ઍમૉસ (ઈ. પૂ. 750) : બાઇબલના જૂના કરાર અંતર્ગત લેખક અને પેગંબર. જેરૂસલેમની દક્ષિણે બાર માઈલના અંતરે આવેલ પ્રાચીન નગર ટિકોઆના વતની. સામાન્ય ભરવાડ કુટુંબમાં જન્મ. જુડાહના રાજા ઉજ્જિહના શાસન દરમિયાન એ નગરની પ્રગતિ થઈ હતી. ઍમૉસે પડોશના ધનાઢ્ય અને શક્તિશાળી ઇઝરાયલ રાજ્યની સફર કરી હતી. ઈ. પૂ. 750માં ત્યાંના બેથમ નગરમાં યોજાયેલ જેહોવાના ઉત્સવ પ્રસંગે તેમણે કેટલાક ધાર્મિક વિચારો વ્યક્ત કર્યા. તેથી લોકો આશ્ચર્યચકિત થયા હતા.

લોકોને બોધ આપતાં તેમણે કહ્યું હતું કે કુદરતનાં શક્તિશાળી પરિબળોના પ્રભાવે હિબ્રૂઓનો નાશ થયો હતો. તેમના ઉપદેશનો મુખ્ય વિચાર હતો : ‘ઈશ્વરીય આનંદ તો સાચી અને ન્યાયપૂર્વકની માનવની વર્તણૂકથી થાય છે.’

ઇઝરાયલના રાજ્યમાં એશઆરામી અમીરી અને ઘોર ગરીબી વચ્ચેનો તફાવત જોઈને ઍમૉસે સામાજિક ન્યાયની વાત કરી અને તેમ નહિ થાય તો દૈવી કોપ ઊતરી આવશે તેવી ભવિષ્યવાણી ઉચ્ચારી હતી. ઍમૉસનાં ઉચ્ચારણોમાં અંધકાર, દુષ્કાળ અને વિનાશકારી ભાવિનો ઉલ્લેખ હતો.

મંગુભાઈ રા. પટેલ