એરેનબર્ગ ઇલિયા ગ્રિગૉર્યેવિચ

January, 2004

એરેનબર્ગ, ઇલિયા ગ્રિગૉર્યેવિચ (જ. 27 જાન્યુઆરી 1891, ક્રિયેવ; અ. 31 ઑગસ્ટ 1967, મૉસ્કો) : વિપુલ સાહિત્યના રશિયન સર્જક, નાટ્યકાર અને પત્રકાર, પાશ્ચાત્ય વિશ્ર્વમાં સોવિયેત નીતિના અસરકારક સમર્થક અને પ્રવક્તા. મધ્યમ વર્ગના યહૂદી કુટુમ્બમાં જન્મ. બાળપણમાં તેમના કુટુંબ સાથે મૉસ્કો આવ્યા. યુવાનીમાં ક્રાન્તિકારી જૂથો સાથે કામગીરી. યૌવનકાળમાં જેલવાસ ભોગવવો પડેલો. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન પત્રકાર તરીકે યુદ્ધમેદાનનો અનુભવ કરી 1917માં રશિયા પરત. 1917થી 1921નાં વર્ષોમાં યુક્રેઇનના આંતરવિગ્રહમાં સંડોવાયેલા. તેઓ બૉલ્શેવિકોના પક્ષે સક્રિય હતા. વીસમી સદીના ત્રીજા અને ચોથા દાયકામાં તેઓ પૅરિસમાં સોવિયેત વર્તમાનપત્રોના ખબરપત્રી હતા. ફ્રાંસ, બેલ્જિયમ, જર્મની વગેરે દેશોનો તેમણે પ્રવાસ કર્યો હતો. 1922માં તેમની પ્રથમ નવલકથા પ્રસિદ્ધ થઈ. તેનો અંગ્રેજી અનુવાદ 1930માં ‘ધી એક્સ્ટ્રાઑર્ડિનરી ઍડવેન્ચર્સ ઑવ્ જુલિયો જુરિનેટો ઍન્ડ હિઝ ડિસાઇપલ્સ’ નામે પ્રસિદ્ધ થયો. આ નવલકથા દાર્શનિક વલણવાળી અને કટાક્ષપ્રધાન હતી. તેમને દેશનિકાલ કરેલા, પણ 1924થી તેમનું વલણ બદલાતાં તેમને સોવિયેત યુનિયનમાં પાછા ફરવાની મંજૂરી મળેલી. ‘ધ ફૉલ ઑવ્ પૅરિસ’ (1943) પશ્ચિમના દેશો વિરુદ્ધની નવલકથા છે. તે માટે તેમને સ્ટાલિન પારિતોષિકથી નવાજવામાં આવેલા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે ‘પ્રવદા’ અને ‘રેડ સ્ટાર’માં જર્મનો વિરુદ્ધ પ્રચારલેખો લખીને સોવિયેત સંઘમાં ખ્યાતિ પામ્યા. આ પ્રવૃત્તિને કારણે તેમને સ્ટાલિનનું રક્ષણ મળ્યું. 1953માં સ્ટાલિનનું મૃત્યુ થયું. 1954માં તેમની સ્ટાલિનવાદ અને ખાસ કરીને ઝાદાનૉવના અમલ વિરુદ્ધ ટીકા કરતી નવલકથા ‘ઓટપેલ’ (અંગ્રેજી અનુ. ‘ધ થૉ’, 1955) પ્રગટ થઈ. ‘થૉ’નો અર્થ છે : વસંત બેસતાં પીગળતો જતો, પકડ ઢીલી કરતો બરફ – તેવા ઉઘાડનો સમય. આમ સ્ટાલિનની તાનાશાહીનો અંત આવતાં સોવિયેત રશિયાનાં બારણાં વિદેશી સાહિત્ય, સંસ્કૃતિ અને વિચારો માટે ધીમે ધીમે ખૂલતાં ગયાં. તેમની અન્ય કૃતિઓમાં ‘ધ લવ ઑવ્ જિનને’, ‘સમર ઑવ્ 1925’, ‘વ્હૉટ મૅન નીડ્ઝ’ વગેરે છે. તેમની છ ગ્રંથોમાં પ્રસરતી આત્મકથા ‘ગોદા, લ્યુદી, ઝિઝ’ [1960-64; અનુ. ‘યર્સ, પીપલ, લાઇફ’ (1962-66)] નામે પ્રસિદ્ધ થઈ હતી. તેમને વિશ્વશાંતિ માટેનું લેનિન પારિતોષિક અર્પણ થયું હતું.

દિગીશ મહેતા

સુરેશ શુક્લ