એરંડપલ્લ : એરંડપલ્લ કે એરંડપલ્લીની બાબતમાં વિદ્વાનોમાં મતભેદ છે. આંધ્રના ગંજમ જિલ્લાના ચિકકોલની પાસે આવેલું પ્રાચીન રાજ્ય. સમુદ્રગુપ્તના સમયના અલ્લાહાબાદ સ્તંભલેખમાં ઈ. સ.ની ચોથી સદીમાં દક્ષિણ ભારતના રાજાઓ પર તેણે મેળવેલા વિજયની જે વિગતો નોંધવામાં આવી છે તેમાં એરંડપલ્લના રાજા દમનનો ઉલ્લેખ છે.

કલિંગના રાજાઓના અભિલેખોમાં એરંડપલ્લી અને દેવરાષ્ટ્ર નામોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. કદાચ તે વિઝાગાપટ્ટમ્ જિલ્લામાં આવ્યું હશે. ગોદાવરીના ત્રિકોણ પ્રદેશમાં આવેલું પિથાપુરમ્ અને બીજાં સ્થાનો જેવાં કે કોટ્ટુર અને એરંડપલ્લ, દેવરાષ્ટ્ર અને વેંગીનું પુરાવસ્તુકીય અન્વેષણ કરવાનું હજુ બાકી છે.

યતીન્દ્ર દીક્ષિત