એબીટિક ઍસિડ (એબીટિનિક ઍસિડ/સીલિક ઍસિડ) : રૉઝિન(રાળ, રાજન, rosin)નો મુખ્ય સક્રિય સંઘટક. સૂત્ર C19H29COOH. તે કાર્બનિક સંયોજનોના ડાઇટર્પીન સમૂહનું ત્રિચક્રીય (tricyclic) સંયોજન છે. રૉઝિનમાં તે અન્ય રેઝિન ઍસિડો સાથે મળી આવે છે. આથી કેટલીક વાર આ મિશ્રણને પણ એબીટિક ઍસિડ તરીકે ઓળખવામાં આવે છે. કોનિફેરસ વૃક્ષોમાંથી મળતા નિ:સ્રાવ-(exudate)માંથી ટર્પેન્ટાઇન જેવા બાષ્પીય પદાર્થો કાઢી લીધા પછી મળતો પદાર્થ રૉઝિન તરીકે ઓળખાય છે. ઍસિડની માવજત દ્વારા રૉઝિનમાંથી એબીટિક ઍસિડ મેળવાય છે. પાઇન રેઝિન અને ટૉલ તેલ(tall oil)માંથી પણ તે મેળવી શકાય છે.
બજારમાં મળતું રૉઝિન કાચ જેવું, પીળા રંગનું અને નીચું ગલનબિંદુ ધરાવતું હોય છે. એબીટિક ઍસિડ પીળાશ પડતા રેઝિન જેવા પાઉડર રૂપે મળે છે. ગ.બિં. 172-175o સે. તે આલ્કોહૉલ, ઈથર, ક્લૉરોફૉર્મ અને બેન્ઝિનમાં દ્રાવ્ય પણ પાણીમાં અદ્રાવ્ય છે. ગ્લિસરૉલ અને બીજા પૉલિહાઇડ્રિક આલ્કોહૉલ સાથે રૉઝિનનું એસ્ટરીકરણ કરતાં એસ્ટરગમ મળે છે; તે પેઇન્ટ, વાર્નિશ, લેકર્સ વગેરેની બનાવટમાં વપરાય છે. રૉઝિન કાગળને અછિદ્રાળુ અને કડક બનાવે છે તથા પ્રક્ષાલક (detergent) તરીકે ઉપયોગી છે. રૉઝિન પ્રાચીન સમયમાં વહાણોનાં પાટિયાંને જલરોધક બનાવવા તથા સાંધામાં પૂરવા માટે વપરાતું હતું. હવાના ઑક્સિજનથી રૉઝિનનું અવક્રમણ (degradation) થાય છે. આથવણ ઉદ્યોગ તથા સાબુમાં પણ આ ઍસિડ વપરાય છે.
પ્રહલાદ બે. પટેલ