એયર એ. જે. (જ. 10 ઑક્ટોબર 1910, લંડન; અ. 27 જૂન 1989, લંડન, યુ. કે.) : અંગ્રેજ ફિલસૂફ. 1929માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં તેમણે પ્રવેશ મેળવ્યો. 1932માં તેઓ સ્નાતક થયા. સુવિખ્યાત ફિલસૂફ ગિલબર્ટ રાઇલ ઑક્સફર્ડમાં તેમના ટ્યૂટર હતા. ઑક્સફર્ડમાં ગિલબર્ટ રાઇલ, તથા એ. એચ. પ્રાઇસ અને આર. જી. કોલિંગવૂડના વિચારોથી એયર ખૂબ પ્રભાવિત થયા હતા.

ગિલબર્ટ રાઇલે વિટ્ગેન્સ્ટાઇનના પુસ્તક ‘ટ્રેક્ટેટસ લૉજિકો ફિલૉસૉફિક્સ’ (1921) પ્રત્યે એયરનું ધ્યાન દોર્યું હતું. વીસમી સદીના ત્રીજા દાયકામાં વિયેનામાં ‘તાર્કિક પ્રત્યક્ષવાદ’ તરીકે ઓળખાતા વિચાર-આંદોલનનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. આ અભિગમના પ્રવર્તક જૂથને ‘વિયેના સર્કલ’ તરીકે ઓળખવામાં આવતું હતું. ગિલબર્ટ રાઇલે એયરને સૂચવ્યું કે એયરે વિયેના જઈને વિયેના સર્કલની ચિંતન-પ્રવૃત્તિનો પ્રત્યક્ષ પરિચય કરવો અને ઇંગ્લૅન્ડમાં પાછા ફરીને ફિલસૂફોનાં વર્તુળોમાં આ નવા અભિગમનો પરિચય કરાવવો. એયરે રાઇલનું આ સૂચન સ્વીકારી લીધું. તેમનો ભલામણપત્ર લઈને એયર 1932માં વિયેના સર્કલના નેતા મૉરિત્ઝ શ્લીકને મળ્યા. શ્લીકે તેમને આ જૂથની બેઠકોમાં હાજરી આપવાનું આમંત્રણ આપ્યું. એ જૂથમાં અમેરિકન ફિલસૂફ ક્વાઇન સિવાય બીજા કોઈ વિદેશી અધ્યાપકોને આમંત્રણ મળ્યું ન હતું. તેથી એયર માટે આ પ્રકારનું આમંત્રણ ખૂબ જ પ્રોત્સાહક હતું. એયરનો પોતાનો અભિગમ તત્વચિંતનને વિશ્લેષણ-પ્રવૃત્તિ તરીકે ઘટાવવાનો હતો. તે પોતે હ્યૂમ અને વિટ્ગેન્સ્ટાઇનથી પ્રભાવિત થયા હતા અને તેથી તેમનો પોતાનો અભિગમ વિટ્ગેન્સ્ટાઇનના ‘ટ્રેક્ટેટસ’થી વધુ ર્દઢ થયો હતો. વિટ્ગેન્સ્ટાઇનનું ‘ટ્રેક્ટેટસ’ વિયેના સર્કલના સભ્યો માટે પણ આધારરૂપ પુસ્તક હતું. તેથી એયરને તાર્કિક પ્રત્યક્ષવાદી અભિગમ અપનાવવામાં વધુ પ્રોત્સાહન મળ્યું. એયરને જ્ઞાનમીમાંસાના પ્રશ્ર્નોમાં રસ હતો. ખાસ કરીને ભૌતિક વસ્તુઓ વિશેનાં વિધાનોનું વિશ્લેષણ વ્યક્તિની સંવેદન-સામગ્રીને લગતાં વિધાનોમાં કરી શકાય તેવો રસેલ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના અન્ય ફિલસૂફોના મત એયરને સ્વીકાર્ય જણાયો હતો અને વિયેના સર્કલમાં પણ આ મતના સમર્થકો ઘણા હતા. એયરના તત્વચિંતનને ઘડવામાં હ્યૂમ, રસેલ, જી. ઈ. મૂર અને વિટ્ગેન્સ્ટાઇનના વિચારોએ મહત્વનો ભાગ ભજવ્યો હોવાથી અને તાર્કિક પ્રત્યક્ષવાદીઓ પણ એ જ પરંપરાને અનુસર્યા હોવાથી, એયરને માટે તાર્કિક પ્રત્યક્ષવાદ પરત્વેની બૌદ્ધિક પ્રતિબદ્ધતા કેળવવાનું ખૂબ સરળ બની ગયું. પરંપરાગત તત્વમીમાંસાનું વિસર્જન કરવાનું તેમજ તત્વચિંતનને વધુ વિજ્ઞાનાભિમુખ બનાવવાનું તાર્કિક પ્રત્યક્ષવાદીઓનું એલાન એયરને પોતાના અભિગમ સાથે સુસંગત જણાયું હતું.

એયરે વિયેનાથી પાછા આવીને 1933માં રસેલ, વિટ્ગેન્સ્ટાઇન અને કારનાપ ઉપર વ્યાખ્યાનો આપ્યાં. બર્મિંગહામમાં ‘માઇન્ડ ઍસોસિયેશન’ અને ‘એરિસ્ટોટેલિયન સોસાયટી’ની સંયુક્ત બેઠકોમાં એયરે હાજરી આપી. આ બેઠકોમાં એયરે પરંપરાગત તત્વમીમાંસા સામે પોતાના ઉગ્ર પ્રહારો ચાલુ રાખ્યા.

એયરે ચોવીસ વર્ષની વયે જ સુવિખ્યાત પુસ્તક ‘લૅંગ્વેઝ, ટ્રુથ ઍન્ડ લૉજિક’ પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકમાં તેમણે વિયેનામાં પ્રસ્થાપિત તાર્કિક પ્રત્યક્ષવાદના તમામ મુખ્ય દાવાઓને અત્યંત સ્પષ્ટ અને ઉગ્ર સ્વરૂપમાં રજૂ કર્યા હતા. આ પુસ્તકની બીજી આવૃત્તિ 1946માં થઈ. તેના સ્પૅનિશ, હંગેરિયન, સ્વીડિશ, જાપાનિઝ, ફ્રેન્ચ, જર્મન, ડચ, કોરિયન, હિન્દી અને મરાઠીમાં અનુવાદ થયા છે. અંગ્રેજી ભાષામાં તાર્કિક પ્રત્યક્ષવાદનો સર્વાંગી પરિચય કરાવતું આ પુસ્તક ઘણું વિવાદાસ્પદ પણ બન્યું; કારણ કે તત્વમીમાંસા, નીતિમીમાંસા, ધર્મમીમાંસા વગેરેનાં વિધાનો સંપૂર્ણ રીતે અર્થવિહીન છે અને તમામ સંશ્લેષક વિધાનોની અર્થમયતા તેમની ચકાસણીક્ષમતામાં રહેલી છે તેવો આ પુસ્તકનો દાવો હતો; તેને પરિણામે ‘ઈશ્વર’, ‘આત્મા’, ‘નિરપેક્ષ શ્રેય’ વગેરે સંકલ્પનાઓનું એક ઝાટકે વિસર્જન થઈ જાય તેવી ચિંતન-રીતિ પ્રસ્થાપિત થતી હતી, જે ઘણાને અસ્વીકાર્ય લાગી હતી. 1940માં એયરે ‘ધ, ફાઉન્ડેશન્સ ઑવ્ એમ્પિરિકલ નૉલેજ’  એ પુસ્તક પ્રકાશિત કર્યું. તેમાં તેમણે બાહ્ય જગતના પદાર્થોના જ્ઞાનની સમસ્યા પસંદ કરી અને ભૌતિક પદાર્થો વિશેનાં વિધાનોનું વ્યક્તિની સંવેદનભાષામાં કેવી રીતે વિશ્લેષણ કરી શકાય તે દર્શાવવાનો પ્રયત્ન કર્યો.

બીજા વિશ્વયુદ્ધમાં એયરે ‘વેલ્સ-ગાર્ડ્ઝ’માં સેવા આપી હતી. સેન્ડહર્સ્ટમાં તેમણે લશ્કરી તાલીમ લીધી હતી. સપ્ટેમ્બર, 1943માં તેમને કૅપ્ટનના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી. લશ્કરી સેવાઓમાં એયરે ફ્રાંસમાં પણ વિવિધ કક્ષાએ કામગીરી બજાવી હતી. એયર, કામૂના સાહિત્યથી પ્રભાવિત થયા હતા. સાર્ત્રના ‘બીઇંગ ઍન્ડ નથિંગનેસ’ એ ગ્રંથ કરતાં એયરની ર્દષ્ટિએ કામૂનો નિબંધ ‘મિથ ઑવ્ સિફિફસ’ વધારે પ્રતીતિકારક હતો. જોકે એયરે ‘હોરાઇઝન’માં પ્રસિદ્ધ કરેલા લેખમાં દર્શાવ્યું કે અસ્તિત્વવાદ એ તો ‘હોવું’ ક્રિયાપદનો દુરુપયોગ કરવાની એક કળા છે અને તત્વચિંતનની ર્દષ્ટિએ તેમાં કશું તથ્ય નથી. એયરની આ સમીક્ષાથી સાર્ત્ર ખૂબ નારાજ થયા. એયર અને સાર્ત્રની મુલાકાત યોજવાનો ઓલિવર ટૉડે જે પ્રયત્ન કર્યો તે આ કારણે નિષ્ફળ ગયો. સાર્ત્રના તે સમયના મિત્ર મોરિસ માર્લો પૉન્તી પ્રતિભાસમીમાંસક (phenomenologist) હતા અને તેમને પ્રત્યક્ષીકરણના વિષયમાં સક્રિય અભિરુચિ હતી. એયરને પણ પ્રત્યક્ષીકરણની સમસ્યામાં જ્ઞાનમીમાંસાની ર્દષ્ટિએ રસ હોવાથી તેમણે પોન્તીના અભિગમમાં રસ લીધો. પરંતુ એયર જે બ્રિટિશ પરંપરામાં કામ કરતા હતા તેની સાથે પૉન્તીના પ્રતિભાસમીમાંસાકીય અભિગમનો મેળ બેસે તેમ ન હોવાથી તેમની વચ્ચે યોજાતી બેઠકોમાં આ વિષય ઉપરની ચર્ચામાં આ પ્રશ્નનો ઉકેલ ન આવ્યો અને તેમની વચ્ચે માત્ર સામાજિક મૈત્રી જ ચાલુ રહી શકી.

1946થી 1959 સુધી એયરે લંડન યુનિવર્સિટીમાં ‘ગ્રોટ પ્રોફેસર ઑવ્ માઇન્ડ ઍન્ડ લૉજિક’ તરીકે સેવા આપી. 1959થી 1978 સુધી તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર ઑવ્ લૉજિક તરીકે સેવાઓ આપી. 1978 પછી ‘યુનિવર્સિટી ઑવ્ સૂરી’માં ‘મુલાકાતી અધ્યાપક’ તરીકે સેવાઓ આપવાનું શરૂ કર્યું. એયરનાં મહત્વનાં અન્ય પુસ્તકોમાં ‘ધ પ્રૉબ્લેમ ઑવ્ નૉલેજ’ (1956), ‘ધ કૉન્સેપ્ટ ઑવ્ પર્સન ઍન્ડ અધર એસેઝ’ (1963), ‘ધ ઓરિજિન્સ ઑવ્ પ્રૅગ્મેટિઝમ’ (1968), ‘મેટાફિઝિક્સ ઍન્ડ કૉમન સેન્સ’ (1969), ‘રસેલ’ (1972) અને ‘ફ્રીડમ ઍન્ડ મૉરાલિટી’(1984)નો સમાવેશ થાય છે. તેમની આત્મકથા ‘પાર્ટ ઑવ્ માઇ લાઇફ’ (1977) અને ‘મૉર ઑવ્ માઇ લાઇફ’(1984)માં અંગ્રેજ ફિલસૂફીનો 1930થી 1960નો સંદર્ભ ખૂબ જ રસમય સંસ્મરણો સાથે સ્પષ્ટ કરવામાં આવ્યો છે. સમકાલીન અંગ્રેજી ફિલસૂફોના વિચારો કે વાદો કેવી રીતે ઘડાયા અને પરિવર્તન પામ્યા તેની કેટલીક અંગત વિગતો આત્મકથાના આ બે ગ્રંથોમાંથી જાણવા મળે છે. એયરનાં પુસ્તકો, ‘ધ સેન્ટ્રલ ક્વેશ્ચન્સ ઑવ્ ફિલૉસૉફી’ (1973) અને ‘ફિલૉસૉફી ઇન ધ ટ્વેન્ટિયેથ સેન્ચ્યુરી’ છેલ્લા બે દાયકામાં પ્રસિદ્ધ થયેલાં આ વિષયનાં પુસ્તકોમાં નોંધપાત્ર ગણાયાં છે. બર્ટ્રેન્ડ રસેલે 1912માં ‘પ્રૉબ્લેમ્સ ઑવ્ ફિલૉસૉફી’ પ્રસિદ્ધ કર્યું હતું. તે જ દિશામાં ‘ધ સેન્ટ્રલ ક્વેશ્ચન્સ ઑવ્ ફિલૉસૉફી’ આગળ વધે છે. તેમાં તાત્વિક વિશ્લેષણ, પ્રત્યક્ષીકરણની સમસ્યા, તર્કશાસ્ત્ર અને ધર્મમીમાંસાની બ્રિટિશ અનુભવવાદી પરંપરાની રીતે છણાવટ કરવામાં આવી છે. તાર્કિક પ્રત્યક્ષવાદના કેટલાક દાવા એયરે પોતે જ પડતા મૂક્યા હોવા છતાં તેમણે વિશાળ અર્થમાં હ્યૂમ તથા મિલ-રસેલની અનુભવવાદી પરંપરાને અનુસરવાનું ચાલુ રાખ્યું છે.

એયર પ્રતિભાસમીમાંસા, અસ્તિત્વવાદ અને માર્કસવાદનો અસ્વીકાર કરે છે. તેમની ર્દષ્ટિએ ઈશ્વરના અસ્તિત્વની સાબિતીઓ ખામીવાળી છે. ધર્મ કે શ્રદ્ધા નૈતિકતા માટે જરૂરી નથી તેવું એયર માને છે. સ્વતત્વ(self)ને દ્રવ્ય કે અલૌકિક પદાર્થ તરીકે સ્વીકારવા એયર તૈયાર નથી. જોકે માનસિક ક્રિયાઓને શારીરિક વર્તન સાથે કે મગજની ક્રિયાઓ સાથે એકરૂપ ગણવાનો ભૌતિકવાદી અભિગમ પણ તેમને માન્ય નથી.

કાર્લ કોપર અને બર્ટ્રેન્ડ રસેલની જેમ એયર પણ સામાન્ય ભાષાલક્ષી તત્વજ્ઞાનને મહત્વ આપતા નથી. વિટ્ગેન્સ્ટાઇનની ઉત્તરકાલીન કૃતિઓને તેમજ ઑસ્ટિનની ભાષાવિશ્લેષણશૈલીને અનુસરતા સામાન્ય ભાષાના તત્વજ્ઞાનને એયર અપ્રસ્તુત ગણે છે. તત્વજ્ઞાનની સમસ્યા જ્ઞાન-વિજ્ઞાનના તાર્કિક સ્વરૂપની સમસ્યાઓ તરીકે ઘટાવી શકાય તેવો એયરનો આગ્રહ છે. ફિલસૂફી વિજ્ઞાન સાથે સંલગ્ન થાય અને ધર્મમીમાંસા કે નીતિમીમાંસાથી તેનો વિચ્છેદ થાય તો અને તો જ તેની પ્રગતિ થઈ શકે તેમ એયર ર્દઢ રીતે માને છે. વીસમી સદીના બ્રિટિશ તત્વજ્ઞાનને તે દિશા તરફ દોરી જવામાં રસેલનું, મૂરનું, વિટ્ગેન્સ્ટાઇનના ‘ટ્રેક્ટેટસ’નું અને ‘તાર્કિક’ પ્રત્યક્ષવાદીઓનું પ્રદાન મૂલ્યવાન છે તેવું એયર દર્શાવે છે.

મધુસૂદન બક્ષી