એમ. એ. બનાકે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી ? (1908)

January, 2004

એમ. એ. બનાકે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી ? (1908) : ગુજરાતી અને ઉર્દૂ તખ્તાના પ્રસિદ્ધ અભિનેતા અમૃત કેશવ નાયક(1877-1907)ની ‘ગુજરાતી’ સાપ્તાહિકમાં હપતે હપતે પ્રગટ થયેલી સામાજિક નવલકથા. તે ગુજરાતી પ્રેસ તરફથી ગ્રંથ-સ્વરૂપે પ્રસિદ્ધ થઈ હતી. તેને ઘણી લોકચાહના મળી હતી. પચાસ પ્રકરણોમાં વહેંચાયેલી આ નવલકથાનું કથાવસ્તુ શૈક્ષણિક અને સામાજિક હતાશા છે. તેનો નાયક માણેકચંદ લાહોરની સરકારી કૉલેજમાંથી એમ.એ. થયેલો છે. બી.એ.માં તેણે ગણિત અને એમ.એ.માં તત્વજ્ઞાન વિષય રાખેલો હતો. ડિગ્રીઓ મેળવવામાં તેણે ગરીબ કુટુંબનો પૈસો અને પોતાની જાતને બરબાદ કરી દીધી છે. આમ છતાં કોઈ જગ્યાએ નોકરી મળતી નથી. નવલકથાના પ્રથમ પ્રકરણમાં જ નોકરી માટે કરેલી અરજીઓના ઉત્તરોના ઉલ્લેખ દ્વારા શિક્ષિત બેકારોની અવદશાનું ચિત્ર આપેલું છે, જે નવલકથાના શીર્ષકને સાર્થક કરે છે.

આ નવલકથાની પાત્રસંખ્યા દશથી બારની છે. લેખકે દરેક પાત્રની સ્વભાવગત મર્યાદાઓ અને વિશિષ્ટતાઓનું વર્ણન કરેલું છે. એ સમયે જાપાનની ઔદ્યોગિક પ્રગતિ દુનિયાભરમાં નોંધપાત્ર બનેલી. તેથી આ નવલકથામાં ત્રણ પ્રકરણ જાપાનના ઇતિહાસને લગતાં ધરબી દેવાયાં છે. હિંદુ સમાજની સંયુક્ત કુટુંબપ્રથા, જ્ઞાતિપ્રથા, કૌટુંબિક રીતરિવાજો ઇત્યાદિનું વર્ણન કરીને લેખકે ભારતની તત્કાલીન દુર્દશાનું વાસ્તવિક ચિત્ર આલેખ્યું છે. આમ કરવા જતાં નવલકથાનો વાર્તાતંતુ સળંગ જળવાતો નથી.

લેખકની ભાષામાં ગુજરાતી ઉપરાંત હિંદી, ઉર્દૂ અને ફારસી ભાષાની છાંટ ધ્યાન ખેંચે છે. લેખક પોતે નાટ્યકળાના જાણકાર હોવાથી પાત્રોના સંવાદોમાં નાટ્યતત્વ જોવા મળે છે.

નવલકથાને પાને પાને ભારતને ઊંચે લાવવા માટેનો લેખકનો ઉત્સાહ વરતાય છે. ઉપસંહારમાં રાષ્ટ્રભાવના વ્યક્ત કરતાં તે ભારતવાસીને ગૌરવપૂર્વક ઉદબોધન કરે છે : ‘હે વીર નર ! મનમાં સાહસ રાખ અને અભિમાન ધરાવ કે તું એક ભારતવાસી છે. અભિમાનપૂર્વક એમ કહે કે હું એક ભારતવાસી છું ને પ્રત્યેક ભારતવાસી જન મારો સહોદર છે. પોકાર કરીને બોલ કે અજ્ઞાન ભારતવાસી, દીન ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી અને ભ્રષ્ટ ભારતવાસી સર્વ મારા બંધુ છે.’ આમ આ કૃતિ દેશદાઝથી ભરેલી જૂની શૈલીની બોધાત્મક સામાજિક નવલકથા છે. આ કૃતિનું પુનર્મુદ્રણ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા થયું છે.

ચીનુભાઈ નાયક