એમ. આઇ.-6 (military intelligence-6) : વિદેશી ગુપ્તચર પ્રવૃત્તિઓની માહિતી મેળવતી, તેનું વિશ્લેષણ કરતી તથા તેનું યથાયોગ્ય વિસ્તરણ કરતી બ્રિટિશ સરકારની ગુપ્તચર સંસ્થા. સોળમી સદીમાં રાણી ઇલિઝાબેથ – પ્રથમના સેક્રેટરી ઑવ્ સ્ટેટ સર ફ્રાન્સિસ વાલસિંઘામ દ્વારા ઊભી કરવામાં આવેલી ગુપ્તચર સંસ્થાનું આ અનુગામી સંગઠન છે. સ્થાપના પછીના ગાળામાં આ સંગઠન જુદા જુદા સ્વરૂપે કાર્યરત રહ્યું છે, પરંતુ 1912માં કમાન્ડર મૅન્સફીલ્ડ ક્યૂમિંગે તેને તેનું હાલનું સ્વરૂપ આપ્યું હતું. લશ્કરની ગુપ્તચર સેવાઓના માળખાના સેક્શન-6માં આ સંગઠન સામેલ કરવામાં આવેલું હોવાથી તે એમ.આઇ.-6ના નામથી ઓળખાય છે. વીસમી સદીના ચોથા અને પાંચમા દશકમાં આ સંગઠન વિશ્વની ગુપ્તચર સેવાઓમાં સૌથી વધારે અસરકારક નીવડ્યું હતું. જર્મનીમાં નાઝીવાદના ઉદયકાળ દરમિયાન આ સંગઠને યુરોપ, દક્ષિણ અમેરિકાના દેશો તથા એશિયા ખંડના ઘણા વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં ગુપ્તચર પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. અમેરિકાની સલામતી સેવાઓ માટે ગુપ્તચરોને તાલીમ આપવાનું કાર્ય આ સંગઠને કર્યું છે તથા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (C.I.A.) સાથે તે નિકટનો સંપર્ક રાખે છે. તે પોતાના દેશના વિદેશ ખાતાના સીધા નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે. દેશની સલામતીના હિતમાં કોઈ પણ બાબતની પૂર્વતપાસ તથા ચકાસણી (censor) કરવાની તે સત્તા ધરાવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે