એર ઇન્ડિયા : આંતરરાષ્ટ્રીય વાયુપરિવહન સેવા આપતી ભારતની રાષ્ટ્રીય વાયુસેવા સંસ્થા. તા. 15-10-1932ના દિવસે તાતા જૂથે તેની સ્થાપના મુંબઈમાં કરી. સ્થાપના દિન પ્રસંગે તાતા જૂથના અગ્રણી જહાંગીર રતનજી તાતાએ આ દિવસે ‘પુસ મોથ’ નામના એકયાત્રી વિમાનમાં કરાંચીથી મુંબઈ સુધી એકલયાત્રા કરી. વચ્ચે તેમણે અમદાવાદમાં ઉતરાણ કર્યું. સંસ્થાનું નામ તાતા એરલાઇન્સ રખાયું.

ઍરોપ્લેન : પુસ મોથ – 1932

બીજા મહાયુદ્ધના અંતભાગે સંખ્યાબંધ વિમાનો ફાજલ પડતાં બીજા દેશોની જેમ ભારતમાં પણ સસ્તાં કાઢી નંખાયેલાં વિમાનો વસાવી સંખ્યાબંધ વાયુસેવા કંપનીઓ ઊભી થઈ. વાયુપરિવહનના નિયંત્રણની મોટી સમસ્યા થઈ. કેન્દ્રશાસનમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સ્થાપના કરીને વાયુપરિવહન સેવાનું નિયંત્રણ કરવા ઝડપી પગલાં લેવામાં બિલાડીના ટોપ જેમ ફૂટી નીકળેલી ક્ષમતા વિનાની કંપનીઓ ઝડપથી સમેટાઈ ગઈ.

પ્રવાસીઓને અહોનિશ આવકારવાની એર ઇન્ડિયાની તત્પરતા
સૂચવતા ‘વિનમ્ર મહારાજા’

તા. 29-7-1948ના દિવસે તાતા એરલાઇન્સનું એર ઇન્ડિયા લિ. નામે સાર્વજનિક કંપનીમાં રૂપાંતર કરાયું. વિમાનસેવાનું રાષ્ટ્રીયકરણ કરાયું. તા. 8-3-1948ના દિવસે એર ઇન્ડિયાના નામમાં ‘ઇન્ટરનૅશનલ’ શબ્દ જોડાયો, પણ પાછળથી તા. 8-7-1962ના દિવસે પડતો મુકાયો. 1953માં 1લી ઑગસ્ટે સરકારે એર ઇન્ડિયા લઈ લીધી. થોડાં વર્ષમાં બ્રિટનનું કોમેટ જેટ વિમાન લંડનના માર્ગે ઊડતું થયું. 1960માં 21મી ફેબ્રુઆરીના દિવસે અમેરિકી બોઇંગ 707 વિમાનો આવ્યાં.

પ્રારંભે એર ઇન્ડિયાએ લંડન સાથે અને પૂર્વ આફ્રિકા સાથે વાયુવ્યવહાર સાધ્યો. પણ, ઝડપથી તે વિશ્વની આંતરરાષ્ટ્રીય સ્તરની વાયુસેવા કંપની બની. હવે તેનાં વિમાનો વિશ્વના દરેક ખંડમાં સઘળાં મહત્ત્વનાં સ્થાનોને આવરી લે છે. દેશનાં 12 નગરોથી તે પરદેશોનાં 25 નગરો જોડે વાયુસેવા ધરાવે છે. આંતરરાષ્ટ્રીય જૂથ સહકાર યોજના હેઠળ એર ઇન્ડિયા જે 18 સ્થળો સાથે વાયુવ્યવહાર ધરાવે છે, તેમાં 8 સાથે તેના પોતાના સ્વતંત્ર વ્યવહાર છે. એર ઇન્ડિયા પાસે 20 મોટાં વિમાનો છે. તેમાં ચાર બી 747-200, બે બી 747-300, છ બી 747-400 અને આઠ એ 310-300 વિમાનો છે. ઉપરાંત, એક બી 747-400 અને નવ એ 310-300 વિમાન બીજા પાસેથી ભાડે લઈને ફેરવે છે. આ રીતે વધારે વિમાનો ભાડે લઈને વધુ માર્ગો ઉપર ઉડાડવાની યોજના છે. વર્ષ 2002-03માં તેણે નિયત વાયુમાર્ગો ઉપર 33 લાખ ઉતારુઓનું વહન કર્યું.

ઍરોપ્લેન : બોઇંગ – 747

એર ઇન્ડિયાની વિશેષ કામગીરી આપાતકાલમાં જોવા મળે છે. દા.ત., તા. 19-12-1988ના દિવસે અતિશય વિલંબના કારણે બોઇંગ 747-300 વિમાનના નોંધાયેલા યાત્રીઓએ બીજી વ્યવસ્થા કરી લેતાં મોડે મોડે સાવ ખાલી વિમાન મુંબઈ-લંડન માર્ગે ઊડ્યું. સૌથી મોટી આતંકવાદી દુર્ઘટનાનો ભોગ એર ઇન્ડિયાનું વિમાન બન્યું છે. તા. 23-6-1985ના દિવસે વિમાનમાં બૉંબ ફૂટતાં તે આયર્લૅન્ડ નિકટના ઍટલાન્ટિક મહાસાગરમાં તૂટી પડતાં તેમાંના બધા – 329 માણસોનાં મરણ થયાં. તો આની સામે વિમાનો દ્વારા સૌથી મોટું રક્ષાકાર્ય કરવાનો વિશ્વવિક્રમ પણ એર ઇન્ડિયાનો છે. 1991ના જાન્યુઆરીના 42 દિવસના કુવૈત યુદ્ધ પૂર્વે ઑગસ્ટ 1990માં અખાતી પ્રદેશોમાં અટવાયેલા 1,11,711 ભારતીય નાગરિકોને વણરોક 488 ઉડ્ડયનો કરીને એર ઇન્ડિયાએ સુરક્ષિત સ્વદેશ પાછા આણ્યા. તેમાં મોટાભાગના કેરળના મુસલમાનો હતા. વિશ્વમાં સૌથી વધારે 700 વિમાનોનો કાફલો અમેરિકાની અમેરિકન એરલાઇન્સ ધરાવે છે.

પ્રકાશ રામચંદ્ર