એરેત : હિમશિલાથી રચાતું એક ભૂમિસ્વરૂપ. હિમથી છવાયેલા ઊંચા પર્વતોના ઢોળાવોનું ધોવાણ અને ઘસારાથી હિમગુફા ‘સર્ક’ની રચના થાય છે. આવા બે ઢોળાવ ઉપર રચાતા સર્કને લીધે પર્વતનું શિખર ધોવાતાં, ધારદાર સાંકડી પથરાળ બે ઢોળાવને છૂટા પાડતી શિખરરેખા (ridge) રચાય છે, જેની રચના પિરામિડ જેવી થાય છે. આવી ટેકરીને (ફ્રેંચ ભાષામાં) ‘એરેત’ તરીકે ઓળખવામાં આવે છે. યુ.એસ.માં આવી એરેતરચનાને ‘કૉમ્બ રિજ’ (comb ridge) અને જર્મન ભાષામાં તેને ગ્રાટ (grat) તરીકે ઓળખવામાં આવે છે. ઘણા હિમાચ્છાદિત ઉચ્ચપ્રદેશમાં સર્કની રચનાઓ દ્વારા ધોવાણ અને ઘસારાથી પર્વતોમાં વચ્ચેના કેન્દ્રીય શિખરની ચારે તરફ સ્ટારફિશના આકારમાં એરેતની નવરચના થાય છે. યુરોપમાં સ્નોડોન અને હેલૂવેલિયન હિમશિલાઓ દ્વારા આવી રચનાના સુંદર નમૂના જોવા મળે છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં મેટરહૉર્ન પર્વત ઉપર રીફલ સરોવરની પાસે પણ આવી રચના જોવા મળે છે.

જ્યોતેન પ્ર. વ્યાસ