એબેલાર્ડ, પીટર (જ. 1090; અ. 21 એપ્રિલ 1142) : ફ્રાન્સનો ઈશ્વરશાસ્ત્રવેત્તા (theologian). પીટર બ્રિટ્ટાનીના લેપેલેના ઉમરાવના પુત્ર. રોસ્કેલિન અને ચેમ્પોના હાથ નીચે લોચીસ અને પૅરિસમાં તેમણે તર્કશાસ્ત્રનો અભ્યાસ કર્યો. મેલૂન, કોર્બીલ, બ્રિટ્ટાની, પૅરિસ વગેરે સ્થળોએ શિક્ષક તરીકે તેમણે સેવા આપી. ફુલ્બર્ટની તેજસ્વી ભત્રીજી હેલોઇઝ સાથે તેમણે ખાનગીમાં લગ્ન કર્યાં એટલે ફુલ્બર્ટે તેમને નપુંસક બનાવી વેર લીધું. તેથી હેલોઇઝ સાધ્વી બની અને એબેલાર્ડ સાધુ બન્યા (આ. 1118). સોઇસ્સોન્સની કાઉન્સિલે તેમના ઈશ્વરશાસ્ત્રના પ્રથમ પુસ્તકને બાળી નંખાવ્યું અને તેમને મેદાર્દમાં નિવૃત્ત કર્યા. 1136માં સેલિસબરીના જૉન તેમના શિષ્ય બન્યા. સુર્સની કાઉન્સિલે અને પોપે તેમનો તિરસ્કાર કર્યો એટલે તે કલુનીથી ચલોન-સુર-સઓને ગયા. ત્યાં તેમનું મૃત્યુ થયું.

એબેલાર્ડનું મંતવ્ય હતું કે વૈશ્વિક તથ્યો તર્ક અને તર્કસંગત વિચારોની ભૂમિકા પૂરી પાડે છે. આમ કહેવામાં તેઓ ઍરિસ્ટૉટલના કથનનું જ પુનરુચ્ચારણ કરતા હતા. જોકે ઍરિસ્ટૉટલનાં લખાણોથી તે વાકેફ ન હતા. તેમણે દ્વન્દ્વાત્મક તાર્કિક પદ્ધતિનું અનુસરણ કર્યું હતું. બાઇબલના તે સારા જ્ઞાતા હતા અને તેજસ્વી બુદ્ધિમત્તા ધરાવતા હતા. ખ્રિસ્તી ધર્મ વિશે તેમનું કોઈ કાયમી પ્રદાન નથી, પરંતુ એક તેજસ્વી શિક્ષક તરીકે તેઓ જાણીતા હતા.

યતીન્દ્ર દીક્ષિત