એમેનહોટેપ (16મી સદી) : પ્રાચીન ઇજિપ્તમાં 18મા રાજવંશમાં થઈ ગયેલા ચાર રાજાઓ.
પરાક્રમી યુદ્ધવીર એમેનહોટેપ પહેલો એ આમોસે(Ahmose)નો પુત્ર અને વારસ હતો. તેણે ઈ. પૂ. 1546થી 1526 સુધી રાજ્ય કર્યું. તેણે ઇજિપ્તના મધ્યરાજ્યની સરહદોથી પણ આગળ દક્ષિણ તરફ રાજ્યવિસ્તાર કર્યો. ઇજિપ્તની સમૃદ્ધિ વધી હતી. એમોન-રે રાજ્યદેવતા હતો, થીબ્સમાં પવિત્ર સ્મારકો રચાયાં, પિરામિડને સ્થાને ખડક કોતરી રાજાની કબર તૈયાર થવા લાગી, પશ્ચિમ થીબ્સમાં પ્રખ્યાત કબરોની ખીણ અસ્તિત્વમાં આવી અને રણવિસ્તારના છેડે શાહી સમાધિમંદિરો રચવામાં આવ્યાં.
પ્રખ્યાત યુદ્ધવીર એમેનહોટેપ દ્વિતીય થટમોસ ત્રીજાનો પુત્ર હતો. તેણે ઈ. પૂ. 1450થી 1425 સુધી રાજ્ય કર્યું. આ યુદ્ધવીર રાજાએ સીરિયામાં આવેલા કદેશ પાસેના પ્રદેશ ઉપર ચઢાઈ કરી. એમેનહોટેપે સાત રાજવીઓને ક્રૂર રીતે મારી નાંખ્યા. તેના રાજ્યઅમલના સાતમા અને નવમા વર્ષમાં તેણે એશિયાના પ્રદેશો ઉપર ચઢાઈઓ કરી અને સીરિયાના કદેશ સાથેના નગરો ઉપર ઇજિપ્તની સત્તા સ્થાપી દેવામાં આવી.
બાર વર્ષની ઉંમરે એમેનહોટેપ ત્રીજો ઈ. પૂ. 1417માં ગાદી ઉપર બેઠો અને ઈ. પૂ. 1379 સુધી તેણે રાજ્ય કર્યું. આ રાજા વિશાળ ઇમારતોના નિર્માતા તરીકે ખ્યાતનામ છે. રાજ્યઅમલના પાંચમા વર્ષે આ રાજાએ કુશાઈત રાજવીઓ ઉપર સારો વિજય પ્રાપ્ત કર્યો. દક્ષિણ ઇજિપ્તની સમૃદ્ધિ વધવાને કારણે આ રાજાએ સુદાનમાં અનેક મંદિરો બંધાવ્યાં. એશિયા સાથે શાંતિમય સંબંધો જાળવ્યા. તેના રાજ્યકાલમાં લશ્કરી માણસોએ દીવાની વહીવટી તંત્રમાં ઊંચા હોદ્દાઓ પ્રાપ્ત કર્યા. તેમાં લહિયો અને લશ્કરનો વડો હમુનો પુત્ર એમેનહોટેપ ખૂબ અસરકારક હતો, જે પાછળથી સંત તરીકે પ્રસિદ્ધ થયો. એમેનહોટેપે કનાર્કમાં એક વિશાળકાય મિનાર (Pylon) બાંધ્યો, ઓપેતના અમોન માટે લક્ષરમાં ભવ્ય નવું મંદિર બંધાવ્યું. પશ્ચિમ થીબ્સમાં આવેલું આ રાજાનું સમાધિ-મંદિર જેવું વિશાળ ભાગ્યે જ કોઈ મંદિર હશે. થીબ્સમાં નદીની પશ્ચિમ બાજુ ઉપર તેણે એક વિશાળ રાજમહેલ સંકુલ બંધાવ્યું. આ રાજા તેના દરેક રાજ્યાભિષેકદિનની ભવ્ય ઉજવણી કરતો. આ રાજાની પાછલી અવસ્થા માંદગીમાં પસાર થઈ. તેના રાજ્યઅમલના 38મા વર્ષે તે મૃત્યુ પામ્યો.
આદિત્યધર્મપ્રવર્તક એમેનહોટેપ ચતુર્થ (ઈ. પૂ. 1379થી 1362) બધા જ ઇજિપ્ત રાજાઓમાં સૌથી વધારે વિવાદાસ્પદ હતો. તેના રાજ્યાભિષેક પહેલાં તેનું લગ્ન નેફર્તિતિ સાથે થયું હતું. રાજ્યઅમલના પાંચમા વર્ષે તેણે ઇખ્નાટન નામ ધારણ કર્યું. કનાર્કમાં રે-હરખ્તિ દેવના માનમાં મંદિર બંધાવ્યું. બાજપક્ષીના મુખવાળા સૂર્યદેવને ઍટોન નામ આપ્યું અને સૌરબિંબની રચના કરી. કનાર્કના મહાન અમોન મંદિરની પૂર્વમાં ઍટોનનું એક વિશાળ મંદિર બાંધવામાં આવ્યું અને ઇખ્નાટનની વિશાળ મૂર્તિઓ રચી પોતાના આદ્ય દેવ તરીકે રજૂઆત કરી. મંદિરની દીવાલો ઉપર જન્મદિનની ઉજવણીનાં ર્દશ્યોમાં રાજા અને ઍટોનને સાથે દર્શાવવામાં આવ્યા છે. આ મંદિરની રચના સમયે અમોન અને બીજા દેવોની પૂજા ઇજિપ્તમાં બંધ કરી દેવામાં આવી અને ફક્ત ઍટોનની જ પૂજા કરવાનું પ્રજાને જણાવવામાં આવ્યું. આમ તેણે એક નવા આદિત્યધર્મની સ્થાપના કરી અને જૂના ધર્મપંથો બંધ કરાવી દીધા. મધ્ય ઇજિપ્તમાં તેલ એલ્-અમર્ના પાસે નવી સુયોજિત રાજધાની અખનાતન સ્થાપી; જેમાં ઍટોનનાં મંદિરો, રાજમહેલો, અધિકારીઓના આવાસો અને મજદૂરવર્ગ માટેનાં રહેઠાણો બનાવ્યાં. એમેનહોટેપ ચોથાનું સમાધિમંદિર થીબ્સમાં બાંધવામાં આવ્યું.
યતીન્દ્ર દીક્ષિત