ઍર-માર્શલ : દેશના હવાઈ દળના ઉચ્ચ અધિકારીનું પદ અને હોદ્દો (rank). ઇંગ્લૅન્ડમાં એપ્રિલ, 1918માં રૉયલ ઍરફોર્સ(RAF)ની સ્થાપના થયા પછી હવાઈ દળમાં કમિશન મેળવીને દાખલ થતા અધિકારીઓ માટે ઑગસ્ટ 1919ના જાહેરનામા દ્વારા વિભિન્ન હોદ્દા નિર્ધારિત કરવામાં આવ્યા હતા. તેમાં ઍર-વાઇસ માર્શલ, ઍર-માર્શલ, ઍર-ચીફ માર્શલ તથા માર્શલ ઑવ્ ધ રૉયલ એરફૉર્સ ચઢતા ક્રમમાં આવતા હોદ્દા છે.

ભારતના હવાઈ દળમાં ઍર-વાઇસ માર્શલ, ઍર-માર્શલ તથા ઍર-ચીફ માર્શલ આ ત્રણ ઉચ્ચ કક્ષાના હોદ્દાઓ છે. ભારતના વિમાન દળના સર્વોચ્ચ અધિકારી ઍર-ચીફ માર્શલ ચીફ ઑવ્ ધી ઍર-સ્ટાફનું પદ ધરાવે છે. તેમની વડી કચેરી નવી દિલ્હી ખાતે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે