારોહણ અને પ્રવાસન-કેન્દ્ર તથા રમતગમતના મથક તરીકે વિકસાવવામાં આવ્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ગિરીશભાઈ પંડ્યા