એરહાર્ડ, લુડવિગ (જ. 4 ફેબ્રુઆરી 1897, ફર્થ, જર્મની; અ. 5 મે 1977, બૉન) : જર્મનીના અર્થશાસ્ત્રી અને મુત્સદ્દી. ફ્રૅંકફર્ટ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડૉક્ટર ઑવ્ ફિલૉસૉફી(Ph.D.)ની ઉપાધિ. 1939 સુધી ન્યુરેમ્બર્ગ ખાતે માર્કેટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું સંચાલન કર્યું. નાઝી લેબર ફ્રન્ટમાં જોડાવાનો ઇન્કાર કરતાં તેમને 1992માં બરતરફ કરવામાં આવ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકન લશ્કરી શાસકોએ 1945માં એરહાર્ડની બવેરિયાના આર્થિક મંત્રી તરીકે નિમણૂક કરી. 1947માં બ્રિટિશ તથા અમેરિકન સંયુક્ત લશ્કરી પાંખે તેમની બન્ને ઝોનમાં આર્થિક સલાહકાર તરીકે નિમણૂક કરી. 1949માં થયેલી પ્રથમ સમવાયતંત્રી ચૂંટણી પછી ડૉ. કોન્રૅડ ઍડેનોરના મંત્રીમંડળમાં તેઓ આર્થિક બાબતોના મંત્રી બન્યા (1949-63). 1957માં પશ્ચિમ જર્મનીના વાઇસ ચાન્સેલર તરીકે ચૂંટાયા. 1663-66 દરમિયાન તે પશ્ચિમ જર્મનીના ચાન્સેલર હતા. 1966-1967માં તેમને ક્રિશ્ચિયન ડેમૉક્રેટિક પક્ષના માનાર્હ ચૅરમૅનનું પદ બક્ષવામાં આવ્યું. સપ્ટેમ્બર, 1958માં આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ તથા વિશ્વબૅંકની સભાઓમાં પોતાના દેશના પ્રતિનિધિમંડળના નેતા તરીકે તેમણે ભારતની મુલાકાત લીધી.
આર્થિક વિચારસરણીમાં તેઓ સ્વૈરવિહાર (laissez-faire) તથા મુક્ત સ્પર્ધાના હિમાયતી હતા. યુદ્ધોત્તર જર્મનીમાં ચીજવસ્તુઓની તીવ્ર અછત હોવા છતાં તેમણે 1948માં માપબંધી તથા કિંમતો પરના અંકુશો નાબૂદ કરી મુક્ત બજાર અર્થતંત્રની દિશામાં લઈ જવામાં સાહસિક પ્રયોગ કર્યો. મુક્ત સ્પર્ધા દ્વારા જ પ્રગતિ અને સમૃદ્ધિ હાંસલ કરી શકાય અને તેમાં જ સમાજનું કલ્યાણ સાધવા અંગેની સમસ્યાનો ઉકેલ રહેલો છે તેવી તેમની ર્દઢ શ્રદ્ધા હતી; જે સમય દરમિયાન વિશ્વના કેટલાક વિસ્તારોમાં ફુગાવાનાં વલણો તીવ્ર થતાં હતાં તે જ અરસામાં પશ્ચિમ જર્મનીએ જે આશ્ચર્યકારક આર્થિક સ્થિરતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી તેનો જશ એરહાર્ડની આર્થિક સૂઝ તથા વહીવટી કુશળતાને ફાળે જાય છે. વિશ્વના વિકાસશીલ દેશોની જરૂરિયાતો અને સમસ્યાઓ પ્રત્યે તે સહાનુભૂતિ ધરાવતા હતા. વળી તેમણે દેશના ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વડા તરીકે પણ કામગીરી બજાવી હતી.
તેમનો ગ્રંથ ‘પ્રોસ્પેરિટી થ્રુ કોમ્પિટિશન’ પશ્ચિમ જર્મનીએ બીજા વિશ્વયુદ્ધ પછી અત્યંત ટૂંકા ગાળામાં (1945-58) હાંસલ કરેલી અદભુત આર્થિક સિદ્ધિનો પરિચય આપે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે