એમ્માનેતી, બાતૉર્લૉમ્યો (જ. 18 જૂન 1511, ફ્લૉરેન્સ નજીક, સેત્તિન્યાનો, ઇટાલી; અ. 22 એપ્રિલ 1592, ફ્લૉરેન્સ, ઇટાલી) : રેનેસાંસ-શિલ્પી અને સ્થપતિ. ફ્લૉરેન્ટાઇન રેનેસાંસના વિકાસના અંતિમ તબક્કામાં એમ્માનેતીનું યોગદાન મહત્ત્વનું છે. કલાપુરસ્કર્તા મેદિચી પરિવારે તેમને આશ્રય આપેલો.
એમ્માનેતીની પ્રથમ રચના ફલૉરેન્સના પિયાત્ઝા દેલ્લા સિન્યૉરા ચોક માટેનો નેપ્ચૂન નામનો ફુવારો છે. સ્થપતિ જૅકોપો સેન્સોવિનો પાસે તેમનો વૅનિસમાં ‘સેન્સોવિયાના’ લાઇબ્રેરીના બાંધકામ દરમિયાન એના કાર્યસ્થળ પર જ તાલીમ લીધી. સ્થપતિ, કલાઇતિહાસકાર અને રેનેસાંસ-વ્યક્તિઓના જીવનકથાકાર જ્યૉર્જિયો વસારીની સલાહ માની પોપ જુલિયસ ત્રીજાએ 1550માં તેમને રોમ તેડાવ્યા.
પોપ જુલિયસ ત્રીજાના બંગલા ‘વિલા ગિયુલિયા’ના સર્જનમાં તેમણે સ્થપતિઓ જ્યૉર્જિયો વસારી અને જિયાકોમો દા વિન્યોલાને સહકાર આપ્યો.
મેદિચી પરિવારના કોસિયો દી મેદિચીએ 1555માં એમ્માનેતીને ફ્લોરેન્સ પાછા તેડાવ્યા. હવે તેમણે મેદિચી પરિવારની સેવામાં પોતાનું જીવન ગાળ્યું. માઇકલેન્જેલોએ અધૂરી મૂકેલી લૉરેન્શિયન લાઇબ્રેરીનું સર્જન તેમણે પૂરું કર્યું. એમ્માનેતીની શ્રેષ્ઠ રચના ફિલિપો બ્રૂનેલેસ્કીએ અધૂરો પડતો મૂકેલો ‘પેલેત્ઝો પીતી’ (Palazzo Pitti) મહેલ છે. મહેલના પ્રાંગણ અને ફસાદ(પ્રવેશદ્વાર સમાવતી મુખ્ય દીવાલ)ની રચના તેની છે. પ્લાસ્ટર વિનાની ખરબચડી સપાટી ધરાવતા પથ્થરો વડે તેમણે માત્ર નીચેના મજલા સમેત બધા મજલા બાંધી ખડતલ (Robust) અસર ઉપજાવી છે.
આ ઉપરાંત 1567થી 1569 દરમિયાન બાંધેલી ‘પોન્તે આ સાન્તા ગિનિતા’ પણ તેમની મહત્ત્વની કૃતિ છે. તેમની લાવણ્યમય કમાનો મકાનને ઋજુ સુંદરતા બક્ષે છે.
અમિતાભ મડિયા