એરેલિયા : દ્વિદળી વર્ગમાં આવેલા એરેલિયેસી કુળની એક સુગંધિત, શાકીય, ક્ષુપ કે નાનું વૃક્ષસ્વરૂપ ધરાવતી પ્રજાતિ. તેનું વિતરણ એશિયા, ઑસ્ટ્રેલિયા અને ઉત્તર અમેરિકામાં થયેલું છે. પનાલી (Panax) અને Hedera તેના સહસભ્યો છે. ભારતમાં તેની છ જાતિઓ થાય છે. કેટલીક જાતિઓનો શોભન-વનસ્પતિઓ તરીકે પ્રવેશ કરાવવામાં આવ્યો છે.
એરેલિયા જટિલ પ્રજાતિ હોવાથી તેની કેટલીક જાતિઓને Acanthopanax, Brassaiopsis, Dizygotheca, Fatsia, Heptapleurum, Macropanax, Orieopanax, Panax, Polyscias, Pseudopanax, Schefflera અને Tetrapanax જેવી પ્રજાતિઓમાં સમાવવામાં આવી છે. તે પૈકી Acanthopanax, Brassaiopsis, Macropanax, Panax, Polyscias, Schefflera અને Tetrapanax ભારતમાં નોંધાયેલી છે. આ પ્રજાતિઓના વાનસ્પતિક સંબંધો નક્કી કરવા મુશ્કેલ છે, કારણ કે તેઓ ક્વચિત જ પુષ્પનિર્માણ કરે છે અને વિકૃતિ ઝડપથી પામે છે.
તે સંયુક્ત, એકાંતરિક અને ચળકતાં પર્ણો ધરાવે છે. આ પર્ણો ખરી પડતાં હોય છે. ગાંઠવાળા દંડ ઉપર છત્રાકારે નાનાં પુષ્પો ગોઠવાયેલાં હોય છે. નીચા અથવા મધ્યમ ઊંચાઈના આકર્ષક પર્ણોવાળા આ છોડ કૂંડામાં કે ક્યારીમાં સારી રીતે ઉછેરી શકાય છે. લીલાં, પીળાં કે બહુવર્ણી ગોળાકાર પર્ણોમાં શિરાઓ ખૂબ જ ઊપસેલી હોય છે. તે રેતાળ-ગોરાડુ મૃદામાં થાય છે અને તેને તીવ્ર સૂર્યપ્રકાશથી રક્ષણ આપવું જરૂરી છે. તેનું પ્રસર્જન કટકારોપણ કે દાબપદ્ધતિએથી થાય છે. બીજ દ્વારા ભાગ્યે જ પ્રસર્જન કરવામાં આવે છે. કેટલીક જાતિઓનો શાકભાજી તરીકે અને પીણાં બનાવવામાં ઉપયોગ થાય છે. ખૂબ ઓછી જાતિ ઔષધ-ગુણધર્મો ધરાવે છે.
A. cachemirica Decne. (કાશ્મીર – ખોરી, પંજાબ – બનખોર) 1-3 પિચ્છાકાર (pinnate) સંયુક્ત પર્ણો ધરાવતી ક્ષુપ-જાતિ છે અને કાશ્મીરથી સિક્કિમમાં 2,100 મી.થી 4,000 મી.ની ઊંચાઈએ થાય છે. તેનાં પુષ્પો સફેદ કે પીળાશ પડતાં સફેદ હોય છે. તે બકરીઓના ચારા તરીકે ઉપયોગી છે અને સિટોસ્ટૅરોલ ધરાવે છે. A. clegantssima L. સુંદર, નયનરમ્ય અને સુરુચિપોષક જાતિ છે અને તેનો પ્રવેશ ચીન, જાપાન અને પડોશી દેશોમાંથી ભારતમાં થયો છે. A. vueitechii Decne. ઉપરની બાજુએ ચળકતાં લીલાં અને નીચેની બાજુએ રાતાં પર્ણો ધરાવે છે. પર્ણિકાઓ પ્રસરતી સફેદ શિરાઓને કારણે સુંદર લાગે છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ