એમોરાઇટ : ઈ. પૂ. 3000ની આસપાસ અરેબિયા, પેલેસ્ટાઇન અને સીરિયાના પ્રદેશની અર્ધભટકતી જાતિ. સુમેરિયન અક્કેડિયન સામ્રાજ્યની પડતીના સમયે આ પ્રજાએ આક્રમણ કરીને બૅબિલોન નગરમાં વસવાટ કર્યો. ઈ. પૂ. 2100માં હમુરાબી રાજાની નેતાગીરી હેઠળ પ્રથમ બૅબિલોનિયન સામ્રાજ્યની સ્થાપના કરી. ઈ. પૂ. સોળથી તેરમી સદી દરમિયાન હિટ્ટાઇટ નામની પ્રજાએ એમોરાઇટ લોકોને આ પ્રદેશમાંથી દૂર કર્યા હતા.
જ. જ. જોશી