ઍમરી, એલ. એસ. (જ. 22 નવેમ્બર 1873, ગોરખપુર; અ. 16 સપ્ટેમ્બર 1955, લંડન) : બ્રિટિશ રાજનીતિજ્ઞ, ‘સામ્રાજ્યને પસંદગી’ના હિમાયતી તથા જકાત-સુધારણાના પુરસ્કર્તા. પિતા ભારત સરકારની જાહેર સેવામાં હતા. શિક્ષણ હૅરો તથા ઑક્સફર્ડમાં. 1899-1909ના ગાળામાં ઇંગ્લૅન્ડના ‘ટાઇમ્સ’ વૃત્તપત્ર સાથે જોડાયેલા. શરૂઆતમાં એક વર્ષ (1899-1900) દક્ષિણ આફ્રિકાના યુદ્ધ માટેના પ્રમુખ ખબરપત્રી અને તે પછીનાં 9 વર્ષ (1900-1909) ‘ટાઇમ્સ’ દ્વારા સાત ખંડોમાં તૈયાર કરવામાં આવેલા ‘ધ ટાઇમ્સ હિસ્ટરી ઑવ્ ધ સાઉથ આફ્રિકા વૉર’નું સંપાદન કર્યું. 1911માં ઇંગ્લૅન્ડની સંસદના સભ્ય બન્યા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન 1914-16ના ગાળામાં બ્રિટિશ લશ્કરમાં વિદેશમાં સેવા આપી. 1917થી લંડન ખાતેની વૉર કેબિનટ તથા વરસાઇલ્સ ખાતેની મિત્ર રાષ્ટ્રોની ‘વૉર કાઉન્સિલ’ના સ્ટાફ પર નિમાયા. 1919માં બ્રિટિશ સામ્રાજ્યની કૉલોનિયન ઑફિસમાં અન્ડર સેક્રેટરી, 1921માં નૌકાદળમાં અને 1922માં પ્રિવી કાઉન્સિલમાં નિમાયા. 1922-24 દરમિયાન નૌકાદળના ફર્સ્ટ લૉર્ડના પદ પર રહ્યા. તે પછી 1930 સુધી જુદાં જુદાં મહત્વનાં ખાતાંના મંત્રીપદે કાર્ય કર્યું.

1940-45ના ગાળામાં ભારત તથા બ્રહ્મદેશ માટે હિંદી વજીર-(સેક્રેટરી ઑવ્ સ્ટેટ)ના હોદ્દા પર કાર્ય કર્યું.

1925માં બ્રિટિશ સંસ્થાનો માટેનો અલગ વિભાગ Dominions Office રચવામાં ઍમરીએ પ્રમુખ ભૂમિકા ભજવી હતી. ઇંગ્લૅન્ડે હિટલર તથા મુસોલીની સાથે કરેલા મ્યૂનિક કરારના તે કટ્ટર વિરોધી હતા. 1940માં ઇંગ્લૅન્ડની નેવિલ ચેમ્બરલેઇન સરકારના પતનમાં તેમણે સક્રિય ભાગ ભજવ્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે